VIDEO: રોહિત શર્મા પર ભડક્યો ઐય્યર, કહ્યું- મને ના કહેશો, તમે કરી બતાવો

Australia vs India: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડેમાં ભારતીય ટીમે 264 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો, જેમાં રોહિત શર્મા અને શ્રેયસ ઐયરની અડધી સદીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, બંનેની શાનદાર બેટિંગ વચ્ચે સિંગલ રન લેવા મુદ્દે થયેલી દલીલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
રન લેવા પર તીખી દલીલ
ભારતીય ઇનિંગ્સની 14મી ઓવરમાં રોહિત શર્મા સ્ટ્રાઇક પર હતો. તેણે જોશ હેઝલવુડની બોલિંગ પર રન લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઊભેલા શ્રેયસ ઐયરે ના પાડી દીધી. આનાથી રોહિત નારાજ થયો અને બંને વચ્ચે મેદાન પર જ વાતચીત થઈ, જે સ્ટમ્પ માઇકમાં કેદ થઈ ગઈ. રોહિતે ઐયરને કહ્યું કે 'ત્યાં એક સિંગલ લઈ શક્યો હોત.' જવાબમાં ઐય્યરે કહ્યું કે,'મને ના કહેશો, તમે કરી બતાવો..'
રોહિત અને ઐયર વચ્ચેની વાતચીત
રોહિત શર્મા: અરે શ્રેયસ, આ એક સિંગલ હતો.
શ્રેયસ ઐયર: મને ના કહેશો, તમે કરી બતાવો.
રોહિત શર્મા: તો પછી તારે પહેલા કોલ કરવો પડશે. તે (હેઝલવુડ) સાતમી ઓવર ફેંકી રહ્યો છે.
શ્રેયસ ઐયર: મને ખબર નથી કે તે કયા એંગલ પર દોડી રહ્યો છે. કોલ કરો.
રોહિત શર્મા: હું તને કોલ ના આપી શકું.
શ્રેયસ ઐયર: તે તમારી સામે છે.
બંને બેટરોએ વચ્ચે દલીલો થઈ હોવા છતાં, તેમની ઈનિંગ્સે ભારતને સારા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.
રોહિત શર્માએ 97 બોલમાં 73 રન બનાવ્યા
મેચમાં રોહિત શર્માએ 97 બોલમાં 73 રન બનાવ્યા, જે તેની 59મી ODI અડધી સદી હતી. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિતના આઉટ થયા પછી, શ્રેયસ ઐયરે ઇનિંગ્સને આગળ ધપાવી અને 77 બોલમાં 61 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા ફટકાર્યા.
આ પણ વાંચો: 'હિટમેન' ગાંગુલીને પાછળ છોડી વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ભારતીય બેટર
અંતમાં પાંચમા નંબર પર બેટિંગ કરતા અક્ષર પટેલે 41 બોલમાં 44 રનનું મહત્વનું યોગદાન આપ્યું. 226 રનના સ્કોર સુધી ભારતે આઠ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ હર્ષિત રાણા (24 અણનમ) અને અર્શદીપ સિંહ (13)ની આક્રમક બેટિંગને કારણે ભારત 264ના પડકારજનક સ્કોર સુધી પહોંચી શક્યું. ઓસ્ટ્રેલિયા તરફથી સ્પિનર એડમ ઝામ્પાએ 4 વિકેટ લઈને સૌથી સફળ બોલર રહ્યા. ઝેવિયર બાર્ટલેટે 3 વિકેટ અને મિશેલ સ્ટાર્કે 2 વિકેટ લીધી હતી.

