'હિટમેન' ગાંગુલીને પાછળ છોડી વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ભારતીય બેટર

Rohit Sharma news : હિટમેન રોહિત શર્માના ફોર્મ અને નિવૃત્તિને લઈને ચર્ચા ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહી છે. T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વન-ડે ક્રિકેટમાં તે આગામી વર્લ્ડકપ રમી શકશે કે નહીં તે અંગે શંકા છે. વન ડે ક્રિકેટમાં તેણે 244 દિવસ બાદ ઓસ્ટ્રેલિયા સામેની પર્થમાં રમાયેલી પ્રથમ મેચમાં વાપસી કરી હતી. પરંતુ આ મેચમાં તેનો દેખાવ કંગાળ રહ્યો હતો. જો કે એડિલેડમાં બીજી મેચમાં તેણે ધીમી શરૂઆત બાદ વાપસી કરતાં ફિફ્ટી ફટકારી હતી.
રોહિતે બનાવ્યો રેકોર્ડ
આ મેચમાં 97 બોલમાં 73 રનની મદદથી તેણે ઇતિહાસ પણ રચ્યો હતો અને સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિત વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. આ સાથે તેણે ગાંગુલીના 11221 રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ યાદીમાં પ્રથમ અને બીજા ક્રમે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી છે.
59મી અડધી સદી ફટકારી
આ મેચમાં રોહિતની આ 59મી અડધી સદી હતી. 74 બોલમાં ફટકારેલી આ તેની 2015 પછીની સૌથી ધીમી અડધી સદી હતી. રોહિતે આ મેચમાં બીજો રેકોર્ડ પણ બનાવ્યો, જે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 1,000 થી વધુ ODI રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.

