‘કોણ જાણે હવે ઑસ્ટ્રેલિયામાં આવીશું કે નહીં’ સિડનીમાં જીત બાદ રોહિતનું ભાવુક નિવેદન, કોહલીએ પણ આભાર માન્યો

IND vs AUS ODI Rohit Sharma and Virat Kohli Statement : ભારતીય ટીમે આજે (25 ઓક્ટોબર) સિડની ખાતે રમાયેલી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. મેચમાં રોહિત શર્માએ અણનમ 121 રન જ્યારે વિરાટ કોહલીએ અણનમ 74 રન નોંધાવીને ભારતને ભવ્ય જીત અપાવીએ છે. બંને દેશો વચ્ચે કુલ ત્રણ વન-ડે રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલાએ પ્રથમ અને બીજી વન-ડે મેચ જીતીને શ્રેણી પોતાને નામે કરી છે.
રોહિત-કોહલીની જોડીને જોવા ભીડ ઉમટી
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા હતા, કેમ કે રોહિત-કોહલીની દિગ્ગજ જોડીનો ઓસ્ટ્રેલિયાનો આ છેલ્લો પ્રવાસ હોવાની સંભાવના છે. જીત બાદ રોહિત અને કોહલીએ કોમેન્ટેટર સાથે વાતચીત કરી ભાવુક નિવેદન આપ્યું હતું, જેનાથી ફેન્સની આંખો ભીની થઈ ગઈ હતી.

મને હંમેશા ઓસ્ટ્રેલિયામાં રમવાની મજા આવી : રોહિતનું ભાવુક નિવેદન
રોહિત શર્માએ ભાવુક થતાં કહ્યું કે, ‘મને ખબર નથી કે અમે ફરી ક્યારેય ભારતીય ટીમ સાથે અહીં (ઓસ્ટ્રેલિયા) આવી શકીશું કે નહીં, પરંતુ અમે દરેક પળનો આનંદ માણ્યો છે. મને હંમેશા અહીં રમવાની મજા આવી છે. ખાસ કરીને સિડનીની યાદો હંમેશા ખાસ રહે છે.’

રોહિત સાથે શ્રેષ્ઠ ભાગીદારી કરીને મેચ જીતવાની શાનદાર મજા આવી : કોહલી
વિરાટ કોહલીએ પોતાની અને રોહિતની ભાગીદારીને યાદગાર ગણાવતા કહ્યું કે, ‘ભલે તમે લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હોવ, પરંતુ આ રમત તમને દર વખતે કંઈક નવું શીખવે છે. ટાર્ગેટનો પીછો કરતી વખતે હું હંમેશાં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરું છું. રોહિત સાથે શ્રેષ્ઠ ભાગીદારી કરીને મેચ જીતવાની શાનદાર મજા આવી. હવે અમે કદાચ સૌથી અનુભવી જોડી છીએ. જ્યારે અમે યુવા હતા, ત્યારથી જ અમને ખબર હતી કે, મોટી ભાગીદારી કરવાથી વિપક્ષી ટીમને પછાડી શકાય છે. અમે બંનેએ 2013માં ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલું શ્રેણીથી આ શરૂઆત શરૂ કરી હતી. અમને ઓસ્ટ્રેલિયામાં રમવું ખૂબ પસંદ છે, અમે અહીં ઘણી સારી મેચો રમી છે. અમે મોટી સંખ્યામાં સમર્થન આપનાર દર્શકોનો ખૂબ ખૂબ આભાર.’
ભારતનો 9 વિકેટે શાનદાર વિજય
રોહિત શર્મા અને વિરાટ કોહલીના દમદાર બેટિંગ પ્રદર્શનને કારણે ભારતે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે 9 વિકેટથી જીતી લીધી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરનાર ઓસ્ટ્રેલિયાની ટીમ 46.4 ઓવરમાં માત્ર 236 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં, ભારતે 38.3 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો. જેમાં હિટમેન રોહિત શર્માએ અણનમ 121 રન બનાવીને ફોર્મમાં જોરદાર વાપસી કરી, જ્યારે વિરાટ કોહલીએ અણનમ 74 રનનું યોગદાન આપ્યું. આ શ્રેણી ઓસ્ટ્રેલિયાએ પોતાના નામે કરી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ અને બીજી વન-ડે જીતી લીધી હતી, જ્યારે ભારતે ત્રીજી વન-ડેમાં શાનદાર જીત મેળવી છે.

