કોહલીનો વિરાટ રેકોર્ડ: વનડેમાં તેંડુલકર બાદ બીજો સૌથી શ્રેષ્ઠ ખેલાડી, સંગાકારાનો રેકોર્ડ તોડ્યો

Virat Kohli Record: ભારતીય ટીમના મહાન બેટર વિરાટ કોહલીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)માં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે ઇન્ટરનેશનલ (ODI) મેચમાં વિસ્ફોટક ઈનિંગ્સ રમવાની સાથે શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગાકારાનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટ કોહલી હવે ODI ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટર્સની યાદીમાં બીજા ક્રમે પહોંચી ગયા છે.

15 વર્ષના ODI કારકિર્દી દરમિયાન કુમાર સંગાકારાએ શ્રીલંકા અને ICC માટે 404 મેચ રમી, જેમાં 14,234 રન બનાવ્યા. વિરાટ કોહલી હવે 14,255 રન સાથે ODI ક્રિકેટમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયા છે. જો કે, ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ 14,426 રન સાથે મહાન બેટર સચિન તેંડુલકરના નામે છે.
વનડેમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટર
•વિરાટ કોહલી (ભારત) - 51 સદી
•સચિન તેંડુલકર (ભારત) - 49 સદી
•રોહિત શર્મા (ભારત) - 33 સદી
•રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) - 30 સદી
•સનથ જયસૂર્યા (શ્રીલંકા) - 28 સદી
વિરાટની ફોર્મમાં વાપસી
ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પહેલી બે વન-ડેમાં (પર્થ અને એડિલેડ) વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયા હતા, જેના કારણે તેના ફોર્મને લઈને સવાલો ઊઠી રહ્યા હતા. જો કે, નિર્ણાયક ત્રીજી ODIમાં કોહલીએ જોરદાર વાપસી કરીને પોતાની 75મી ODI અડધી સદી ફટકારી. આ મેચમાં તે 81 બોલમાં અણનમ 74 રન બનાવીને અંત સુધી ક્રિઝ પર રહ્યા હતા.
ભારતનો 9 વિકેટે શાનદાર વિજય
રોહિત શર્મા અને વિરાટ કોહલીના દમદાર બેટિંગ પ્રદર્શનને કારણે ભારતે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે 9 વિકેટથી જીતી લીધી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરનાર ઓસ્ટ્રેલિયાની ટીમ 46.4 ઓવરમાં માત્ર 236 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં, ભારતે 38.3 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો. જેમાં હિટમેન રોહિત શર્માએ અણનમ 121 રન બનાવીને ફોર્મમાં જોરદાર વાપસી કરી, જ્યારે વિરાટ કોહલીએ અણનમ 74 રનનું યોગદાન આપ્યું. આ જીત સાથે ભારતીય ટીમે ત્રણ મેચની આ ODI શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે.

