ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકારતાં જ રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, આવો રેકોર્ડ બનાવનારો દુનિયાનો પહેલો બેટર

Rohit Sharma Century: ઓસ્ટ્રેલિયા સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રીજી વન-ડે ઇન્ટરનેશનલ (ODI) મેચમાં ભારતીય ટીમના હિટમેન રોહિત શર્માએ બેટિંગમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. 237 રનના લક્ષ્યનો પીછો કરતાં હિટમેને મેચ વિનિંગ શાનદાર સદી ફટકારીને ભારતને વિજય અપાવ્યો અને સાથે જ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
સૌથી વધુ સદી ફટકારનાર પહેલો બેટર
રોહિત શર્માએ 105 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી આ સદી ફટકારી હતી, જે તેની કારકિર્દીની 33મી ODI સદી હતી. આ સદી સાથે જ તેના આંતરરાષ્ટ્રીય સદીઓની સંખ્યા 50 (ODIમાં 33, ટેસ્ટમાં 12, T20Iમાં 5) પર પહોંચી ગઈ છે. આ સિદ્ધિ સાથે રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20I)માં પાંચ કે તેથી વધુ સદી ફટકારનાર વિશ્વનો પહેલો અને એકમાત્ર બેટર બની ગયો છે.
ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ સદીનો રેકોર્ડ
રોહિત શર્માએ આ મેચમાં અન્ય એક મોટો રેકોર્ડ પણ તોડ્યો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર આ તેમની છઠ્ઠી ODI સદી છે. આ સિદ્ધિ સાથે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ મુલાકાતી (વિઝિટિંગ) બેટર દ્વારા સૌથી વધુ ODI સદી ફટકારનાર બેટર બની ગયો છે.
અગાઉ આ રેકોર્ડ ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલી અને શ્રીલંકાના પૂર્વ બેટર કુમાર સંગાકારાના નામે હતો. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં 32 ODI ઈનિંગ્સમાં 5 સદી ફટકારી હતી, જ્યારે સંગાકારાના નામે પણ 5 સદી છે. રોહિત શર્માએ માત્ર 33મી ઇનિંગમાં છઠ્ઠી સદી ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

