રોહિત-વિરાટને સ્થાન અપાયું તો જાડેજા કેમ બહાર? ટીમ સિલેક્શન પર અગરકરનો જવાબ
India vs Australia 2025: ભારતીય ક્રિકેટમાં હવે શુભમન ગિલનો યુગ શરૂ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આજે તેને વન-ડે ટીમનો પણ કેપ્ટન બનાવી દીધો છે. આ પહેલા શુભમન ગિલે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી હતી. શુભમન દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માના સ્થાને વન-ડે ટીમનો કેપ્ટન બન્યો છે.
બીજી એક મહત્ત્વની વાત એ છે કે, શ્રેયસ અય્યરને વન-ડે ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. BCCIના આ પગલાને સ્પષ્ટ રૂપે ભવિષ્ય માટે વ્યૂહાત્મક યોજનાના ભાગ રૂપે જોવામાં આવી રહ્યું છે, જેમાં બોર્ડ ધીમે-ધીમે શુભમન ગિલને ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમના કાયમી લીડર બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, શુભમન હાલમાં T20 ક્રિકેટમાં ભારતીય ટીમનો વાઈસ-કેપ્ટન છે, જ્યારે સૂર્યકુમાર યાદવ આ ફોર્મેટમાં કેપ્ટનશીપની જવાબદારી સંભાળે છે.
રોહિત-વિરાટને સ્થાન અપાયું
વન-ડે સ્ક્વોડમાં અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી સામેલ છે, જેઓ ટીમમાં અનુભવ અને સંતુલન જાળવી રાખશે. રિષભ પંત, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી અને રવીન્દ્ર જાડેજાની પસંદગી કરવામાં આવી નથી. વરુણ ચક્રવર્તી, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને બહાર કરવામાં આવ્યા છે.
જાડેજાને બહાર રાખવા પર અગરકરનો જવાબ
ચીફ સિલેક્ટર અજિત અગકરે કહ્યું કે, રવીન્દ્ર જાડેજાને બહાર રાખવાનો નિર્ણય એક વ્યૂહાત્મક નિર્ણય છે, કારણ કે કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર પહેલેથી જ ટીમમાં છે. નીતીશ કુમાર રેડ્ડી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજને વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પાંચેય ખેલાડીઓ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર રહ્યા હતા. વિકેટકીપિંગ માટે ફર્સ્ટ ચોઈસ કીપર તરીકે કેએલ રાહુલ વન-ડે ટીમનો હિસ્સો છે.
BCCI વન-ડે ફોર્મેટમાં યુવા નેતૃત્વને તક આપવા માગે
ટીમ પસંદગીથી એ પણ સંકેત મળે છે કે BCCI હવે વન-ડે ફોર્મેટમાં પણ યુવા નેતૃત્વને તક આપવા માગે છે, જેથી ભવિષ્યમાં ભારત માટે કાયમી કેપ્ટન મળી શકે. ખાસ કરીને શુભમન ગિલ અને શ્રેયસ અય્યરને આપવામાં આવેલી જવાબદારીઓ તેમના નેતૃત્વ કૌશલ્ય અને મેચ જીતવાની ક્ષમતામાં વિશ્વાસ દર્શાવે છે. નિષ્ણાતો માને છે કે, આ ટીમ પસંદગી માત્ર આગામી સીરિઝ માટે જ નહીં પરંતુ 2027 વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓ માટે પણ મહત્વપૂર્ણ છે.
BCCI ભવિષ્યના કેપ્ટન તૈયાર કરવાની દિશામાં કરી રહ્યું કામ
ટીમ મેનેજમેન્ટનું લક્ષ્ય એ છે કે યુવા ખેલાડીઓ અનુભવ મેળવે અને ટીમને મજબૂત નેતૃત્વ મળે. આ ટીમ પસંદગીએ સ્પષ્ટ કરી દીધું છે કે, BCCI ભવિષ્ય માટે કેપ્ટન તૈયાર કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. શુભમન ગિલ અને શ્રેયસ અય્યરને ભારતીય ક્રિકેટનું નેતૃત્વ કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: રોહિત શર્માએ સામેથી કેપ્ટનશિપ છોડી કે છીનવી લેવાઈ? ચીફ સિલેક્ટર અગરકરે આપ્યા સંકેત
બીજી તરફ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે T20 ટીમમાં કોઈ વધુ ફેરફાર કરવામાં નથી આવ્યો. એશિયા કપ વિજેતા ટીમના 14 ખેલાડીઓ T20 ટીમનો હિસ્સો છે. ઈજાને કારણે માત્ર હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બહાર થયો છે. નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરને T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ટીમ ઇન્ડિયાની વનડે ટીમ: શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.
ટીમ ઇન્ડિયાની T20 ટીમ: સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન(વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.