રોહિત શર્માએ સામેથી કૅપ્ટનશિપ છોડી કે છીનવી લેવાઈ? ચીફ સિલેક્ટર અગરકરે આપ્યા સંકેત
India vs Australia 2025: ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો બદલાવ આવ્યો છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની વન-ડે અને T20 ટીમોની જાહેરાત કરી છે, જેમાં યુવા બેટર શુભમન ગિલને વન-ડે ટીમનો નવો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂર્વ કૅપ્ટન રોહિત શર્મા હવે માત્ર એક બેટર તરીકે વન-ડે ટીમમાં રમશે. જો કે, રોહિતે કૅપ્ટનશીપ છોડી દીધી છે કે તેને હટાવવામાં આવ્યો છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ત્રણ ફોર્મેટ માટે ત્રણ કૅપ્ટન વ્યવહારુ નથી: અગરકર
ટીમની જાહેરાત દરમિયાન ચીફ સિલેક્ટર અજિત અગરકરના નિવેદને સંકેત આપ્યા હતા કે, રોહિતને કૅપ્ટનશીપમાંથી હટાવવામાં આવ્યો હોઈ શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં અજિત અગરકરે કહ્યું હતું કે,'ત્રણેય ફોર્મેટ માટે ત્રણ અલગ અલગ કૅપ્ટન રાખવા વ્યવહારીક રીતે અશક્ય છે. વન-ડે ક્રિકેટ હાલમાં સૌથી ઓછું રમાતું ફોર્મેટ છે. અમારું ધ્યાન આગામી T20 વર્લ્ડ કપ પર છે. અમે ગિલને એડજસ્ટ થવા માટે સમય આપવા માંગીએ છીએ.'
રોહિત-વિરાટ ફિટ, પણ વર્લ્ડ કપ માટે પ્રતિબદ્ધ નથી
રોહિત શર્મા અને વિરાટ કોહલીને વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જો કે, તેમની ભવિષ્યની યોજનાઓ વિશે અજિત અગરકરે કહ્યું હતું કે, ''રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેએ 2027 વર્લ્ડ કપ અંગે કોઈ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી નથી.'
બંને ખેલાડીઓની ફિટનેસ અંગે અજિત અગરકરે કહ્યું હતું કે, 'વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટીમમાં જોડાવા માટે બધી જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધી છે. અમે હંમેશા પસંદ કરેલા ખેલાડીઓના નામ સેન્ટર ઑફ એક્સેલન્સ(COE)ને મોકલીએ છીએ અને તેમની ફિટનેસની પુષ્ટિ કરીએ છીએ.'
શુભમન ગિલને ODI કૅપ્ટન બનાવવાનો આ નિર્ણય ભારતીય ક્રિકેટના નેતૃત્વમાં યુવા પેઢી તરફ સંક્રમણને દર્શાવે છે, જ્યારે T20 ફોર્મેટ પર પસંદગીકારોનું મુખ્ય ધ્યાન રહેશે.
ભારતીય ટીમની જાહેરાત
ટીમ ઇન્ડિયાની વનડે ટીમ: શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.
ટીમ ઇન્ડિયાની T20 ટીમ: સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન(વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચનું શેડ્યૂલ
19મી ઑક્ટોબર: પહેલી વનડે, પર્થ
23મી ઑક્ટોબર: બીજી વનડે, એડિલેડ
25મી ઑક્ટોબર: ત્રીજી વનડે, સિડની
29મી ઑક્ટોબર: પહેલી ટી20, કેનબેરા
31મી ઑક્ટોબર: બીજી ટી20, મેલબોર્ન
બીજી નવેમ્બર: ત્રીજી ટી20, હોબાર્ટ
છઠ્ઠી નવેમ્બર: ચોથી ટી20, ગોલ્ડ કોસ્ટ
આઠમી નવેમ્બર: પાંચમી ટી20, બ્રિસ્બેન