હવે ખેલાડી ઈજાગ્રસ્ત થશે તો... ક્રિકેટમાં નવો રિપ્લેસમેન્ટ નિયમ, જાણો ક્યારે થશે લાગુ
Cricket Replacement Rule : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં રિપ્લેસમેન્ટ માટે નવો નિયમ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે બેટરના સ્થાને બેટર અને બોલરના સ્થાને બોલરને રિપ્લેસ કરવાનો નિયમ બનાવાયો છે. હાલ આ નિયમ માત્ર ટ્રાયલ તરીકે અમલમાં લવાયો છે.
ઓક્ટોબર-2025માં લાગુ કરાશે નિયમ
રિપોર્ટ મુજબ, ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં લાઈક ફૉર લાઈક રિપ્લેસમેન્ટનો નિયમ ઓક્ટોબર-2025માં લાગુ કરવામાં આવશે. ખેલાડી ગંભીર ઈજાગ્રસ્ત થશે તો જ રિપ્લેસ કરવામાં આવશે. નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેલાડીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. જો કોઈ ખેલાડીને મેચ દરમિયાન માથામાં ઈજા (કનકશન) થાય અને ટીમ ડોક્ટર દ્વારા તેની પુષ્ટિ થાય કે તે આગળ રમી શકે તેમ નથી, તો મેચ રેફરીની મંજૂરી બાદ જ આ ફેરફાર કરી શકાય છે.
ખેલાડીનું રિપ્લેસમેન્ટ પરંતુ તમામ જવાબદારી નહીં
જો કોઈ ખેલાડી ગંભીર ઈજાગ્રસ્ત થશે તો જ આ નિયમ લાગુ પડશે. હેમસ્ટ્રિંગ અથવા સામાન્ય દુઃખાવા જેવી સમસ્યાઓ હશે તો નવો રિપ્લેસમેન્ટ નિયમ લાગુ નહીં થાય. આઈસીસીના નવા નિયમમાં એવું પણ કહેવાયું છે કે, ઈજાગ્રસ્ત ખેલાડીની જે જવાબદારીઓ છે, તે તમામ જવાબદારી રિપ્લેસમેન્ટ ખેલાડીને લાગુ નહીં પડે. એટલે કે ઈજાગ્રસ્ત ખેલાડીના સ્થાને ફુલ સબ્સ્ટીટ્યૂટ ખેલાડી લેવામાં આવશે નહીં. વર્તમાન નિયમ મુજબ, એક સબ્સ્ટીટ્યુટ ખેલાડી ફક્ત ફિલ્ડિંગ કરી શકે છે. તે બેટિંગ કે બોલિંગ કરી શકતો નથી, અથવા કેપ્ટન તરીકે પણ કામગીરી સંભાળી શકતો નથી, જેના કારણે ટીમોને મોટું નુકસાન થતું હતું. જોકે નવો નિયમ લાગુ થશે, ત્યારે આ વિવાદનો અંત આવશે.
આ પણ વાંચો : ભારતમાં ધનિકો મોંઘી કારના બુકિંગ ધડાધડ કરી રહ્યા છે કેન્સલ, જાણો શું છે કારણ