ઉતાવળમાં નિર્ણય નહીં લઉં, 4-5 મહિનાનો પર્યાપ્ત સમય: નિવૃત્તિ અંગે ધોનીનું મોટું નિવેદન
Dhoni's big Statement about Retirement : IPLની છેલ્લી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની જીત મેળવ્યા પછી એમએસ ધોનીએ પોતાના IPL ભવિષ્ય અંગે પરિસ્થિતિ સ્પષ્ટ કરી નથી. ધોનીએ કહ્યું કે, તેઓ આ નિર્ણય માટે થોડો સમય લેશે અને આગામી થોડા મહિનાઓમાં નક્કી કરશે કે તે આગામી સિઝનમાં રમશે કે નહીં.
આ પણ વાંચો: IPL 2025ની છેલ્લી મેચમાં ધોનીનું નિવેદન, કહ્યું- 'કરિયરના અંતિમ તબક્કામાં છું ત્યારે...'
'મારી પાસે નિર્ણય લેવા માટે 4-5 મહિના છે'
મેચ પછી ધોનીએ કહ્યું, 'મારી પાસે નિર્ણય લેવા માટે 4-5 મહિના છે.' શું કરવું તેની કોઈ ઉતાવળ નથી. દર વર્ષે શરીરને ફિટ રાખવા માટે 50% વધુ મહેનત લાગે છે. આ ક્રિકેટનું સર્વોચ્ચ સ્તર છે. જો ખેલાડીઓ પ્રદર્શનના આધારે સન્યાસ લેવાનું શરૂ કરે છે, તો તેમાંથી ઘણા 22 વર્ષની ઉંમરમાં જ નિવૃત્ત થશે. જરુરી એ કે તમારામાં ભૂખ કેટલી છે, તમે કેટલા ફિટ છો અને તમે ટીમમાં કેટલું યોગદાન આપી શકો છો, અને ટીમને તમારી જરૂર છે કે નહીં. મારી પાસે પૂરતો સમય છે. હું રાંચી પાછો જઈશ, હું ઘણા લાંબા સમયથી ઘરે ગયો નથી. હું થોડોક બાઇક રાઇડનો આનંદ લઈશ, પછી બે-ત્રણ મહિના પછી નક્કી કરીશ.'
ધોનીએ આગળ કહ્યું, 'હું એમ પણ નથી કહેતો કે, હું હવે ખતમ થઈ ગયો છું અને હું એમ પણ નથી કહેતો કે હું વાપસી કરીશ.' મને સમયની સગવડ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે 83 રનથી જીત મેળવી
IPL 2025 ની મેચ નંબર-67 માં ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મુકાબલો જામ્યો હતો. 25 મે, રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 83 રનથી જીત મેળવી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 231 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તેમની આખી ટીમ 18.3 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
મેચ શરુ થતા પહેલા ધોનીએ કરી હતી આ વાત
IPL 2025ની 67મી મેચમાં ટોસ જીત્યા પછી ધોનીએ પોતાની ફિટનેસને લઈને વાત કરી હતી અને કહ્યું કે, 'કરિયરના અંતિમ તબક્કા દરમિયાન શરીરને ફિટ રાખવું મેચ રમવા માટે મજબૂત રહેવુ ઘણુ મુશ્કેલ હોય છે. દર વર્ષે એક નવો પડકાર હોય છે. તેને જાળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. જ્યારે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો હતો, ત્યારે મને આમાં ઘણી મુશ્કેલી નહોતી પડતી.પરંતુ હવે મારે મારી જાતને ફિટ રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે.'