મને ધમકી મળી હતી કે ભારત પાછો ન આવતો: વરુણ ચક્રવર્તીએ વર્ણવી આપવીતી
Varun Chakraborty Narrated the Incident: ભારતના સ્પિન બોલર વરુણ ચક્રવર્તીએ પોતાના જીવનના એક ખરાબ સમયની વાત શેર કરી છે. તેણે UAEમાં યોજાયેલી 'T20 વર્લ્ડ કપ 2021' વિશે ચર્ચા કરી હતી. આ ટુર્નામેન્ટમાં ચક્રવર્તીનુ પ્રદર્શન નિરાશાજનક હતું. જેના કારણે તેને ફોન પર ધમકીઓ મળી. વરુણે કહ્યું કે, તેને ભારત પાછા ન ફરવાની ધમકી આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટના શરુઆતના તબક્કામાં જ ભારત બહાર થઈ ગયું હતું. વરુણ જ્યારે પરત ફર્યો ત્યારે ચેન્નઈમાં તેના ઘર સુધી તેનો પીછો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રાજસ્થાન રૉયલ્સને મોટો ઝટકો, સંજૂ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો સમગ્ર મામલો
ભારત માટે ત્રણ મેચ રમી, પરંતુ એક પણ વિકેટ ન લઈ શક્યો
વર્ષ 2021ની ટુર્નામેન્ટ પછી તે ટીમથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ વરુણને લાગ્યું કે, હવે તેનું ઇન્ટરનેશનલ કરિયર સમાપ્ત થઈ ગયું છે. જુલાઈ 2021માં તેણે શ્રીલંકા સામે T20I સીરિઝમાં ડેબ્યુ કર્યું હતું. તે વર્ષે વિરાટ કોહલીના નેતૃત્વવાળી T20 વર્લ્ડ કપ ટીમમાં તેને સ્થાન મળ્યું. વરુણે ભારત માટે ત્રણ મેચ રમી, પરંતુ એક પણ વિકેટ ન લઈ શક્યો.
'આ મારા માટે ખરાબ સમય હતો, હું હતાશ હતો'
પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ભારતને 10 વિકેટે હાર મળી હતી. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની આ પહેલી હાર હતી. વરુણ ભારતની બોલિંગ લાઇન અપનો એક ભાગ હતો. એક યુટ્યુબ શોમાં વરુણે એન્કર ગોબીનીથને કહ્યું કે, 'આ મારા માટે ખરાબ સમય હતો. હું હતાશ હતો, કારણ કે, મને લાગ્યું કે હું ન્યાય નથી કરી શકતો. એક પણ વિકેટ ન લઈ શકવોનો મને અફસોસ હતો. તે પછી ત્રણ વર્ષ સુધી મારું સિલેક્શન ન થયું. એટલા માટે મને લાગ્યું કે ટીમમાં પાછા આવવું મારા ડેબ્યુ કરતાં વધુ મુશ્કેલ હતું. 2021 પછી મારા પોતાનામાં કેટલાક બદલાવ લાવવા પડ્યા. મને પોતાની ડેઇલી રુટિન અને પ્રેક્ટિસને બદલવી પડી. પહેલા હું એક સેશનમાં 50 બોલનો અભ્યાસ કરતો હતો, મેં તેને ડબલ કરી દીધો. મને એ પણ ખબર ન હતી કે મારું સિલેક્શન થશે કે નહીં. ત્રણ વર્ષ વીત્યા પછી હવે મને લાગે છે કે, હવે બધું પૂરું થઈ ગયું. તે પછી અમે IPL જીત્યા અને મને કોલ આવ્યો. એ પછી હું ખુશ હતો.'
આ પણ વાંચો: હું હંમેશા તારી સાથે છું...: અક્ષર પટેલને કૅપ્ટન બનાવાતા K L રાહુલે જુઓ શું કહ્યું
'હું એ વિશ્વાસ નથી કરી શકતો કે, દરેક સારી વસ્તુ એક સાથે થઈ રહી છે'
વરુણ IPLમાં કોલકતા નાઇટ રાઇડર્સ (KKR)માટે રમે છે. ગયા વર્ષે આઇઈપીએલમાં KKRની જીત થઈ હતી. વરુણે આગળ કહ્યું કે,' હું એ વિશ્વાસ નથી કરી શકતો કે, દરેક સારી વસ્તુ એક સાથે થઈ રહી છે. હું તેને વધુ આગળ લઈ જવા માંગુ છું. મેં સફળતા જોઈ છે અને માનું છું કે, ટીકા કેટલી ખરાબ હોઈ શકે છે.'