હર્ષલ પટેલે 150 વિકેટ ખેરવી બનાવ્યો નવો રેકોર્ડ, બુમરાહ અને મલિંગાને પણ પછાડ્યા
IPL 2025 Harshal Patel: સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર હર્ષલ પટેલે IPLમાં ઇતિહાસ રચ્યો. પટેલે એકાના સ્ટેડિયમમાં એડન માર્કરામની વિકેટ લઈને IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો. તેમજ આ રેકોર્ડથી તેણે બુમરાહ અને મલિંગાને પાછળ છોડી દીધા છે.
હર્ષલ પટેલે IPLમાં 2381 બોલમાં 150 વિકેટ પૂર્ણ કરી
હર્ષલ પટેલે મેચની 16મી ઓવરમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી જ્યારે તેણે એડન માર્કરામને 61 (38 બોલ) રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો. આ વિકેટ સાથે, તેણે IPLમાં 2381 બોલમાં 150 વિકેટ પૂર્ણ કરી. તેણે લસિથ મલિંગા (2444 બોલ) અને યુઝવેન્દ્ર ચહલ (2543 બોલ) જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.
IPLમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનાર બોલર
હર્ષલ પટેલ: સોમવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર હર્ષલ પટેલે પોતાની 150મી IPL વિકેટ લીધી. તે સૌથી ઓછા બોલમાં 150 વિકેટ લેનાર બોલર બની ગયો છે. હર્ષલે માત્ર 2381 બોલમાં આ સિદ્ધિ મેળવી છે.
લસિથ મલિંગા: ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 122 મેચમાં 170 વિકેટ લીધી. મલિંગાએ 150 વિકેટ લેવા માટે 2444 બોલ ફેંક્યા હતા.
યુઝવેન્દ્ર ચહલ: આ યાદીમાં IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલ પણ સામેલ છે. ચહલે 2543 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. ચહલે 172 મેચમાં 219 વિકેટ લીધી છે. તે IPLમાં 200 થી વધુ વિકેટ લેનાર પ્રથમ બોલર છે.
ડ્વેન બ્રાવો: વેસ્ટ ઈન્ડિઝના ડેશિંગ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ 2656 બોલમાં 150 વિકેટ લીધી. તે સૌથી ઓછા બોલમાં આ સિદ્ધિ મેળવનાર ચોથો બોલર છે. બ્રાવોએ 161 મેચોમાં 183 વિકેટ લીધી છે.
જસપ્રીત બુમરાહ: મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 2832 બોલમાં 150 વિકેટ લીધી. IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બુમરાહ સાતમા સ્થાને છે. બુમરાહે IPLમાં 141 મેચમાં 178 વિકેટ લીધી છે.
બે વાર પર્પલ કેપ જીતી ચૂક્યો છે હર્ષલ પટેલ
હર્ષલ પટેલ બે વાર પર્પલ કેપ જીતી ચૂક્યો છે. તેણે 2021 માં RCBમાં રમતી વખતે 32 વિકેટ લીધી હતી અને 2024માં તેણે PBKSમાં 24 વિકેટ લીધી હતી.
આ મેચમાં ટોસ જીત્યા બાદ હૈદરાબાદે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા લખનઉએ માર્શ અને માર્કરામના ફિફ્ટીના આધારે હૈદરાબાદને 206 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં, હૈદરાબાદ 19મી ઓવરમાં મેચ જીતી ગયું.