Get The App

T20 વર્લ્ડકપ-2026માં હેરી બ્રુકે રચ્યો ઈતિહાસ, સૌથી ઓછા બોલમાં ફટકારી સદી, ત્રણ બેટરોના તોડ્યા રેકોર્ડ

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
T20 વર્લ્ડકપ-2026માં હેરી બ્રુકે રચ્યો ઈતિહાસ, સૌથી ઓછા બોલમાં ફટકારી સદી, ત્રણ બેટરોના તોડ્યા રેકોર્ડ 1 - image

T20 World Cup 2026 Century Record : આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026ના સુપર-8 તબક્કામાં ઈંગ્લેન્ડના સ્ટાર બેટર હેરી બ્રુકે પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી રોમાંચક મેચમાં તોફાની બેટિંગ કરીને ઈતિહાસ રચી દીધો છે. હેરી બ્રુકે માત્ર 51 બોલમાં 100 રનની અણનમ ઈનિંગ રમીને પોતાની ટીમને બે વિકેટે શાનદાર વિજય અપાવ્યો હતો. આ સદી સાથે બ્રુકે ચાલુ વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ સામેલ કરી દીધું છે. તેણે કેનેડાના વાય.એસ. સામરા (65 બોલ), શ્રીલંકાના પી. નિશંકા (52 બોલ) અને પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાન (58 બોલ)ના રેકોર્ડને પાછળ છોડી આ ટૂર્નામેન્ટની સૌથી ઝડપી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે.

બ્રુકે સામરા, નિશંકા, ફરહાનનો તોડ્યો રેકોર્ડ

આ વર્લ્ડકપમાં હેરી બ્રુક ઉપરાંત કેનેડાના વાય.એસ. સામરાએ ન્યુઝીલેન્ડ સામે 65 બોલમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 110 રન, શ્રીલંકાના પી. નિશંકાએ ઓસ્ટ્રેલિયા સામે માત્ર 52 બોલમાં અણનમ 100 રન અને પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાને નામીબિયા સામે 58 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 100 રન પૂરા કર્યા હતા. આમ અત્યાર સુધીમાં આ વર્લ્ડકપમાં કુલ ચાર બેટરોએ સદી ફટકારી છે.

પાકિસ્તાનનો પરાજય અને ઈંગ્લેન્ડની સેમિફાઈનલમાં એન્ટ્રી

પાકિસ્તાન સામેની આ જીત સાથે ઈંગ્લેન્ડની ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. બીજી તરફ પાકિસ્તાન માટે હવે ટુર્નામેન્ટમાં આગળ વધવું અત્યંત મુશ્કેલ બન્યું છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 164 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ઓપનર સાહિબઝાદા ફરહાને 45 બોલમાં 63 રન ફટકાર્યા હતા, પરંતુ અન્ય બેટર્સ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. બાબર આઝમ અને ફખર ઝમાને 25-25 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી લિયામ ડોસને ઘાતક બોલિંગ કરતા 24 રન આપી 3 વિકેટ ઝડપી હતી, જ્યારે જોફ્રા આર્ચર અને જેમી ઓવરટને 2-2 વિકેટ મેળવી હતી.

આ પણ વાંચો : T20 WC 2026 : સુપર-8ની મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પછાડ્યું, હવે સેમિ ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ

હેરી બ્રુકની વન મેન શો ઈનિંગ

165 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી. ફિલ સોલ્ટ શૂન્ય રને અને કેપ્ટન જોસ બટલર માત્ર 2 રને આઉટ થઈ ગયા હતા. જોકે, હેરી બ્રુકે એક છેડો સાચવી રાખીને પાકિસ્તાની બોલરોની ધોલાઈ શરૂ કરી હતી. તેણે પોતાની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. શાહીન શાહ આફ્રિદીએ 4 વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાન માટે હવે 'કરો કે મરો' જેવી સ્થિતિ

આ હાર બાદ પાકિસ્તાન લગભગ સેમિફાઈનલની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે. હવે પાકિસ્તાનની સેમિ ફાઈનલમાં એન્ટ્રી ન્યૂઝીલેન્ડના પ્રદર્શન પર નિર્ભર છે. જો ન્યૂઝીલેન્ડ પોતાની આગામી બંને મેચો હારે તો પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચી શકે છે, પણ તેણે તેની ત્રીજી મેચ પણ જીતવી જરૂરી છે. જો ન્યૂઝીલેન્ડ એક મેચ જીતશે તો પાકિસ્તાને તેની છેલ્લી મેચ શ્રીલંકા સામે મોટા અંતરથી જીતવી પડશે. જો પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરે તો તેણે 80થી 100 રનથી જીતવું પડશે અને જો લક્ષ્યાંકનો પીછો કરે તો 10 થી 12 ઓવરમાં જ મેચ ખતમ કરવી પડશે જેથી તેમનો નેટ રન રેટ ન્યૂઝીલેન્ડ કરતા સુધરી શકે.

આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન ફરી ટકરાશે, મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, 12 ટીમો લેશે ભાગ