IPL 2025: આઇપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આ હાર સાથે મુંબઈની વર્તમાન સિઝનમાં સફરનો અંત આવ્યો. મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન હાર્દિક પંડ્યા આ હારથી ખૂબ જ નિરાશ દેખાયો હતો. શ્રેયસ ઐયરે વિજયી સિક્સર ફટકારતાંની સાથે જ હાર્દિક ઘૂંટણિયે બેસી ગયો અને તેની હાલત પરથી સ્પષ્ટ થઈ ગયું કે તે આ હારથી ભાંગી પડ્યો છે. જસપ્રીત બુમરાહે તેને હિંમત આપી અને ઊભો કર્યો અને મેચ પછી હાથ મિલાવવા માટે પ્રોત્સાહિત કર્યો.
હાર બાદ મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટને શું કહ્યું?
મેચ પછીના પ્રેઝન્ટેશન સેરેમનીમાં હાર્દિક પંડ્યાએ કહ્યું કે, 'શ્રેયસે જે રીતે બેટિંગ કરી, પોતાની તકોનો લાભ લીધો અને તેણે જે શોટ રમ્યા તે ખરેખર શાનદાર હતા. શ્રેયસે ખરેખર સારી બેટિંગ કરી. અમારે બોલિંગ યુનિટ તરીકે હજુ શાનદાર પ્રદર્શનની જરૂર હતી. આ મોટી મેચોમાં આ ખરેખર મહત્ત્વનું છે. અય્યરે અમારા પર મેચમાં સતત દબાણ વધાર્યું.'
IPL 2025ને નવો ચેમ્પિયન મળશે
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રમાયેલી IPL 2025ની ક્વોલિફાયર 2માં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. પહેલા બેટિંગ કરતાં, મુંબઈની ટીમે 20 ઓવરમાં 203/6 રન બનાવ્યા, જેના જવાબમાં પંજાબ કિંગ્સે 19 ઓવરમાં 207/5 રન બનાવીને જીત મેળવી. હવે ફાઇનલમાં, પંજાબ ત્રીજી જૂનના રોજ અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આ સાથે, એ પણ નક્કી થઈ ગયું છે કે આ સિઝનમાં IPLને એક નવો ચેમ્પિયન મળશે.


