મારાથી ભૂલ થઈ, પણ જાણીજોઇને આ વીડિયો...', IPL 2008 થપ્પડકાંડ મુદ્દે હરભજનસિંહે જુઓ શું કહ્યું
Harbhajan Singh: દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદી પર નિશાન સાધ્યું છે. હાલમાં જ લલિત મોદીએ આઈપીએલ 2008ના થપ્પડકાંડની ઘટનાનો વીડિયો જાહેર કર્યો હતો. આ એજ ઘટના હતી, જેમાં હરભજને શ્રીસંતને થપ્પડ મારી હતી. આ ઘટના મોહાલીના કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાયેલી મેચ પછી થઈ હતી. ત્યારે હરભજન મુંબઈ ઈન્ડિયંસ અને શ્રીસંત કિંગ્સ ઈલેવન પંજાબનો ભાગ હતો.
વર્ષો પછી જ્યારે આ જૂનો વીડિયો લલિત મોદીએ જાહેર કર્યો
એ સમયે આ વિવાદે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો અને હરભજન સિંહને આખી સીઝનથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. જો કે, ત્યારે આ ઘટનાને બ્રોડકાસ્ટના લાઈવ પ્રસારણમાં બતાવવામાં નહોતું આવ્યું. જ્યારે આ ઘટના બની ત્યારે જાહેરાતની બ્રેક ચાલી રહી હતી. જ્યારે બીજીવાર લાઈવ પ્રસારણ શરુ થયું તો શ્રીસંત રડતો જોવા મળી રહ્યો હતો. હવે આટલા વર્ષો પછી જ્યારે આ જૂનો વીડિયો લલિત મોદીએ જાહેર કર્યો છે, જેથી કરીને હરભજન સિંહ ગુસ્સે ભરાયો છે.
આ મામલે હરભજન સિંહે એક ઈન્ટરવ્યૂમાં વાત કરતાં કહ્યું, 'જે રીતે તે વીડિયો લીક થયો છે, તે સંપૂર્ણપણે અયોગ્ય છે. આવું ન થવું જોઈતું હતું. તેની પાછળ તેમનો (લલિત મોદી) કોઈ સ્વાર્થી હેતુ હોવો જોઈએ. 18 વર્ષ પહેલાં જે બન્યું છે, અને લોકો તેને ભૂલી ગયા હતા. હવે ફરી યાદ અપાવવામાં આવી રહ્યું છે.'
'જે કંઈ પણ બન્યું, તેનો મને પસ્તાવો છે'
હરભજન સિંહે સ્વીકાર્યું કે, એ તેમની ભૂલ હતી અને એ ઘટનાને લઈને તેઓ શરમ અનુભવે છે. તેમણે કહ્યું, 'જે કંઈ પણ બન્યું, તેનો મને પસ્તાવો છે. રમતગમતમાં આવી સ્થિતિઓ ઘણીવાર ઉદ્ભવતી હોય છે. માણસોથી ભૂલો થઈ જાય છે, મેં પણ કરી. મેં ઘણી વાર કહ્યું છે કે તે મારી ભૂલ હતી અને મને તેનો પસ્તાવો છે. મેં ભગવાન ગણેશને પ્રાર્થના કરી છે કે, જો હું ફરીથી કોઈ ભૂલ કરું તો મને માફ કરે.'
હરભજન સિંહ અને એસ. શ્રીસંત બંનેએ આ ઘટનાને હવે ભૂલી પણ ગયા છે. એ પછી બંને ભારતીય ટીમમાં સાથે રમ્યા હતા. તેમજ 2011 માં ODI વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો પણ બંને ભાગ હતા. નિવૃત્તિ પછી પણ બંનેએ મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખ્યો છે અને લેજેન્ડ્સ લીગમાં સાથે રમ્યા છે. શ્રીસંતની પત્ની ભુવનેશ્વરીએ પણ સમગ્ર મુદ્દા પર લલિત મોદીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, તેમણે માત્ર સસ્તી લોકપ્રિયતા માટે વીડિયો જાહેર કરીને ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.