જસપ્રીત બુમરાહ આધુનિક યુગનો મહાન બોલર...', વસીમ અકરમે પોતાની સાથે તુલના પર જુઓ શું કહ્યું?
Wasim Akram On Jasprit Bumrah: પાકિસ્તાનના મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમે ભારતના સ્ટાર પેસર બોલર જસપ્રીત બુમરાહની પ્રશંસા કરી છે. તેણે ભારતીય બોલરને મોર્ડન ડે ગ્રેટ ગણાવતા તેના વર્કલોડને સફળતાથી મેનેજ કરવા માટે અને ભારતીય ટીમ મેનેજમેન્ટની પણ પ્રશંસા પણ કરી. હંસના મના હૈ શો પર અકરમે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે બુમરાહ એક વર્લ્ડ-ક્લાસ બોલર છે.
પોતાના સમયના શ્રેષ્ઠ બોલરોમાં સામેલ રહેલા આ પાકિસ્તાની દિગ્ગજે બુમરાહ વિશે કહ્યું કે, 'તેની એક્શન ખૂબ જ અલગ હટકે છે. તેની પાસે ગતિ છે અને ભારત જે રીતે તેને મેનેજ કરી રહ્યું છે તે અવિશ્વસનીય છે. તેનો સંપૂર્ણ શ્રેય મેનેજમેન્ટ અને તેના માઈન્ડસેટને જાય છે.'
જસપ્રીત બુમરાહ આધુનિક યુગનો મહાન બોલર
વસીમ અકરમને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું બુમરાહ ઓલ-ટાઈમ ગ્રેટ છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે, 'કોઈએ અલગ અલગ યુગની તુલના ન કરવી જોઈએ. તે જમણા હાથનો ફાસ્ટ બોલર છે, હું ડાબા હાથનો બોલર હતો. મેં સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જોઈ છે પણ ન તો તે તેની પરવા કરે છે અને ન તો હું તેની પરવા કરું છું. તે આધુનિક યુગનો મહાન બોલર છે. મેં મારા સમયમાં મારું યોગદાન આપ્યું, પરંતુ તે ખૂબ જ પ્રભાવશાળી છે.'
જસપ્રીત પાસે વિકેટ લેવાની વધુ તક છે
હાલના સમયમાં ક્રિકેટમાં થયેલા પરિવર્તનનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે, બોલરો પાસે વિકેટ મેળવવાની વધુ તકો છે, કારણ કે, બેટ્સમેન હંમેશા શોટ રમવા માગે છે. તેણે કહ્યું કે, '90ના દાયકામાં T20 નહોતું. વનડેમાં બેટ્સમેન ઘણીવાર ખરાબ બોલ છોડી દેતા હતા પરંતુ હવે તો ટેસ્ટમાં ખરાબ બોલ પર પણ શોટ રમવામાં આવી રહ્યા છે. આજકાલ બોલરો પર ઘણું દબાણ હોય છે. જસપ્રીત પાસે વિકેટ લેવાની વધુ તકો છે કારણ કે, બેટ્સમેનની નજર હંમેશા શોટ પર રહે છે. બોલર તરીકે અમે તે આક્રમકતાનો આનંદ માણીએ છીએ.'
ટેસ્ટ ક્રિકેટને કેટલીક ટીમો માટે 5 દિવસના બદલે 4 દિવસ કરવાના એટલે કે, 2-ટિયર સિસ્ટમના પ્રસ્તાવ પર તેણે પોતાની અસંમતિ વ્યક્ત કરી. તેણે કહ્યું કે, 'જો પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ એકબીજા સાથે રમશે તો તેનામાં સુધારો કેવી રીતે થશે? હું ટૂ-ટિયર સિસ્ટમથી સહમત નથી. ટેસ્ટ ક્રિકેટ માટે ગુણવત્તાયુક્ત ટીમોની જરૂર હોય છે. એસોસિયેટ ટીમોને પોતાના ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કર્યા વિના ટેસ્ટ રમવાની મંજૂરી આપવાનો કોઈ અર્થ નથી.'