રોહિત શર્માએ પાસ કર્યો BCCIનો નવો બ્રોન્કો ટેસ્ટ, બુમરાહ-સિરાજ સહિત 7 ખેલાડી સફળ; જાણો શું છે પ્રક્રિયા
Rohit Sharma Clears Bronco Test: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ હવે નવા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે યો-યો ટેસ્ટની સાથે બ્રોન્કો ટેસ્ટને પણ ફરજિયાત કર્યું છે. બ્રોન્કો ટેસ્ટ રગ્બીથી લવાયુ છે. ભારતીય ક્રિકેટ ટીમના વન-ડે કેપ્ટન રોહિત શર્માએ પણ BCCIના સેન્ટર ઑફ એકસીલેંસમાં આયોજિત કેમ્પ દરમિયાન બ્રોન્કો ટેસ્ટ અને યો-યો ટેસ્ટ પાસ કર્યો છે. રોહિત સિવાય જસપ્રીત બુમરાહ, શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યશસ્વી જાયસ્વાલ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ બ્રોન્કો ટેસ્ટ અને યો-યો ટેસ્ટને પાસ કર્યો છે. બ્રોન્કો ટેસ્ટ તીવ્રતા અને એથલીટની સહનશક્તિ, સ્ટેમિના અને રિકવરીને પડકાર આપવાની ક્ષમતા માટે જાણીતું છે. ક્રિકેટ જગતમાં બ્રોન્કો ટેસ્ટ ભલે નવો હોય, પરંતુ તેનો ઉપયોગ લાંબા સમયથી રગ્બીમાં ફિટનેસ સ્ટાન્ડર્ડ તરીકે કરવામાં આવે છે.
શું હોય છે બ્રોન્કો ટેસ્ટ?
આજના સમયે ક્રિકેટ ખેલાડીઓને ખૂબ વ્યસ્ત રાખે છે, જેની માટે ક્રિકેટર્સને શ્રેષ્ઠ ફિટનેસની જરૂર છે. જેને ધ્યાનમાં રાખીને બ્રોન્કો ટેસ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તે ખેલાડીની કાર્ડિયોવેસ્ક્યુલર ક્ષમતા અને માનસિક ક્ષમતાની કઠિન પરીક્ષા લે છે, જે આધુનિક ક્રિકેટની શારીરિક માંગને પ્રતિબિંબિત કરે છે.
કેવું છે બ્રોન્કો ટેસ્ટનું સેટઅપ?
બ્રોન્કો ટેસ્ટનું સેટઅપ જેટલું સરળ છે, એટલું જ તે શારીરિક રીતે પડકારજનક છે. આ ટેસ્ટમાં ચાર કોન 0 મીટર, 20 મીટર, 40 મીટર અને 60 મીટરના અંતરે મૂકવામાં આવે છે. દરેક સેટમાં 20 મીટરના નિશાન સુધી દોડવું અને પાછા ફરવું, પછી 40 મીટરના નિશાન સુધી દોડવું અને પાછા ફરવું, અને અંતમાં 60 મીટરના નિશાન સુધી દોડવું અને પાછા ફરવું શામેલ છે. આ શટલ પેટર્નમાં દરેક સેટમાં કુલ 240 મીટરની દોડ થાય છે. ખેલાડીઓને તેના પાંચ સેટ પૂર્ણ કરવા પડે છે. આ રીતે દોડ કુલ 1,200 મીટરની થાય છે. આમાં કોઈપણ પ્રકારનો રેસ્ટ ઇન્ટરવલ ઉપલબ્ધ નથી.