ગૌતમ ગંભીરની ટીમ પર સંકટ ! બે દેશો સામે હાર બાદ BCCI આક્રમક, જાણો કોની ખુરશી ખતરામાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Cricket Team Support Staff Changes 2026 : ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં ટૂંક સમયમાં જ મોટા ફેરફારો જોવા મળી શકે છે. ઇંગ્લેન્ડ પ્રવાસની સમાપ્તિ સાથે જ મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સપોર્ટ સ્ટાફનો 2 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સહાયક કોચ રયાન ટેન ડોશેટ, બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને ફિલ્ડિંગ કોચ ટી. દિલીપના ભવિષ્યને લઈને ચર્ચાઓ શરૂ કરી દીધી છે.અહેવાલ મુજબ, બોર્ડ બોલિંગ કોચ મોર્કેલ અને સહાયક કોચ ડોશેટની કામગીરીથી સંતુષ્ટ છે અને તેમને ટીમ સાથે યથાવત રાખવા માંગે છે.
મોર્કેલ અને ડોશેટની ખુરશી સલામત, દિલીપ પર સંકટ
છેલ્લા 2 વર્ષમાં મોર્ને મોર્કેલની દેખરેખ હેઠળ ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણે શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યારે રયાન ટેન ડોશેટે ટીમની રણનીતિ અને ખેલાડીઓના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. જોકે, બીજી તરફ ફિલ્ડિંગ કોચ ટી. દિલીપની ખુરશી જોખમમાં હોવાનું મનાય છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતીય ટીમનું ફિલ્ડિંગ સ્તર સતત કથળ્યું છે અને ઘણી મહત્વની મેચોમાં ખેલાડીઓએ સરળ કેચ છોડ્યા છે. આ નબળા પ્રદર્શનને કારણે બીસીસીઆઈ ફિલ્ડિંગ વિભાગમાં બદલાવ કરવાના મૂડમાં છે અને ટી. દિલીપને ફરીથી એક્સટેન્શન મળવાની શક્યતા નહિવત છે.
'બેસ્ટ ફિલ્ડર મેડલ' શરૂ કરનાર કોચની થશે વિદાય?
ટી. દિલીપ પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન ટીમ ઇન્ડિયા સાથે જોડાયા હતા. તેમણે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે પ્રખ્યાત 'બેસ્ટ ફિલ્ડર મેડલ' આપવાની પરંપરા શરૂ કરી હતી. જેને ક્રિકેટ ફેન્સ અને ખેલાડીઓ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. દ્રવિડની વિદાય બાદ પણ ગૌતમ ગંભીરના સપોર્ટ સ્ટાફમાં તેમને જાળવી રખાયા હતા અને વર્ષ 2025માં તેમનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો હતો. પરંતુ હવે બોર્ડ ફિલ્ડિંગમાં સુધારા માટે કોઈ નવા અનુભવી ચહેરાને આ જવાબદારી સોંપી શકે છે.
આગામી મોટા પ્રવાસ અને વનડે વર્લ્ડ કપ પર નજર
બીસીસીઆઈ ટૂંક સમયમાં જ સપોર્ટ સ્ટાફ અંગે આખરી નિર્ણય જાહેર કરશે, કારણ કે આ વર્ષે જ ભારતનો ન્યૂઝીલેન્ડનો મહત્વપૂર્ણ પ્રવાસ યોજાવાનો છે. આ સિવાય, આગામી વર્ષે સાઉથ આફ્રિકાની ધરતી પર વનડે વર્લ્ડ કપ રમાવાનો છે. બોર્ડ ઈચ્છે છે કે આટલી મોટી ટૂર્નામેન્ટ્સ શરૂ થાય તે પહેલાં જ કોચિંગ સ્ટાફને લઈને તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જાય જેથી ટીમ મેનેજમેન્ટ કોઈ પણ અવરોધ વિના લાંબાગાળાનું આયોજન કરી શકે.









