For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતનો ફ્રાન્સ સામે ૪-૫થી પરાજય

- ભારતે આખરી પળોમાં બે ગોલ ફટકાર્યા છતાં મેચ ગુમાવી

- ગુરુવારે સાંજે ૭.૩૦થી કેનેડા સામે મેચ

Updated: Nov 24th, 2021

Article Content Imageઓડિશા,તા.૨૪

ઓડિશામાં શરૃ થયેલા જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને પ્રથમ ગૂ્રપ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. ભારતનો ફ્રાન્સ સામે ૪-૫થી પરાજય થયો હતો. વર્લ્ડ રેન્કિંગમાં છેક ૨૬મું સ્થાન ધરાવતા ફ્રાન્સે એક તબક્કે ૫-૨થી સરસાઈ મેળવી લીધી હતી. ભારતીય ખેલાડીઓએ આખરી મિનિટોમાં બે ગોલ ફટકાર્યા હતા. જોકે આખરે ટીમને એક ગોલના અંતરથી હારનો સામનો કરવો પડયો હતો.

ભારત છેલ્લે ૨૦૧૬માં રમાયેલા જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતુ. જ્યારે ફ્રાન્સની ટીમ તે વર્લ્ડ કપમાં ક્વોલિફાય પણ થઈ શકી નહતી. ભારતનો વર્ષ ૨૦૧૩ પછી ફ્રાન્સ સામેની આ ત્રીજી મેચમાં પહેલો પરાજય હતો.

ફ્રાન્સના ટીમોથ ક્લેમેન્ટે મેચની પહેલી જ મિનિટે ગોલ ફટકારતાં ભારત બેકફૂટ પર આવી ગયું હતુ. જે પછી બેન્જામિન માર્કેએ સાતમી મિનિટે બીજો ગોલ ફટકારતાં ભારત ૦-૨થી પાછળ પડયું હતુ. ઉત્તર સિંઘે ૧૦મી મિનિટે ભારત તરફથી ખાતું ખોલાવતા ગોલ ફટકાર્યો હતો. જે પછી સંજયે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવતા મેચને ૨-૨થી બરોબરી પર લાવી દીધી હતી.

આ પછી ક્લેમેન્ટે ૨૩મી અને ૩૨મી મિનિટે ગોલ ફટકારતાં ગોલ હેટ્રિક પુરી કરી હતી અને ફ્રાન્સને ૪-૨થી સરસાઈ અપાવી હતી. સેલેરે વધુ એક ગોલ ફટકારતા ટીમને ૫-૨થી લીડ અપાવી હતી. ડ્રેગ ફ્લિકર સંજયે આખરી મિનિટોમાં ઉપરાઉપરી બે ગોલ કર્યા હતા, પણ ભારતનો એક ગોલના અંતરથી પરાજય થયો હતો. સંજયે પણ ગોલ હેટ્રિક પૂર્ણ કરી હતી. હવે આવતીકાલે ભારત બીજી ગૂ્રપ મેચમાં કેનેડા સામે સાંજે ૭.૩૦થી રમશે. આ મેચમાં ભારતે મોટા માર્જીનથી જીતવું પડશે.

Gujarat