દિલ્હી કેપિટલ્સના ઝડપી બોલરને ફટકારાયો દંડ, ટીમ પણ IPL ક્વૉલિફાયરની રેસમાંથી બહાર
IPL 2025: દિલ્હી કેપિટલ્સ IPL 2025માં શરૂઆત તો શાનદાર કરી પરંતુ બાદમાં ટીમનું પ્રદર્શન ફ્લોપ રહ્યું અને તેનું પ્લે ઓફનું સપનું ચકનાચૂર થઈ ગયું. બુધવારે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 59 રનથી હાર બાદ ટીમ પ્લે ઓફમાંથી બહાર ફેંકાઈ ગઈ. આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સના એક મુખ્ય બોલરને આચારસંહિતાના ઉલ્લંઘન બદલ મેચ ફીના 10 ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટની સજા મળી છે. મુકેશ કુમારને આચારસંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ-1 ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે.
IPLનું નિવેદન
IPL દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'મુકેશ કુમારે કલમ 2.2 હેઠળ લેવલ 1 નો ગુનો (મેચ દરમિયાન ક્રિકેટ સાધનો, કપડાં, ગ્રાઉન્ડ સાધનો અથવા ફિટિંગનો દુરુપયોગ) સ્વીકારી લીધો છે. તેણે મેચ રેફરી દ્વારા આપવામાં આવેલી સજા સ્વીકારી લીધી છે.' આચારસંહિતાના લેવલ 1ના ઉલ્લંઘનના મામલે મેચ રેફરીનો નિર્ણય જ અંતિમ હોય છે.
મુકેશ કુમારે 4 ઓવરમાં 48 રન આપ્યા
આ પહેલા બુધવારે વાનખેડે મેદાનમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ અને નમન ધીરે છેલ્લી બે ઓવરમાં 48 રન બનાવ્યા. તેણે મુકેશ કુમાર અને ચમીરાનું બોલિંગ ફિગર ખરાબ કરી નાખ્યું. યાદવે 43 બોલમાં 73 રનની અણનમ ઈનિંગ રમી. બીજા છેડે નમન 8 બોલમાં 24 રન બનાવીને નોટ આઉટ રહ્યો. મુકેશ કુમારે 4 ઓવરમાં 48 રન આપ્યા જ્યારે દુષ્મંતા ચમીરાએ 4 ઓવરમાં 54 રન ખર્ચ કર્યા.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડ જશે વૈભવ સૂર્યવંશી, U-19 ભારતીય ટીમની જાહેરાત, આયુષ મ્હાત્રે કેપ્ટન