Get The App

MI vs DC : પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ સામે 59 રને જીત

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
MI vs DC


IPL 2025 MI vs DC : આઇપીએલ 2025ની 63મી મેચ આજે (21 મે) મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 59 રનથી હરાવ્યું છે. આ મેચમાં જીત સાથે જ MI પ્લેઓફમાં ક્વોલિફાઇ થઇ ગઇ છે અને દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની રેસથી બહાર થઇ ગઇ છે. મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી MIએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા. જે પછી ટાર્ગેટનો પીછો કરતી વખતે DC 121 રન જ બનાવી શકી હતી. 

મેચમાં મુંબઇનું પ્રદર્શન

પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત બહુ સારી નહોતી. ઓપનર રિયાન રિકલ્ટન 18 બોલમાં 25 રન જ્યારે રોહિત શર્મા 5 બોલમાં 5 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જો કે, પછી ચોથા ક્રમે આવીને સુર્યકુમાર યાદવે 43 બોલમાં અણનમ 73 રન બનાવીને સારી બેટિંગ કરી હતી. સુર્યકુમાર યાદવની ઇનિંગના સહારે જ મુંબઇ 180 રનના સન્માનજનક સ્કોર પર પહોંચી શકી હતી. સુર્યકુમાર સિવાય મુંબઇનો કોઇ પણ બેટર 30 રન પણ બનાવી શક્યો નહોતો. 

મુંબઇની બોલિંગની વાત કરીએ તો મિચેલ સાન્ટનરે 4 ઓવરમાં માત્ર 11 રન આપી 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય જસપ્રિત બુમરાહે 2 વિકેટ, જ્યારે વિલ જેક્સ, દિપક ચાહર અને ટ્રેન્ટ બોલ્ટે 1-1 વિકેટ ઝડપી હતી. આજની મેચમાં મુંબઇના બોલર્સની સામે દિલ્હીના બેટર્સ ફ્લોપ સાબિત થયા હતા. 

મેચમાં દિલ્હીનું પ્રદર્શન

દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન અક્ષર પટેલ બીમારીને કારણે આ મેચમાં રમી શક્યો નહોતો. તેની જગ્યાએ ફાફ ડુ પ્લેસિસે કેપ્ટનશીપ કરી હતી. મેચમાં દિલ્હીના બેટર્સ ફ્લોપ સાબિત થયા હતા. દિલ્હી તરફથી સમીર રિઝવીએ સૌથી વધુ 35 બોલમાં 39 રન બનાવ્યા હતા. તેમજ વિપરાજ નિગમે 11 બોલમાં 20 રન બનાવ્યા હતા. આ બે બેટર્સ સિવાય કોઇ પણ બેટર 20 રન પણ બનાવી શક્યો નહોતો. દિલ્હીની બોલિંગની વાત કરીએ તો, મુકેશ કુમારે 2 વિકેટ, જ્યારે કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન અને મુકેશ કુમારે 1-1 વિકેટ લીધી હતી.

ક્વોલિફાઇ થયેલી ટીમો વચ્ચે મુકાબલો

IPL 2025ની પ્લેઓફમાં ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ અગાઉથી જ ક્વોલિફાઇ થઇ ગયા છે. હવે દિલ્હી કેપિટલ્સને હરાવીને મુંબઇ ઇન્ડિયન્સે પ્લેઓફમાં ક્વોલિફાઇ થવા માટે બાકી રહેલા એક સ્થાન પર કબજો જમાવ્યો છે. હવે આ ચાર ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. પોઇન્ટ ટેબલ પર હાલ GT પહેલા ક્રમે છે, ત્યાર પછી RCB, PBKS અને MIની ટીમ અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા ક્રમે છે. 

Tags :