For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હી કેપિટલ્સ ફરી પોઈન્ટ ટેબલમાં ટોચ પર : હૈદરાબાદને ૮ વિકેટથી હરાવ્યું

- રબાડાની ત્રણ વિકેટ : ઐયરના ૪૭* અને ધવનના ૪૨ રન

- ૧૩૫ના ટાર્ગેટ સામે દિલ્હીના ૧૭.૫ ઓવરમાં બે વિકેટે ૧૩૯

Updated: Sep 22nd, 2021

 Article Content Imageદુબઈ, તા.૨૨

રબાડાની ત્રણ વિકેટ બાદ ઐયરના અણનમ ૪૭ તેમજ ધવનના ૪૨ની મદદથી દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ફરી નંબર વનનું સ્થાન હાંસલ કરી લીધું છે. જીતવા માટેના ૧૩૫ના ટાર્ગેટ સામે દિલ્હીએ ૧૭.૫ ઓવરમાં બે વિકેટે ૧૩૯ રન કરી મેચ જીતી લીધી હતી. હૈદરાબાદની ટીમ ૮મી મેચ રમી હતી અને સાતમી મેચમાં હારી હતી. જ્યારે દિલ્હીની ટીમનો નવમી મેચમાં આ સાતમો વિજય હતો. હવે તેમના ૧૪ પોઈન્ટ થઈ ગયા છે. બીજા ક્રમે ચેન્નાઈ ૮ મેચમાં છ જીત મેળવીને ૧૨ પોઈન્ટ સાથે છે.

જીતવા માટેના ૧૩૫ના ટાર્ગેટ સામે દિલ્હીએ પ્રભુત્વસભર બેટીંગ કરી હતી. ધવન અને ઐયર વચ્ચે ૪૮ બોલમાં ૫૨ રનની ભાગીદારી થઈ હતી. જે પછી ઐયર અને પંતની જોડીએ ૪૨ બોલમાં અણનમ ૬૭ રન જોડતાં ટીમને જીત અપાવી હતી.

 અગાઉ જમ્મુ કાશ્મીરના ક્રિકેટર અબ્દુલ સમદના ૨૮ અને રાશિદ ખાનના ૨૨ રનની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામેની આઇપીએલ ટી-૨૦માં નવ વિકેટે ૧૩૪ રન કર્યા હતા. પોઈન્ટ ટેબલમાં તળિયે રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે સફળતાની તલાશમાં આઇપીએલ-૧૪ના પાર્ટ-ટુમાં કેપ્ટન તરીકે વોર્નરને દૂર કરીને વિલિયમસનને સુકાન સોંપ્યું હતુ. આમ છતાં ટીમના બેટ્સમેનો પ્રભાવ પાડી શક્યા નહતા. રબાડાએ ત્રણ વિકેટ ઝડપી હતી.

હૈદરાબાદના કેપ્ટન વિલિયમસને ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. વોર્નર ખાતુ ખોલાવ્યા વિના જ ત્રીજા બોલ પર આઉટ થયો હતો. જે પછી સહા ૧૮ રને પેવેલિયનમાં પરત ફર્યો હતો. વિલિયમસન અને મનીષ પાંડેએ લડાયક બેટીંગ કરતાં ટીમના સ્કોરને ૬૦ સુધી પહોંચાડયો હતો.

અક્ષર પટેલે વિલિયમસનને અને રબાડાએ પાંડેને આઉટ કરતાં હૈદરાબાદને બેવડો ફટકો પહોંચાડયો હતો. સમદે ૨૧ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૨૮ રન કર્યા હતા. જયારે રાશિદે આક્રમક ઓલરાઉન્ડરની પ્રતિભા દેખાડતા ૧૯ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૨૨ રન કર્યા હતા.

Gujarat