IPL-2025ની ફાઈનલ અમદાવાદમાં રમાશે કે કોલકાતામાં? સસ્પેન્સ વચ્ચે સૌરવ ગાંગુલીએ કરી આ માંગ
Sports News : IPL-2025ની ફાઈનલ મેચ ક્યાં યોજાશે, તે અંગેનો સસ્પેન્સ હજુ યથાવત્ છે. દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પૂર્વ પ્રમુખ અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના પૂર્વ વડા સૌરવ ગાંગુલીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ફાઈનલ યોજવાની ભારપૂર્વક માંગ કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ તણાવ થતા આઈપીએલ-2025ની ટુર્નામેન્ટ અટકાવી દેવામાં આવી હતી, ત્યારબાદ સ્થિતિ સામાન્ય થતા 17 મેથી ફરી બાકીની મેચોના શેડ્યૂલ જાહેર કરાયા છે. આ દરમિયાન ફાઈનલી તારીખ પણ બદલીને ત્રણ જૂન કરવામાં આવી છે.
સૌરવ ગાંગુલીએ શું કહ્યું?
આઈપીએલ-2025ની ફાઈનલ ક્યાં યોજાશે, તે અંગે BCCIએ કોઈપણ પુષ્ટિ કરી નથી. આઈપીએલના શરૂઆતના આયોજન મુજબ ફાઈનલ મેચ ઈડન ગાર્ડનમાં રમાવાની હતી, જોકે ત્યારબાદ હવામાનના કારણે ત્રીજી જૂને અમદાવાદમાં ફાઈનલ રમાડવાની અટકળો ચાલી રહી છે. સૌરવ ગાંગુલીને આશા છે કે, ટાઇટલ મેચ ફક્ત ઈડન ગાર્ડન્સમાં જ યોજાશે. સીએબી અને બીસીસીઆઈ વચ્ચે મજબૂત સંબંધ છે, તેથી તેમણે આશા વ્યક્ત કરી છે કે, બધુ યોજના મુજબ થશે.
‘ઈડન ગાર્ડન્સને પ્લેઓફના હોસ્ટિંગ અધિકારો મળેલા છે’
ગાંગુલીએ એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ‘ફાઇનલનું સ્થળ આટલી સરળતાથી બદલી શકાતું નથી. ઈડન ગાર્ડન્સને પ્લેઓફના હોસ્ટિંગ અધિકારો મળ્યા છે અને મને વિશ્વાસ છે કે બધુ બરાબર થશે. આ વિષય માટે બીસીસીઆઈ સાથે વાતચીત ચાલી રહી છે.’ ઘણા સમર્થકોએ બીસીસીઆઈ દ્વારા સંભવીત ફાઈનલ મેચ ખસેડવાના નિર્ણય સામે સ્ટેડિયમની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ફાઇનલ કોલકાતામાં યોજવાની માંગ કરી હતી.
આ પણ વાંચો : કોહલીનો ‘વિરાટ’ રેકોર્ડ તોડવાની તૈયારીમાં K L રાહુલ, બસ 33 રનની જરૂર
ફાઈનલ મેચ અમદાવાદમાં કે કોલકાતામાં ? હવામાન ઉપર આધાર
હવામાન વિભાગની આગાહી મુજબ, ત્રીજી જૂને કોલકાતામાં વરસાદની 65 ટકા સંભાવના છે, તેથી બીસીસીઆઈ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખસેડવાનું વિચારી રહી છે. જોકે, સીએબીએ બીસીસીઆઈને હવામાન વિભાગનો રિપોર્ટ આપી કહ્યું છે કે, તે દિવસે હવામાન સારું રહેવાની અપેક્ષા છે. બીસીસીઆઈ હવે 25 મે સુધી રાહ જોશે અને તે પછી જ કોઈ અંતિમ નિર્ણય લેશે.
આ પણ વાંચો : કોહલી જેવો ખેલાડી ભારતીય ક્રિકેટમાં તેના યોગદાન બદલ ભારત રત્નનો હકદાર : સુરેશ રૈના