કોહલી જેવો ખેલાડી ભારતીય ક્રિકેટમાં તેના યોગદાન બદલ ભારત રત્નનો હકદાર : સુરેશ રૈના
Virat Kohli: વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ અનેક દિગ્ગજ ખેલાડીઓ અને ચાહકો દ્વારા અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુરેશ રૈનાએ મોટું નિવેદન આપી કોહલી માટે ભારત રત્નની માગ કરી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના ઈચ્છે છે કે, વિરાટ કોહલીને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે. ગઈકાલથી શરૂ થયેલી આઈપીએલ મેચમાં કોમેન્ટ્રી કરતી વખતે રૈનાએ પોતાની આ ઈચ્છા વ્યક્ત કરી હતી.
રૈનાએ કરી માગ
સુરેશ રૈનાએ કહ્યું કે, કોહલી જેવા ઉત્કૃષ્ટ ખેલાડીને ભારતીય ક્રિકેટમાં નોંધનીય યોગદાન બદલ સર્વોચ્ચ સન્માન મળવુ જોઈએ. વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટમાં ઉમદા યોગદાન બદલ ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવો જોઈએ.
બે ફોર્મેટમાંથી લીધો સંન્યાસ
વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીને થોડા સમય પહેલાં જ અલવિદા કહ્યું છે. છેલ્લા 12 મહિનામાં કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટના બે ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. અગાઉ 2024માં બાર્બાડોસમાં ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ કોહલીએ ટી20Iમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
એક જ ક્રિકેટર પાસે છે ભારત રત્ન
દેશના ઈતિહાસમાં અત્યારસુધઈ માત્ર એક જ ટેસ્ટ ક્રિકેટરને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. સચિન તેંદુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાના એક વર્ષ બાદ 2014માં સચિનને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી બિરદાવવામાં આવ્યો હતો. તેંદુલકર વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો બેટર છે.
કોહલીની એવોર્ડ હિસ્ટ્રી
વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીમાં અનેક એવોર્ડ હાંસલ કર્યા છે. 2013માં અર્જુન એવોર્ડ, 2017માં પદ્મશ્રી અને 2018માં ભારતનું સર્વોચ્ચ ખેલ સન્માન ખેલ રત્ન પુરસ્કાર મળ્યો છે. પરંતુ હવે સુરેશ રૈના ઈચ્છે છે કે, સરકાર કોહલીની દોઢ દાયકા સુધી ભારતીય ક્રિકેટ માટે આપેલી સેવાઓને બિરદાવતા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળે.