હું ફોન પર રડી પડ્યો હતો', ક્રિસ ગેલનો પંજાબ કિંગ્સ પર સનસનીખેજ આરોપ
Chris Gayle: IPLના ઈતિહાસમાં સૌથી વિસ્ફોટક બેટરોમાંથી એક ક્રિસ ગેલે એવો આરોપ કર્યો છે કે, જે ખરેખર ચોંકાવનારો છે. ક્રિસે કહ્યું કે, આઈપીએલમાં પંજાબ કિંગ્સ ટીમમાં તેની સાથે એવો વ્યવહાર કરવામાં આવ્યો, જેથી તેને ખૂબ દુખ થયું હતું. જે પછી પરિણામ એ આવ્યું કે, તેને IPL છોડવી પડી અને એક સમયે એવું લાગતું હતું કે તે ડિપ્રેશનમાં જઈ રહ્યો છે. ક્રિસ ગેલે એક ઇન્ટરવ્યુમાં સનસનાટીભર્યો આરોપ લગાવ્યો હતો કે, 'પંજાબ કિંગ્સે મારુ અપમાન કર્યું હતું અને મેં એ સમયે ટીમના કોચ અનિલ કુંબલેને ફોન કરીને મારી માનસિક હાલત વિશે ચર્ચા કરી હતી. ત્યારે કુંબલે સાથે વાત કરતી વખતે હું રડી પડ્યો હતો.'
આ પણ વાંચો: 'મહેનત કરતા રહો, ભલે કોઈ...', એશિયા કપની ટીમમાં સ્થાન ન મળતાં અય્યરનું દર્દ છલકાયું
ક્રિસ ગેલનો પંજાબ કિંગ્સ પર સનસનીખેજ આરોપ
પ્રીતિ ઝિંટાની ટીમ પંજાબ કિંગ્સ સાથે ક્રિસ ગેલ વર્ષ 2018થી જોડાયેલો હતો. ગેલને પંજાબ કિંગ્સએ 2 કરોડમાં ખરીદ્યો હતો. આ ખેલાડી વર્ષ 2021 સુધી આ ટીમમાં રહ્યો પરંતુ બાયો બબલને કારણે તેણે IPL 2021 અધવચ્ચે જ છોડી દીધી. હવે ગેલે જણાવ્યું છે કે, હકીકતમાં તેની સાથે પંજાબ કિંગ્સ ટીમમાં ખૂબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યું હતું, જેનું આજ દિવસ સુધી તેને દુખ છે.
ગેલે કહ્યું કે, 'પંજાબ સાથે મારો આઈપીએલ સીઝન પહેલા જ મારા સંબંધો પૂરા થઈ ગયા હતા. ઈમાનદારીથી કહું તો પંજાબ કિંગ્સમાં મારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો હતો. મને લાગે છે કે એક સિનિયર ખેલાડી તરીકે મારી સાથે યોગ્ય વર્તન કરવામાં નથી આવ્યું. તેઓએ મારી સાથે બાળક જેવો વ્યવહાર કર્યો હતો. મારા જીવનમાં પહેલી વાર મને લાગ્યું કે, હું ડિપ્રેશનમાં આગળ વધી રહ્યો છું.'
'હું અનિલ કુંભલે સાથે વાત કરતાં કરતાં રડી પડ્યો હતો'
ગેલે આગળ વાત કરી કે, 'તમારી માનસિક સ્થિતિ પૈસાથી વધુ મહત્ત્વપૂર્ણ છે. મેં અનિલ કુંભલેને ફોન પર કહ્યું કે, હું ટીમ છોડી રહ્યો છું. આગળ વર્લ્ડ કપ હતો અને હું બાયો બબલમાં હતો, જે મને માનસિક રીતે તોડી રહ્યો હતો.' મુંબઈ સામે છેલ્લી મેચ રમ્યા પછી મેં વિચાર્યું કે હવે વધુ સમય ટીમમાં રહીને હું મારી જાતને વધુ નુકસાન ન પહોંચાડુ. હું અનિલ કુંભલે સાથે વાત કરતાં કરતાં રડી પડ્યો હતો. મેં અનિલ કુંભલે અને જે રીતે ટીમ ચાલી રહી હતી તેનાથી હું ખૂબ જ નિરાશ હતો. કેપ્ટન કેએલ રાહુલે મને ફોન પર કહ્યું હતું કે, તમે આગળની મેચ રમશો, પરંતુ કહ્યું ઓલ ધ બેસ્ટ, મેં મારી બેગ પેક કરી લીધી છે અને હું ત્યાંથી નીકળી ગયો છું.