BCCIનો નવો નિયમ, કોચ ગંભીર અને મેનેજમેન્ટનો પણ એકમત, ખેલાડીઓનું વધશે ટેન્શન
BCCI New Rule : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પૂર્ણ થયા બાદ નવો નિયમ લાગુ કરી શકે છે. ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ ભારત સતત બે ટેસ્ટ શ્રેણી હાર્યું હતી. જ્યારે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી ડ્રો થઈ છે, તેથી હવે ગંભીરનું ટીમ મેનેજમેન્ટમાં કદ વધવાનું લગભગ નિશ્ચિત છે. ગૌતમ ગંભીર જ્યારથી કોચ બન્યા છે, ત્યારેથી તેઓ ટીમમાં સ્ટાર કલ્ચરનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે એવા અહેવાલ સામે આવ્યા છે કે, બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે નવો નિયમ લાવી શકે છે.
જાણો, શું છે નવો નિયમ?
સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ બીસીસીઆઈ હવે ખેલાડીઓ પોતાની ઈચ્છા મુજબ મેચ પસંદ ન કરી શકે, તેવો નિયમ લાવી શકે છે અને આ મામલે પસંદગી સમિતિ, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટના અન્ય અધિકારીઓ પણ એકમત થયા છે. ઘણી વખત ખેલાડીઓ વર્કલોડનું કહી શ્રેણીમાં ન રમવાનો નિર્ણય લે છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, નવા નિયમ મુદ્દે ચર્ચા શરૂ કરી દેવાઈ છે અને ટૂંક સમયમાં ખેલાડીઓને સંદેશ મોકલવામાં આવશે.
આ પણ વાંચો : મોહમ્મદ સિરાજ હવે ટીમ ઈન્ડિયાથી બહાર થશે? ગૌતમ ગંભીરના આ નિર્ણય બાદ ચર્ચા શરૂ
નવો નિયમ ત્રણેય ફોર્મેટમાં લાગુ થવાની સંભાવના
રિપોર્ટ મુજબ આ નિયમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સામેલ ખેલાડીઓને લાગુ પડી શકે છે. ખેલાડીઓને કડક સંદેશો આપવામાં આવશે કે, હવે તેઓ મન મરજીથી મેચ પસંદ કરવાના કલ્ચરને સહન નહીં કરે. તેનો અર્થ એ છે કે, હવે વર્કલોડની વાત સંપૂર્ણ દૂર થઈ જશે, પરંતુ ભવિષ્યમાં ફેક્ટ્સ અને વર્તમાન સ્થિતિ મુજબ નિર્ણય લેવાશે. એ વાત સ્પષ્ટ છે કે, ઝડપી બોલરોને વર્કલોડ મેનેજમેન્ટ કરવાની જરૂર પડે છે, પરંતુ તેનો ફાયદો ઉઠાવવો સહન કરવામાં આવશે નહીં. આ પહેલા બોર્ડે ક્રિકેટરોના પરિવારના સભ્યો પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.