ઈંગ્લેન્ડમાં એન્ડરસન-તેંડુલકરનું અપમાન? ચાહકોની ફરિયાદ-ટ્રોફીને નામ અપાયું પણ સન્માન નહીં
Anderson-Tendulkar Trophy 2025: પહેલા જ્યારે ભારતની ટીમ જ્યારે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ રમતી હતી ત્યારે તે ટ્રોફીનું નામ 'પટૌડી ટ્રોફી' હતું. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં ટેસ્ટ સીરિઝ રમવા આવતી ત્યારે તે સીરિઝનું નામ એન્થોની ડી મેલો ટ્રોફી હતું, પણ હવે આ નામ બદલવામાં આવ્યું છે. તેની શરૂઆત હાલમાં જ રમાયેલી ભારત-ઇંગ્લેન્ડની 5 મેચની ટેસ્ટ સીરિઝ સાથે થઈ છે. પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર અને વિશ્વના સૌથી મહાન ટેસ્ટ પેસર જેમ્સ એન્ડરસનના નામે આ ટ્રોફી છે, તો સીરિઝ સમાપ્ત થયા પછી ટ્રોફી પ્રેઝન્ટેશન માટે મંચ પર તેઓ કેમ હાજર ન હતા?
એન્ડરસન-તેંડુલકરનું અપમાન
ગઈકાલે (સોમવારે) એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચ હતી. જેમાં ભારતે 6 રનથી જીત મેળવી હતી અને સીરિઝ 2-2ની બરાબરીએ સમાપ્ત થઈ હતી. જ્યારે ટ્રોફી પ્રેઝન્ટેશનમાં એન્ડરસન-તેંડુલકર બંને મહાન ક્રિકેટરો હાજર ન હોવાથી ક્રિકેટના ચાહકો નારાજ થયા હતા. અમુક ચાહકોએ કહ્યું હતું કે, સીરિઝની ટ્રોફીનું નામ એન્ડરસન-તેંડુલકર રાખી તે બંનેનું અપમાન કર્યું છે. જો ઈંગ્લેન્ડની ટીમે જીત મેળવી હોત અને એન્ડરસન એકલા મંચ પર હાજર હોત તો કોઈ સવાલ ઉભો થતો નહોતો. પણ બંને મહાન ક્રિકેટરો સીરિઝના અનાવરણ સમયે હાજર હતા, તેમ બંનેએ સીરિઝની અંતમાં પણ સાથે હાજર હોવું જોઈતું હતું.
આ પણ વાંચો : બ્રેકઅપ પછી દુ:ખ થાય છે', ઓવલમાં જીત બાદ કેમ ભાવુક થયો મોહમ્મદ સિરાજ?
ECBએ BCCI સાથે મળીને આ ટ્રોફીનું નામ બદલી દીધું અને પટૌડી પરિવારની લાગણીને ધ્યાનમાં રાખીને વિજેતા ટીમના કેપ્ટનને પટૌડી ટ્રોફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ જ્યારે સીરિઝ ડ્રો થઈ ત્યારે ન તો સચિન તેંડુલકર, ન જેમ્સ એન્ડરસન અને ન તો પટૌડી પરિવારનો કોઈ વ્યક્તિ મંચ પર દેખાયો. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને ભારતીય કેપ્ટન શુભમન ગિલ એકલા ટ્રોફી સાથે નજરે પડ્યા, જ્યારે અન્ય સીરિઝમાં આવું જોવા નથી મળતું. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ જ્યારે ઑસ્ટ્રેલિયાએ સીરિઝ જીતી હતી ત્યારે એલન બોર્ડરને ટ્રોફી પ્રેઝન્ટ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. ભારતમાં સુનીલ ગાવસ્કરે પણ ટ્રોફી ભારતીય ટીમને સોંપી હતી.