શાર્દુલ ઠાકુર અચાનક બની ગયો કેપ્ટન, અજિંક્ય રહાણે અને પુજારાને કરાયા બહાર
Duleep Trophy 2026 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) દુલીપ ટ્રોફી-2025ની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે ટીમોના સુકાનીઓના પણ નામ જાહેર કરવામાં આવ્યા છે. આ વખતની ટ્રોફીમાં જૂના ફોર્મેટની જેમ છ ઝોનની ટીમો ભાગ લેશે. બીસીસીઆઈએ તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ શાર્દુલ ઠાકુરને ટીમનો નવો સુકાની બનાવાયો છે, જ્યારે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.
શ્રેયસ અને જયસ્વાલ શાર્દુલની કેપ્ટનશીપમાં રમશે
દુલીપ ટ્રોફી માટે વેસ્ટ ઝોન ટીમની જાહેર કરાઈ છે. આ વખતે ટીમની કમાન શાર્દુલ ઠાકુરને સોંપાઈ છે. શ્રેયસ ઐયર અને યશસ્વી જયસ્વાલ શાર્દુલની કેપ્ટનશીપ હેઠળ રમશે. આ ઉપરાંત સરફરાઝ ખાન, રુતુરાજ ગાયકવાડ અને તુષાર દેશપાંડેને પણ ટીમમાં સામેલ કરાયા છે. ખાસ વાત એ છે કે, આ ટીમ માટે સતત રમી રહેલા અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને સ્થાન અપાયું નથી. જેના પરથી લાગી રહ્યું છે કે, હવે બંને માટે દુલીપ ટ્રોફીના દરવાજા બંધ થઈ ગયા છે. જો આવનારા સમયમાં આ બંનેનો સમાવેશ થાય છે, તો તે અલગ વાત છે.
દુલીપ ટ્રોફી 2025નાં ઝોનલ ટીમોના કેપ્ટન
- વેસ્ટ ઝોન (પશ્ચિમ ઝોન) : શાર્દુલ ઠાકુર
- સાઉથ ઝોન (દક્ષિણ ઝોન) : તિલક વર્મા
- નોર્થ ઝોન (ઉત્તર ઝોન) : સત્તાવાર જાહેરાત બાકી
- ઈસ્ટ ઝોન (પૂર્વ ઝોન) : સત્તાવાર જાહેરાત બાકી
- સેન્ટ્રલ ઝોન (મધ્ય ઝોન) : સત્તાવાર જાહેરાત બાકી
- નોર્થ ઈસ્ટ ઝોન (ઉત્તર-પૂર્વ ઝોન) : સત્તાવાર જાહેરાત બાકી
બેંગલુરુમાં રમાશે તમામ મેચ
આ વખતે સાઉથ ઝોન અને વેસ્ટ ઝોનને સીધા જ સેમીફાઈનલમાં સ્થાન મળ્યું છે. અન્ય ઝોનની ટીમો ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલ દ્વારા આગળ વધશે. ટૂર્નામેન્ટની તમામ મેચો ટેસ્ટ ફોર્મેટ આધારે બેંગલુરુના BCCI સેન્ટર ઓફ એક્સેલન્સના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે.
આ પણ વાંચો : 'મેં વિરાટ કોહલીને બાથરૂમમાં રડતાં જોયો', 2019ની મેચ અંગે યુઝવેન્દ્ર ચહલનો ખુલાસો
મેચનો શેડ્યૂલ
- ક્વાર્ટર ફાઈનલ 1 : નોર્થ ઝોન વિરુદ્ધ ઈસ્ટ ઝોન - તા.28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ, 2025
- ક્વાર્ટર ફાઈનલ 2 : સેન્ટ્રલ ઝોન વિરુદ્ધ નોર્થ ઈસ્ટ ઝોન - તા.28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ, 2025
- સેમીફાઈનલ 1 : સાઉથ ઝોન વિરુદ્ધ ક્વાર્ટર ફાઈનલ-1ના વિજેતા - તા.4 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર, 2025
- સેમીફાઈનલ 2 : વેસ્ટ ઝોન વિરુદ્ધ ક્વાર્ટર ફાઈનલ 2 ના વિજેતા - તા.4 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર, 2025
- ફાઈનલ - તા.11 સપ્ટેમ્બર, 2025 થી 15 સપ્ટેમ્બર, 2025
સાઉથ ઝોનમાં તિલક વર્મા કેપ્ટન
આ પહેલા તિલક વર્માને દુલીપ ટ્રોફી 2025 માટે સાઉથ ઝોન (દક્ષિણ ઝોન)નો કેપ્ટન જાહેર કરાયો હતો. આ નિર્ણય BCCI દ્વારા સ્થાનિક ક્રિકેટમાં યુવા પ્રતિભાઓને નેતૃત્વની તક આપવાની વ્યૂહરચનાનો એક ભાગ છે. તિલક વર્માએ તાજેતરમાં ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં હેમ્પશાયર તરફથી રમતા શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે બે સદી સહિત કુલ 315 રન બનાવ્યા હતા. તેમના આ પ્રદર્શનને કારણે જ તેમને આ મોટી જવાબદારી મળી છે. ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ છે, જ્યારે ટીમમાં અન્ય ખેલાડીઓમાં સાઈ કિશોર, દેવદત્ત પડિકલ, એન. જગદીસન, વિજયકુમાર, રિકી ભુઈ, બેસિલ એનપીનું નામ સામેલ છે.
દક્ષિણ અને વેસ્ટ ઝોનની ટીમ
દક્ષિણ ઝોનની ટીમની વાત કરીએ તો તેમાં કેપ્ટન: તિલક વર્મા, ઉપ-કેપ્ટન (અને વિકેટકીપર): મોહમ્મદ અઝહરુદ્દીન, તન્મય અગ્રવાલ, દેવદત્ત પડિક્કલ, મોહિત કાલે, સલમાન નિઝાર, એન. જગદીસન (વિકેટકીપર), ટી. વિજય, રિકી ભુઈ, સ્નેહલ કૌથંકર, આર. સાઈ કિશોર, તનય ત્યાગરાજન, વિશાક વિજયકુમાર, એમડી નિધિશ, બેસિલ એનપી, ગુરજાપનીત સિંહનો સમાવેશ થાય છે.
વેસ્ટ ઝોનની ટીમમાં કેપ્ટન શાર્દુલ ઠાકુર, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, સરફરાજ ખાન, રુતુરાજ ગાયકવાડ, તુષાર દેશપાંડેનો સમાવેશ કરાયો છે.
આ પણ વાંચો : પહેલી ઇનિંગમાં 224 રનમાં જ ભારતીય ટીમ ઓલઆઉટ, કરૂણ નાયરની ફિફ્ટી