ગુજરાતમાં રમતાં જોવા મળશે વિરાટ-રોહિત, BCCIએ IND vs NZ વન-ડે સીરિઝની જાહેરાત કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India vs New Zealand: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. કિવી ટીમ વર્ષ 2026ની શરૂઆતમાં ત્રણ ODI અને 5 મેચની T20 સીરિઝ રમવા માટે ભારત આવશે. માર્ચ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી પછી બંને ટીમો વચ્ચે આ પહેલો મુકાબલો હશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, તેથી આ જોડી ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં જોવા મળશે.
પહેલી ODI મેચ વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે
ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ 11મી જાન્યુઆરીએ રમાનારી પહેલી ODI મેચ વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમથી શરૂ થશે, જ્યારે શ્રેણી 31મી જાન્યુઆરીએ રમાનારી છેલ્લી T20 મેચ સાથે સમાપ્ત થશે. આ સાથે ગુજરાતીઓને ફરી એકવાર વિરાટ અને રોહિતની જોડીને રમતા જોવાની તક મળશે. આગામી T20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને ભારત માટે આ શ્રેણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. ભારત અને શ્રીલંકા ફેબ્રુઆરી-માર્ચ 2026માં સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહ્યા છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ODI માટે વડોદરાને યજમાની મળી છે. 15 વર્ષથી વધુ સમયમાં આ પહેલી વાર બનશે કે આ મેદાન પર પુરુષોની ક્રિકેટ મેચ રમાશે. આ મેચ નવા બનેલા કોટંબી સ્ટેડિયમમાં યોજાશે, જ્યાં ડિસેમ્બર 2024માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મહિલા ODI મેચ રમાઈ હતી.

આ પણ વાંચો: ઈન્ટ્રા સ્કવૉડ વૉર્મ અપ મેચમાં સરફરાઝ ખાન છવાયો, ફટકારી શાનદાર સદી, બુમરાહને ન મળી વિકેટ
વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં વર્ષ 2010માં પુરુષોની ક્રિકેટની છેલ્લી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, આશ્ચર્યજનક વાત એ છે કે આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર તે મેચમાં પ્લેયર ઓફ ધ મેચ હતા, તેમણે ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી હતી. વડોદરા પછી રાજકોટમાં બીજી વનડે મેચ રમાશે, જે 14મી જાન્યુઆરીએ રમાશે. ત્યારબાદ, 18મી જાન્યુઆરીએ ઈન્દોરમાં વનડે સીરિઝનું સમાપન થશે.








