T20 World Cup 2026, India-Bangladesh Dispute : ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશે વિવાદ ઉભો કરી, સુરક્ષાના કારણો આપી બાંગ્લાદેશી ક્રિકેટ ટીમને ભારત મોકલવાનો ઈન્કાર કર્યો છે, જેના કારણે ICCએ તેમને ગંભીર ચેતવણી આપી વર્લ્ડકપમાં હકાલપટ્ટી કરવાની ચેતવણી આપી છે, ત્યારે હવે આ મામલે બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નજરૂલે ICCની ચેતવણીથી સુધરવાના બદલે ભારત પર નિશાન સાધ્યું છે.
બાંગ્લાદેશે ICC પર ભારતના દબાણનો આક્ષેપ કર્યો
નજરૂલે ICC પર ભારતે દબાણ કર્યું હોવાનો દાવો કર્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, જો આઈસીસી બીસીસીઆઈના દબાણમાં આવીને કોઈ નિર્ણય લેશે, તો બાંગ્લાદેશ તેને ક્યારેય સ્વીકારશે નહીં. મીડિયા રિપોર્ટ મુજબ, જો બાંગ્લાદેશ ભારતમાં રમવાનો ઈન્કાર કરશે તો તેની હકાલપટ્ટી કરી તેના સ્થાને સ્કોટલેન્ડને તક આપવામાં આવશે. ત્યારે આ મુદ્દે પણ નજરૂલે પ્રતિક્રિયા આપી છે.
...તો અમે કોઈપણ સંજોગોમાં સહન નહીં કરીએ : નજરૂલ
નજરૂલે સ્કોટલેન્ડ અંગે કહ્યું કે, ‘અમને હજુ સુધી એવી કોઈ સત્તાવાર માહિતી મળી નથી કે અમારી જગ્યાએ સ્કોટલેન્ડને સામેલ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જો આઈસીસી બીસીસીઆઈના દબાણમાં આવીને અમારા પર કોઈ અયોગ્ય શરતો લાદશે અથવા દબાણ બનાવશે, તો અમે તેને કોઈ પણ સંજોગોમાં સહન કરીશું નહીં. ICCએ નિષ્પક્ષ અને સ્વતંત્ર સંસ્થા તરીકે કામ કરવું જોઈએ, તેમણે એક ચોક્કસ બોર્ડના દબાણમાં આવીને કામ ન કરવું જોઈએ.’
‘...તો અમે ચુપ નહીં બેસીએ’
બાંગ્લાદેશની હકાલપટ્ટી કરી સ્કોટલેન્ડને તક આપવા મુદ્દે નજરૂલાએ એમ પણ કહ્યું કે, ‘બાંગ્લાદેશ ક્રિકેટે પોતાની મહેનતથી ટી20 વર્લ્ડકપમાં સ્થાન મેળવ્યું છે. તેથી કોઈ બહારના દબાણના કારણે અમને નજરઅંદાજ ન કરી શકાય. અમે મેદાનમાં પ્રદર્શનના આધારે ઓળખ બનાવી છે. જો કોઈ અમને પાછળ ધકેલવાનો પ્રયાસ કરશે, અમે ચુપ નહીં બેસીએ.’
‘જો ICC બાંગ્લાદેશના હિતો વિરુદ્ધ નિર્ણય લેશે તો...’
તેમણે વધુમાં કહ્યું કે, ‘બાંગ્લાદેશ સરકાર ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓ સાથે ઉભી છે. જો આઈસીસી બાંગ્લાદેશના હિતો વિરુદ્ધનો નિર્ણય લેશે તો અમે તેનો વિરોધ કરીશું.’ નજરૂલાનું આ નિવેદન બીસીસીઆઈ અને આઈસીસી વચ્ચે વધતા પ્રભાવને લઈને એક મોટી ચેતવણી માનવામાં આવી રહી છે. તેમને નિવેદનથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, બાંગ્લાદેશ હવે કોઈપણ દબાણ સહન કરવાના મૂડમાં નથી અને તે પોતાના ક્રિકેટ અધિકારને લઈને જાહેરમાં સામે આવવા તૈયાર છે.
ICCએ BCBને 21 જાન્યુઆરી સુધીનું આપ્યું હતું અલ્ટીમેટમ
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) સુરક્ષા કારણોનો હવાલો આપી ટી20 વર્લ્ડકપ માટે ભારતમાં રમવાનો ઈન્કાર કરીને, પોતાની મેચો શ્રીલંકા ખસેડવાની માંગ પર અડગ છે. ગત સપ્તાહે ઢાકામાં યોજાયેલી બેઠકમાં આઈસીસીએ બાંગ્લાદેશ બોર્ડને 21 જાન્યુઆરી સુધીમાં અંતિમ નિર્ણય લેવા કહ્યું હતું. આ દરમિયાન એવી સંભાવના પર ચર્ચા થઈ હતી કે, જો બાંગ્લાદેશ ન રમે તો કંઈ ટીમને તક આપવામાં આવે? આમાં સંભવિત નામ સ્કોટલેન્ડનું સામે આવ્યું છે. જોકે આ મામલે આઈસીસી દ્વારા કોઈપણ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.


