Fact Check: ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી વનડેમાં ભારતીય ટીમને મળેલી હાર બાદ એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મેચ જોવા આવેલા દર્શકોની ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનું નામ લઈને હૂટિંગ કરી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં વિરાટ કોહલી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં 'ગૌતમ ગંભીર, હાય હાય'ના નારા પર ગુસ્સામાં રિએક્શન આપતો નજર આવ્યો છે. આ વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર વાઈરલ થયો છે. જોકે, આ વીડિયો અસલી નથી પણ તેને એડિટ કરવામાં આવ્યો છે.
ઈન્દોર વનડે બાદ જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં કોહલી, ગંભીર, શ્રેયસ અય્યર, હર્ષિત રાણા અને કેએલ રાહુલ સહિત અન્ય ઘણા ખેલાડીઓ નજર આવી રહ્યા છે. આ વીડિયો વાસ્તવમાં ઈન્દોર સ્ટેડિયમનો છે, જે મેચ પછીના પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન એક દર્શકે રેકોર્ડ કર્યો હતો. આ સીરિઝની એ જ મેચ હતી જેમાં ભારત 41 રનથી હારી ગયું હતું અને પહેલી વાર ન્યૂઝીલેન્ડે ભારત સામે ઘરઆંગણે વનડે સીરિઝ જીતી હતી.
આ વીડિયોમાં જે ઓડિયો સંભળાઈ રહ્યો છે તે કોઈ બીજા એક વીડિયોનો છે. ગયા વર્ષે ભારત-દક્ષિણ આફ્રિકા સીરિઝની ગુવાહાટી ટેસ્ટ દરમિયાન ગંભીર વિરુદ્ધ આવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં ભારત હારી ગયું હતું. ભારતના બેટિંગ કોચ સિતાંશુ કોટક અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે તે દિવસે ગુસ્સે ભરાયેલા ચાહકોનો સામનો કર્યો હતો. જો તમે જૂનો વીડિયો જોશો, તો તમને એ જ ઓડિયો મળશે.
એ કહેવું મુશ્કેલ છે કે, ઈન્દોરમાં પણ કેટલાક ચાહકોએ ગંભીર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા કે નહીં, કારણ કે મેદાન પર હાજર અનેક મીડિયા સંસ્થાનો તરફથી આવી કોઈ પુષ્ટિ નથી થઈ. વાઈરલ વીડિયોને એડિટ કરીને આવું દેખાડવામાં આવ્યું છે. જોકે, ગુવાહાટીની ઘટનાની મીડિયા દ્વારા તાત્કાલિક પુષ્ટિ કરવામાં આવી હતી. ગંભીર પર વધુ એક ઘરેલું સીરિઝ દબાણ વધી રહ્યું છે. ચાહકો એ વાતથી નારાજ છે કે, પોતાની ફુલ સ્ટ્રેન્થ ટીમ લઈને અનુકૂળ પરિસ્થિતિઓમાં બી ગ્રેડ કીવી ટીમ સામે ભારત કેવી રીતે હારી ગયું.


