Get The App

ભારતીય ક્રિકેટ પર મેચ ફિક્સિંગનો કલંક લાગ્યો, 4 ખેલાડી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ, FIR દાખલ

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
ભારતીય ક્રિકેટ પર મેચ ફિક્સિંગનો કલંક લાગ્યો, 4 ખેલાડી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ, FIR દાખલ 1 - image

Assam Cricket Match-Fixing Case: ભારતીય સ્થાનિક ક્રિકેટમાં ફરી એકવાર મેચ ફિક્સિંગનું મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેના કારણે ક્રિકેટ જગતમાં શરમજનક સ્થિતિ સર્જાઈ છે. આસામ ક્રિકેટ એસોસિયેશન (ACA)એ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના આરોપસર ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે.

સસ્પેન્ડ કરાયેલા ખેલાડીઓ અને આરોપો

આસામ ક્રિકેટ એસોસિયેશનના સચિવ સનાતન દાસે મીડિયાને આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, 'ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓ, અમિત સિંહા, ઇશાન અહેમદ, અમન ત્રિપાઠી અને અભિષેક ઠાકુરી, ક્રિકેટમાં ભ્રષ્ટચારમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.'

આ મામલો 2025ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સાથે સંબંધિત છે. આ ચારેય ખેલાડીઓ પર આસામના કેટલાક ખેલાડીઓને મેચ ફિક્સ કરવા માટે પ્રભાવિત કરવાનો અને ઉશ્કેરવાનો આરોપ છે. જોકે, આ ચાર ખેલાડીઓ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે આસામ ટીમનો ભાગ નહોતા.

આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડે વેસ્ટઈન્ડીઝને હરાવતા ટીમ ઈન્ડિયાને થયું નુકસાન, હવે ઈંગ્લેન્ડે ટેન્શન વધાર્યું


BCCI અને ACAની કાર્યવાહી

આ ગંભીર આરોપો બાદ તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ભ્રષ્ટાચાર વિરોધી એકમે (ACU) આ મામલે તપાસ શરૂ કરી છે.  ACAના સેક્રેટરી સનાતન દાસે માહિતી આપી કે આ ચારેય ખેલાડીઓ સામે ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચમાં FIR દાખલ કરવામાં આવી છે. ACAના સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ મામલે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, 'આવી હરકત (ભ્રષ્ટાચાર) બિલકુલ સહન કરવામાં આવશે નહીં.'

ઉલ્લેખનીય છે કે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આસામની ટીમને એલીટ ગ્રુપ Aમાં સ્થાન મળ્યું હતું, જેમાં સ્ટાર ભારતીય ક્રિકેટર રિયાન પરાગ પણ સામેલ હતો. આસામની ટીમ સાત મેચમાંથી માત્ર ત્રણ જીત સાથે તેમના ગ્રુપમાં સાતમા સ્થાને રહી હતી.

Tags :