પાકિસ્તાને યુએઈને હરાવી સુપર-4માં કરી એન્ટ્રી, હવે 21મીએ ભારત સામે ટકરાશે
Asia Cup-2025 Pakistan vs UAE : દુબઈમાં આજે (17 સપ્ટેમ્બર) રમાયેલા એશિયા કપની 10મી મેચમાં પાકિસ્તાને યજમાન યુએઈને 41 રનથી હરાવી સુપર-4 માટે ક્વોલિફાય કરી લીધું છે. હવે સુપર-4માં 21 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આજની મેચમાં યુએઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને ફખર ઝમાનની અડધી સદીના કારણે યુએઈ સામે 147 રનનો ટાર્ગેટ મૂક્યો હતો, જેના જવાબમાં યુએઈની ટીમ 105 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
મેચ પહેલા પાકિસ્તાનનું નાટક
ઉલ્લેખનીય છે કે, આજની મેચ નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી શરૂ થઈ હતી, કારણ કે નાટકબાજ પાકિસ્તાની ટીમે સાંજે મેચ રમવાની ના પાડી દીધી હતી. જોકે, બાદમાં પાકિસ્તાની ટીમ મેચ રમવા માટે પહોંચી હતી. આ સાથે પાછીપાની કરનાર પાકિસ્તાન શરમજનક સ્થિતમાં મુકાયું હતું અને તેને મેચ રમવી પડી હતી. આ ગ્રુપમાંથી ભારત અને પાકિસ્તાને ક્વોલિફાય કર્યું છે, જ્યારે યુએઈ અને ઓમાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. હવે 21 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન મેચ રમાશે.
યુએઈની એશિયા કપની સફર સમાપ્ત
147 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી યુએઈની શરૂઆત સારી રહી હતી. વસીમ અને શરાફુએ કેટલાક સારા શોટ ફટકાર્યા હતા. પરંતુ ત્રીજી ઓવરમાં શરાફુની પ્રથમ વિકેટ પડી હતી. ત્યારબાદ કેપ્ટન વસીમ પણ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. જ્યારે જોહૈબે 4 રન, રાહુલ ચોપરાએ 35 રન, ધ્રુવ 20 રને આઉટ થઈ ગયો હતો. મહત્ત્વની વિકેટો પડ્યા બાદ યુએઈની ઈનિંગ્સ પડી ભાંગી હતી અને તેઓ આ મુકાબલો હારી ગયા હતા. આ હાર સાથે જ યુએઈની એશિયા કપની સફર સમાપ્ત થઈ ગઈ છે.
આ પણ વાંચો : ભારત અમેરિકા પાસેથી ખરીદશે 6 ‘P-8I એરક્રાફ્ટ’, દિલ્હીમાં બેઠક શરૂ, જાણો ખાસિયત
પાકિસ્તાનની ઈનિંગ્સ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં પાકિસ્તાનને ઝટકો લાગ્યો અને સેમ અયૂબ ખાતું ખોલાવ્યા વિના પેવેલીયન જતો રહ્યો હતો. ભારત સામે પણ અયૂબ ખાતું ખોલી શક્યો નહોતો. પછી ત્રીજી ઓવરમાં પાકિસ્તાનની બીજી વિકેટમાં ફરહાન આઉટ થયો. ત્યારબાદ ફખર ઝમાને અડધી સદી ફટકારી હતી, જોકે પાકિસ્તાનની રન બનાવવાની સ્થિતિ ધીમી જોવા મળી હતી. ત્યારબાદ છેલ્લી ઓવરો દરમિયાન શાહીન શાહ આફ્રિદીએ 14 બોલમાં 29 રન ફટકાર્યા, જેના કારણે પાકિસ્તાને 20 ઓવરમાં 146 રન બનાવ્યા હતા.
પાકિસ્તાનની ટીમ : સેમ અયૂબ, સાહિબઝાદા ફરહાન, મોહમ્મદ હારિસ, ફખર ઝમાન, સલમાન આગા (કેપ્ટન), ખુશદિલ શાહ, હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, હારિસ રઉફ, અબરાર અહેમદ.
યુનાઈટેડ આરબ અમીરાતની ટીમ : અલીશાન શરાફુ, મુહમ્મદ વસીમ (કેપ્ટન), આસિફ ખાન, મુહમ્મદ જોહૈબ, હર્ષિત કૌશિક, રાહુલ ચોપરા, ધ્રુવ પરાશર, હૈદર અલી, મુહમ્મદ રોહિદ ખાન, સિમરનજીત સિંહ, જુનૈદ સિદ્દીકી.
મેચ પહેલાં પાકિસ્તાનનો મોટો ડ્રામા
મેચ શરૂ થવાના એક કલાક પહેલા પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે, પાકિસ્તાન યુએઈ સામે મેચ નહીં રમે. ટીમ હોટેલમાંથી સ્ટેડિયમ માટે રવાના પણ થઈ ન હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) મેચ રેફરી એન્ડી પાઈક્રોફ્ટને હટાવવાની માંગની જીદ પકડીને બેસી ગયું હતું. ICCએ તેમની વાત ન સાંભળી અને બાદમાં પાકિસ્તાન મેચ રમવા માટે મજબૂર થયું હતું. આ મેચમાં એન્ડી પાઈક્રોફ્ટને જ રેફરી રાખવામાં આવ્યા હતા.