ઓમાનની ક્રિકેટ ટીમમાં ગુજરાતીઓનો દબદબો! એક ખેલાડી તો વર્ષો પહેલા હાર્દિક પંડ્યા સાથે રમતો
Indian Origin Players in Oman Cricket Team : સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ચાલી રહેલા એશિયા કપ-2025માં ભારત-ઓમાન વચ્ચે 19 સપ્ટેમ્બરે રમાયેલી મેચ ખૂબ ચર્ચામાં રહી છે. આમ તો ભારતે આ મેચ 21 રનથી જીતી સતત ત્રણ મેચમાં વિજય મેળવ્યો છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે, ઓમાનની ટીમે ભારત જેવી નંબર-1 ટીમને જોરદાર પડકાર આપ્યો હતો, જેના કારણે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે, ઓમાનની ટીમમાં ભારતીય મૂળના ઘણા ખેલાડીઓ છે, જેમાં ચાર ગુજરાતીઓનો સમાવેશ થાય છે.
ઓમાનની ટીમમાં નવસારીનો યુવા
ઓમાનની ટીમ તરફથી જીતેન રામાનંદીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેણે બે વિકેટ ઝડપી હતી. જીતેન મૂળરૂપે નવસારીના એક નાના ગામના વતની છે અને અગાઉ બરોડાની અંડર-19 અને રણજી ટીમમાં ઓલરાઉન્ડર ભૂમિકા નિભાવી ચૂક્યો છે. તેણે ભારત સામેની મેચમાં ચાર ઓવરમાં 33 રન આપીને બે વિકેટ લીધી હતી, જેમાં અભિષેક શર્મા અને તિલક વર્મા જેવા ખેલાડીઓને આઉટ કર્યા હતા. જીતેને પાછળથી બેટિંગમાં પણ પાંચ બોલમાં 12 રન બનાવ્યા હતા. તે આર્થિક કારણોસર 2019માં ઓમાન ગયો હતો અને ત્યાં ક્રિકેટ ટીમ સાથે જોડાયોલે છે.
જીતેનના કોચ પણ ગુજરાતી
જીતેનને ખાસ વાત એ છે કે, તે એક સમયે ગુજરાતના હાર્દિક પંડ્યા સાથે ક્રિકેટ રમતો હતો. એટલું નહીં તેમના કોચ પણ ગુજરાતી રાકેશ પટેલ હતા અને તેમણે જ જીતેનને ઓમાન જવા માટે પ્રેરણા આપી હતી. રાકેશ પોતે વડોદરા ટીમના બોલર રહી ચુક્યા છે. અગાઉ પૂર્વ ભારતીય ક્રિકેટર સંદીપ પાટિલ અને અંશુમાન ગાયકવાડ પણ ઓમાનની ક્રિકેટ ટીમના કોચ રહી ચુક્યા છે.
જૂનાગઢ, ખેડા, પોરબંદર, પાલનપુરનો ખેલાડી પણ ઓમાનની ટીમમાં
એશિયા કપમાં ઓમાનની ટીમમાં મૂળ નવસારીના જીતેન રામાનંદી અને મૂળ જૂનાગઢના આશિષ ઓડેદરા સામેલ છે. આ ઉપરાંત પોરબંદરના અજય વ્રજલાલ લાલચેતા, પાલનપુરના રાજેશ કુમાર રાણપરા, ખેડાના કશ્યપ પ્રજાપતિ અને પોરબંદરના જય વિરમભાઈ ઓડેદરા પણ ઓમાન માટે રમી ચુક્યા છે. અજય અને કશ્યપ સૌરાષ્ટ્રની અંડર-16 અને અંડર-19 ટીમોમાં પણ રમી ચૂક્યા છે. રિપોર્ટ મુજબ, ઓમાનની વિવિધ ક્રિકેટ ટીમોમાં ભારતના અનેક યુવાઓ અને ગુજરાતના 140થી વધુ યુવાઓ રમી રહ્યા છે.
ઓમાનની ટીમમાં ગુજરાતી મૂળના ખેલાડીઓ
- જીતેન રામાનંદી, નવસારી, ગુજરાત
- આશિષ રામભાઈ ઓડેદરા, જૂનાગઢ ગુજરાત
- અજય વ્રજલાલ લાલચેતા, પોરબંદર, ગુજરાત
- રાજેશ કુમાર રાણપરા, પાલનપુર, ગુજરાત
- કશ્યપ પ્રજાપતિ, ખેડા, ગુજરાત
- જય વિરમભાઈ ઓડેદરા, પોરબંદર, ગુજરાત
ઓમાનની ટીમમાં ભારતીય મૂળના ખેલાડીઓ
- જતિન્દર સિંહ, લુધિયાણા, પંજાબ
- વિનાયક શુક્લ, કાનપુર, ઉત્તર પ્રદેશ
- કરણ સોનાવલે, વિક્રોલી, મુંબઈ
- સમય શ્રીવાસ્તવ - ભોપાલ, મધ્ય પ્રદેશ
- પ્રતિક શ્રીકાંત આઠવાલે, નાસિક, મહારાષ્ટ્ર
- સંદીપ ગોડ, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ
- સુરજ કુમાર, જલંધર, પંજાબ
- વૈભવ શ્રીધર વાટેગાંવકર, મુંબઈ
- અયાન ખાન, ભોપાલ, મધ્ય પ્રદેશ
- મુજીબુર અલી, આસામ
- અરુણ પોલોસે માનવલન, અલુવા, એર્નાકુલમ, કેરળ
- મોહમ્મદ ઇબ્રાહિમ સનુથ, કોવડિયાર, ત્રિવેન્દ્રમ, કેરાલા
- બુક્કાપટ્ટનમ સિદ્ધાર્થ પ્રસાદ, જમશેદપુર, ઝારખંડ
- મુનિસ એસ. અંસારી, સિહોર, મધ્ય પ્રદેશ
- નેસ્ટર ધમ્બા, વિહાર, થાણે, મહારાષ્ટ્ર
ઓમાનની ટીમના કેપ્ટન પંજાબના
એટલું જ નહીં ઓમાનની ટીમના કેપ્ટન જતિંદર સિંહ મૂળ પંજાબના વતની છે અને તેઓ છેલ્લા એક દાયકાથી ઓમાન માટે રમી રહ્યા છે. આ ઉપરાંત ઓમાન ટીમના ખેલાડીઓ વિનાયક શુક્લા, સમય શ્રીવાસ્તવ, પ્રતિક શ્રીકાંત આઠવાલે અને કરણ સોનવલે પણ ભારતીય મૂળના છે.
આ પણ વાંચો : ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય
ઓમાનની પ્રાદેશિક ક્રિકેટ ટીમો 140 ગુજરાતી ખેલાડી
મીડિયા રિપોર્ટ મુજબ, ઓમાનમાં 80 પ્રાદેશિક ક્રિકેટ ટીમો છે, જેમાં ગુજરાતના વિવિધ શહેરોના લગભગ 140 ખેલાડીઓ રમી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ, પોરબંદર, આણંદ, સૂરત અને વડોદરાના યુવા ક્રિકેટરો ઓમાન માટે રમે છે. ઓમાનની નેશનલ ટીમમાંના અત્યાર સુધીમાં કુલ સાત કેપ્ટનમાંથી ચાર ગુજરાતી રહી ચુક્યા છે.
ઓમાન ક્રિકેટની સ્થાપનામાં ગુજરાતનો મોટો ફાળો
ઓમાનમાં ક્રિકેટની સ્થાપનામાં પણ ગુજરાતનો મોટો ફાળો રહ્યો છે. 1979માં ઓમાનના શાહી પરિવારની મદદથી ઓમાન ક્રિકેટની સ્થાપના થઈ, ત્યારે કચ્છના માંડવીના ઉદ્યોગપતિ કનકસી ખિમજીને તેના પ્રથમ અધ્યક્ષ બનાવાયા હતા. કચ્છના માંડવી શહેરમાં રહેતા કનકસી ગોકલદાસ ખિમજી 1970માં ઓમાન ગયા હતા અને ત્યાં ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. કનકસી ખિમજીને 'દુનિયાના પહેલા હિન્દુ શેખ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ ઓમાનના લોકો તેમને 'ઓમાન ક્રિકેટના ગોડફાધર' તરીકે યાદ કરે છે. તેમના પુત્ર પંકજ ખિમજી હાલમાં ઓમાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ છે.
આ પણ વાંચો : ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ સફળ થવાના સંકેત, પિયૂષ ગોયલ ટૂંક સમયમાં જશે અમેરિકા