ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ સફળ થવાના સંકેત, પિયૂષ ગોયલ ટૂંક સમયમાં જશે અમેરિકા
India-US Trade Deal : અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદને લઈને ટૂંક સમયમાં રાહત મળવાના સંકેત સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ ટૂંક સમયમાં અમેરિકાની મુલાકાતે જઈ શકે છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય વેપાર વાતચીત યોગ્ય દિશામાં આગળ વધતી હોવાના અહેવાલો વચ્ચે આ મુલાકાત થવાની શક્યતા છે.
અગાઉ બ્રેન્ડન લિંચ દિલ્હી આવ્યા હતા
16 સપ્ટેમ્બરે દિલ્હીમાં અમેરિકાના મુખ્ય વાટાઘાતકાર બ્રેન્ડન લિંચ અને ભારતીય વાણિજ્ય મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ વચ્ચે વેપાર મામલે સાત કલાક સુધી સકારાત્મક ચર્ચા થઈ હતી. ત્યારબાદ વાણિજ્ય મંત્રાલયે કહ્યું હતું કે, બંને પક્ષો વહેલી તકે અને પરસ્પર લાભદાયી ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે પ્રયાસોને ઝડપી બનાવી રહ્યા છે.
અમેરિકાએ ટેરિપ ઝિંકતા વાતચીત અટકી ગઈ હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે વેપાર મામલે ચર્ચા આગળ વધારવા માટે વાણિજ્ય મંત્રી ગોયલ ટૂંક સમયમાં અમેરિકા જઈ શકે છે. અગાઉ, ઓગસ્ટમાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ ઝિંકવામાં આવ્યા બાદ આ વેપાર વાતચીત અટકી ગઈ હતી. અત્યાર સુધી, આ કરારને લઈને બંને દેશો વચ્ચે પાંચ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે.
ટ્રેડ ડીલનો પ્રથમ તબક્કો નવેમ્બરમાં પૂરો થવાની ધારણા
11 સપ્ટેમ્બરે પિયૂષ ગોયલે આશા વ્યક્ત કરી હતી કે, ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલનો પ્રથમ તબક્કો નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીમાં જ મંત્રીઓને આ કરાર પર કામ કરવા અને નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો : 'તાલિબાન સાથે સમજૂતી કરી અફઘાનિસ્તાનનું 'બાગ-રામ' એરબેઝ ફરી હસ્તગત કરાશે' : ટ્રમ્પ