Get The App

ભારત સાથેના સંબંધોમાં નવી શરુઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
ભારત સાથેના સંબંધોમાં નવી શરુઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય 1 - image


India-Canada Relations : લગભગ 11 મહિના પહેલા કેનેડાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (NSA) નથાલી ડ્રોઈન અને ડેપ્યુટી વિદેશ મંત્રી ડેવિડ મોરિસને આક્ષેપ કર્યો હતો કે, કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓને ટાર્ગેટ કરવા પાછળ ભારતનો હાથ છે. હવે આ બંને અધિકારીઓએ ભારત આવી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તથા વિદેશ સચિવ વિક્રમ મિસ્રી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત વખતે બેઠકમાં બંને દેશોના સંબંધો અંગે મહત્ત્વની ચર્ચાઓ પણ થઈ છે અને આ સાથે વિદેશ મંત્રાલયે મહત્ત્વનું નિવેદન પણ જાહેર કર્યું છે.

બંને દેશો સંબંધો સુધારવા સંમત

ભારતીય વિદેશ મંત્રાલયે ભારત-કેનેડાના સંબંધો અંગે આજે (20 સપ્ટેમ્બર) મહત્ત્વનું નિવેદન જાહેર કર્યું છે. મંત્રાલયે કહ્યું છે કે, બંને દેશો સંબંધોની નવી શરુઆત કરવા માટે સંમત થયા છે, જેમાં ખાસ કરીને આતંકવાદ વિરોધી અને સુરક્ષા સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરાશે. 

ભારત સાથેના સંબંધોમાં નવી શરુઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય 2 - image

બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે યોજાઈ બેઠક

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બંને દેશોના સંબંધો અંગે માહિતી આપતાં કહ્યું કે, ‘ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (Ajit Doval) અને તેમના કેનેડિયન સમકક્ષ નથાલી ડ્રોઈન (Nathalie Drouin) વચ્ચે ગુરુવારે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ હતી, જેમાં વ્યાપક ચર્ચા કર્યા બાદ બંને દેશોના સંબંધોને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

G7 સંમેલનમાં બંને દેશોના PM વચ્ચે થઈ હતી મુલાકાત

થોડા દિવસ પહેલા જ G7 શિખર સંમલેનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narenda Modi) અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે મુલાકાત અને ચર્ચાઓ થઈ હતી. ત્યારબાદ ભારત-કેનેડાના સંબંધોને આગળ વધારવાનો નિર્ણય સામે આવ્યો છે.

આ પણ વાંચો : ભારત અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કરશે : ચીન અને યુરોપમાં ફફડાટ

નિજ્જરની હત્યા બાદ બંને દેશોના સંબંધોમાં ખટાશ

ઉલ્લેખનીય છે કે, 2023માં શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા થયા બાદ ભારત-કેનેડાના સંબંધો ખૂબ જ ખરાબ રીતે બગડ્યા હતા. વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ, બંને પક્ષોએ ભવિષ્યના સંબંધો માટે સહયોગાત્મક અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ઉચ્ચતમ રાજકીય નેતૃત્વના સ્તરે વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવા અને સહકાર વધારવા માટે સ્પષ્ટ ગતિ મળી છે."

પૂર્વ PM ટ્રુડોના કારણે બંને દેશોના બગડ્યા સંબંધ

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો. 18 જૂન, 2023ના રોજ, બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે ટ્રુડોના આરોપોને ફગાવી દીધા હતા. પરંતુ અહીંથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બગડવાની શરુઆત થઈ હતી. 

આ પણ વાંચો : ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ સફળ થવાના સંકેત, પિયૂષ ગોયલ ટૂંક સમયમાં જશે અમેરિકા

Tags :