પાકિસ્તાની ખેલાડીના ‘ગન સેલિબ્રેશન’ મામલે ICCમાં સુનાવણી, ફરહાને બચવા ધોની-કોહલીનું નામ આપ્યું
Asia Cup 2025 India-Pakistan Controversy : એશિયા કપ 2025માં ભારત સામેની સુપર-4 મેચ દરમિયાન 'ગન સેલિબ્રેશન' કરવા બદલ પાકિસ્તાની બેટ્સમેન સાહિબઝાદા ફરહાન સામે ICCમાં સુનાવણી કરાઈ. મીડિયા રિપોર્ટ મુજબ, સુનાવણી દરમિયાન ફરહાને બચવા માટે કહ્યું છે કે, મેચમાં તેણે કરેલો ઈશારો રાજકીય રીતે પ્રેરિત કે કોઈ રાજકીય સંદેશ આપવાનો નહોતો.
ફરહાને બચાવ માટે ધોની-કોહલીનું નામ આપ્યું
ફરહાને બચવા માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોની અને વિરાટ કોહલીના અગાઉના ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો. તેણે દલીલ કરી કે, આ બંને ખેલાડીઓએ પણ ઉજવણી દરમિયાન આ જ પ્રકારનો ‘ગન-જેસ્ચર’ ઉપયોગ કર્યો હતો. તેણે કહ્યું કે, એક પઠાણ તરીકે આ પ્રકારના ઈશારા તેની સંસ્કૃતિનો ભાગ છે અને તે સામાન્ય રીતે લગ્ન જેવા ખુશીના પ્રસંગોમાં જોવા મળે છે.
આ પણ વાંચો : ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો! ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત
ભારતે કરી હતી સત્તાવાર ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાનની મેચમાં ફરહરાને 34 બોલમાં અડધી સદી પૂરી કરી હતી, ત્યારે તેણે બેટને મશીન ગનની જેમ પકડીને સેલિબ્રેશન કર્યું હતું. જ્યારે હારિસ રાઉફે વિમાનને તોડી પાડવાનો ઈશારો કર્યો હતો અને ભારતીય ખેલાડીઓ અભિષેક શર્મા અને શુભમન ગિલને અપશબ્દો કહ્યા હતા. બંને પાક. ખેલાડીની આ કરતૂત બાદ ભારતે આઈસીસીમાં ફરિયાદ નોંધાવી હતી. આ વર્ષે જમ્મુ-કાશ્મીરના પુલવામાં આતંકી હુમલો થયો હતો, તેના સંદર્ભમાં ફરહાન અને રાઉફના કરતૂતને અત્યંત સંવેદનશીલ માનવામાં આવ્યો હતો.
રાઉફે વિમાન તોડી પાડવાનો ઈશારો કરતા ભારતે કરી ફરિયાદ
રાઉફે વિકેટ લીધા બાદ હાથથી 6-0નો ઈશારો કર્યો હતો અને ફાઈટર જેટને શૂટ ડાઉન કરવાની નકલ કરી હતી. તેના આ ઈશારાને ઉશ્કેરણીજનક અને રાજકીય પ્રેરિત હોવાનું મનાઈ રહ્યું હતું. આ મામલે ભારતે પાકિસ્તાની ખેલાડી રાઉફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે આરોપો નકારીને કહ્યું હતું કે, તેનો 6-0વાળો ઈશારો ભારત સાથે જોડાયેલો નથી. તેણે સવાલ કર્યો કે, 6-0નો અર્થ શું છે? તેને ભારત સાથે કેવી રીતે જોડી શકાય? ત્યારબાદ ICC અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે, તેઓ 6-0ના ઈશારાનો કોઈ નક્કર અર્થ નથી.
આ પણ વાંચો : પાકિસ્તાન એશિયા કપની ફાઈનલમાં પહોંચતા જ ઈન્ટરનેટ પર મીમ્સનું પૂર