પાકિસ્તાની ટીમે એક જ દિવસમાં તોડ્યા અનેક નિયમો, હવે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં ICC
Asia Cup 2025 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર એશિયા કપ દરમિયાન નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) તેમની સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. પીટીઆઈ સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ, પાકિસ્તાને પ્રતિબંધિત વિસ્તારોમાં વીડિયો રેકોર્ડિંગ અને સંવેદનશીલ વાતોને જાહેર કરીને આચાર સંહિતાનો ભંગ કર્યો છે. આ અંગે આઈસીસીના સીઈઓ સંજોગ ગુપ્તાએ પીસીબીને ઈમેલ મોકલીને આ ઉલ્લંઘનોની વિગતવાર જાણકારી આપી છે.
રેફરી વિવાદ મામલે પાકિસ્તાનનો દાવો ખોટો પડ્યો
આ ઘટના પાકિસ્તાન અને UAE વચ્ચે રમાયેલી મેચ પહેલા બની હતી. પાકિસ્તાન ટીમે એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેમના ખેલાડીઓ મેચ રેફરી એન્ડી પાઈક્રોફ્ટ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં પાકિસ્તાન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, પાઈક્રોફ્ટે રવિવારે થયેલા હેન્ડશેક વિવાદમાં ગેરસમજ માટે માફી માગી હતી. જોકે, આઈસીસીના સૂત્રોનું કહેવું છે કે પાઈક્રોફ્ટે માત્ર ગેરસમજ પર ખેદ વ્યક્ત કર્યો હતો, કોઈ ઔપચારિક માફી માગી નહોતી.
પાકિસ્તાની મીડિયા મેનેજરની ફજેતી
આઈસીસીના સૂત્રોના જણાવ્યા મુજબ, વારંવાર ચેતવણી આપવા છતાં પાકિસ્તાને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાનના મીડિયા મેનેજર નઈમ ગિલાની ટીમ મીટિંગમાં હાજર થવા આવ્યા હતા, જોકે તેમને એ એન્ટ્રી કરવા ન દીધી હતી, કારણ કે તેઓ PMOA (Players and Match Officials Area)માં મોબાઈલ ફોન લઈને પ્રવેશવા માંગતા હતા, જ્યાં સખત નિયમો લાગુ પડે છે. આઈસીસીના એન્ટી-કરપ્શન મેનેજરે તેમને અંદર જવાની મનાઈ ફરમાવી હતી.
PCBએ વીડિયો જાહેર કરી ICCનો નિયમ તોડ્યો
મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના બાદ પીસીબીએ દબાણ કરી ધમકી આપી હતી કે, મીડિયા મેનેજરને પ્રવેશ નહીં મળે તો ટીમ મેચમાંથી હટી જશે. ત્યારબાદ આઈસીસીએ એન્ટ્રી માટે અને ઓડિયો વિનાનો વીડિયો રેકોર્ડિંગ કરવાની મંજૂરી આપી હતી. આ PMOA નિયમોનું ગંભીર ઉલ્લંઘન હતું. પાકિસ્તાને પછીથી આ મીટિંગનો વીડિયો જાહેર કર્યો હતો, જે આઈસીસીના નિયમોની વિરુદ્ધ છે.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો અખાડો ન બનવા દેશો', UNમાં ફરી પાકિસ્તાન પર ભારતનો પ્રહાર
પાકિસ્તાની ટીમે અનેક નિયમો તોડ્યા
પીસીબીના બીજા મીડિયા મેનેજર વસીમને પણ PMOAમાં જવા ન દેવાયા હતા, જ્યાં શૂટિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આઈસીસી આ સમગ્ર ઘટનાને ગંભીર ઉલ્લંઘન માની રહ્યું છે અને તેને ગંભીર ઉલ્લંઘન માની કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. આ ઘટના ક્રિકેટ જગતમાં મોટો વિવાદ ઊભો કરી શકે છે. આઈસીસીની કાર્યવાહીથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર આર્થિક દંડ કે અન્ય પ્રતિબંધો લાગુ થઈ શકે છે.
પાકિસ્તાનની ફજેતી પર ફજેતી
આ પહેલા ભારત-પાકિસ્તાનની મેચ વખતે મેચ પૂરી થયા બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓને હાથ મિલાવ્યા નહોતા. આ ઘટનાને કારણે પીસીબી સત્તાવાર રીતે આઈસીસી અને મેરિલેબોન ક્રિકેટ ક્લબને ફરિયાદ કરી હતી. પીસીબીએ દાવો કર્યો હતો કે ભારતીય ખેલાડીઓનું આ વર્તન ખેલદિલી અને ક્રિકેટની ભાવનાની વિરુદ્ધ છે. પાકિસ્તાને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને તાત્કાલિક હટાવવાની પણ માંગ કરી હતી, કારણ કે પીસીબીના મતે મેચ રેફરીએ જ ભારતીય ખેલાડીઓને આમ કરવા માટે સલાહ આપી હતી. આ બાબતે આઈસીસી કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ મીડિયા અહેવાલો મુજબ, આઈસીસીએ મેચ રેફરીને હટાવવાની પાકિસ્તાનની માંગને ફગાવી દીધી છે. BCCIનું કહેવું છે કે મેચ બાદ હાથ મિલાવવાનો કોઈ સત્તાવાર નિયમ નથી, તે માત્ર એક પરંપરા છે. આથી આ બાબત માટે કોઈ સત્તાવાર દંડ કે કાર્યવાહી થઈ શકતી નથી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને શરમજનક હાર આપી હતી.
આ પણ વાંચો : ભારત પર ટેરિફમાં 25 ટકાનો ઘટાડો કરી શકે છે ટ્રમ્પ! ટોચના અધિકારીનું મોટું નિવેદન