BIG NEWS | ભારત પર ટેરિફમાં 25 ટકાનો ઘટાડો કરી શકે છે ટ્રમ્પ! ટોચના અધિકારીનું મોટું નિવેદન
US-India Tariff Controversy : અમેરિકા દ્વારા ભારત પર ઝિંકવામાં આવેલ 50 ટકા ટેરિફમાં મોટી રાહત મળી શકે છે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું હોવાના કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ ઝિંક્યો હતો, જે હવે દૂર થઈ શકે છે.
અમેરિકા વધારાના ટેરિફ દૂર કરવાની સાથે રેસિપ્રોકલ ટેરિફ પણ ઘટાડશે
મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંથા નાગેશ્વરને ગુરુવારે ટેરિફ ઘટવાની આશા વ્યક્ત કરી જણાવ્યું છે કે, અમેરિકા ટૂંક સમયમાં ભારતીય વસ્તુઓ પરથી વધારાનો ટેરિફ દૂર કરી શકે છે અને રેસિપ્રોકલ ટેરિફને પણ ઘટાડીને 10થી 15 ટકા કરી શકે છે. આ ઉપરાંત નાગેશ્વરને ભારત-અમેરિકા વચ્ચેની વેપાર ડીલ આગળ વધવાના સંકેતો પણ આપ્યા છે.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો અખાડો ન બનવા દેશો', UNમાં ફરી પાકિસ્તાન પર ભારતનો પ્રહાર
8-10 અઠવાડિયામાં ઉકેલની અપેક્ષા
કોલકાતામાં એક કાર્યક્રમમાં નાગેશ્વરને કહ્યું કે, ‘ટેરિફના મુદ્દાનો આગામી આઠથી 10 અઠવાડિયામાં ઉકેલ આવવાની અપેક્ષા છે. મને પૂરો વિશ્વાસ છે કે આગામી કેટલાક મહિનાઓમાં ઓછામાં ઓછા 25 ટકાના વધારાના ટેરિફનો ચોક્કસપણે ઉકેલ આવશે. બંને દેશો વચ્ચે વ્યાપાર કરારને લઈને ઝડપી વાતચીત થઈ રહી છે, જેનાથી પ્રગતિના સંકેત મળી રહ્યા છે. આ રાહત બાદ લગભગ 50 અબજ ડૉલરના ભારતીય નિકાસ પરનું દબાણ ઘટી શકે છે.
ટ્રમ્પે શા માટે 25% વધારાનો ટેરિફ લગાવ્યો હતો?
ઉલ્લેખનીય છે કે, અમેરિકા રાષ્ટ્રપ્રમુખે ભારત પર પહેલા 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ ઝિંક્યો હતો. ત્યારબાદ તેમને ભારત-રશિયા વચ્ચેના ક્રૂડ વેપારથી વાંધો પડ્યો હતો અને દંડ સ્વરૂપે વધુ 25 ટકા ટેરિફ લાદી દીધો હતો. ટ્રમ્પ (US President Donald Trump)નું કહેવું હતું કે, ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે અને રશિયા તે નાણાંનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં કરી રહ્યું છે. નાગેશ્વરને કહ્યું કે, અમેરિકા-ભારત અનેક મુદ્દાઓ ઉકેલવા માટે વાતચીત કરી રહ્યા છે.