Get The App

'અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો અખાડો ન બનવા દેશો', UNમાં ફરી પાકિસ્તાન પર ભારતનો પ્રહાર

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
'અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો અખાડો ન બનવા દેશો', UNમાં ફરી પાકિસ્તાન પર ભારતનો પ્રહાર 1 - image


UN Security Council : સંયુક્ત રાષ્ટ્રમાં યોજાયેલી અફઘાનિસ્તાન પરની સુરક્ષા પરિષદની બેઠકમાં પાકિસ્તાનની ફરી ફજેતી થઈ છે. બેઠકમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પરવથાનેની હરીશે વિશ્વને અપીલ કરી છે કે, પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી સંગઠનો અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે ન કરે તે સુનિશ્ચિત કરવામાં આવે. ભારતે સ્પષ્ટપણે કહ્યું કે, આ સંગઠનો અને તેમના મદદગારોને અફઘાન જમીનનો દુરુપયોગ કરતાં અટકાવવા પડશે.

અફઘાનિસ્તાનમાં શાંતિ અને પ્રગતિ થાય : ભારત

હરીશે ભારપૂર્વક કહ્યું કે, ‘ભારત-અફઘાનિસ્તાન વચ્ચે સભ્યતાનો ગાઢ સંબંધ છે. ભારતની દિલથી ઇચ્છા છે કે અફઘાનિસ્તાનમાં શાંતિ અને પ્રગતિ થાય. ભારત અફઘાનિસ્તાનની સુરક્ષા સ્થિતિ પર ખાસ નજર રાખી રહ્યું છે. દુનિયાએ એકજૂથ થઈને સુનિશ્ચિત કરવું પડશે કે, યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી સંગઠનો ઇસ્લામિક સ્ટેટ, અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અફઘાનિસ્તાનનો ઉપયોગ આતંક ફેલાવવા માટે ન કરે.’

ભારતે નામ લીધા વિના પાકિસ્તાન પર સાધ્યું નિશાન

તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના તેની તરફ ઇશારો કર્યો છે. ભારતનું માનવું છે કે, જો અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવી હોય તો વૈશ્વિક અને પ્રાદેશિક સંમતિ જરૂરી છે. આવી દિશામાં આગળ વધવા માટે ભારત હંમેશા સમર્થન કરતું રહેશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી આમિર ખાન મુત્તકી સાથે બે વખત વાત કરી છે. અફઘાનિસ્તાને 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી, જેનું ભારતે સ્વાગત કર્યું છે.

આ પણ વાંચો : 'ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવી સ્થિતિ પેદા કરવા માંગે છે રાહુલ ગાંધી', વોટ ચોરી મામલે ભાજપનો જવાબ

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ગાઢ મિત્રતા

હરીશે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં તાજેતરના ભૂકંપ આવ્યો હતો, ત્યારે ભારતે તુરંત મદદ મોકલી હતી. ભારતે 1000 પરિવારો માટે તંબુ અને 15 ટન ખાદ્ય સામગ્રી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડી હતી. આ ઉપરાંત દવાઓ, ધાબળા અને જનરેટર સહિત 21 ટન રાહત સામગ્રી પણ મોકલવામાં આવી છે. ઑગસ્ટ 2021માં તાલિબાન દ્વારા કાબૂલ પર કબજો કર્યા બાદ ભારતે 50000 ટન ઘઉં, 330 ટન દવાઓ અને રસીઓ, 40000 લિટર કીટનાશક અને અન્ય જરૂરી સામાન અફઘાનિસ્તાનને મોકલ્યો છે.

ભારતની ઇચ્છા, અફઘાનિસ્તાનના લોકોની પ્રગતિ 

તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘અફઘાનિસ્તાનના લોકોની પ્રગતિ માટે ભારતની પ્રતિબદ્ધતા અટલ છે. ભારતે અફઘાનિસ્તાનના તમામ પ્રાંતોમાં 500થી વધુ વિકાસ યોજનાઓ ચલાવી છે. અફઘાનિસ્તાનમાં જૂની નીતિઓથી કામ નહીં ચાલે. નવી નીતિઓ અને મદદની જરૂર છે, જેથી અફઘાન લોકો ગરીબી, બીમારી અને ભૂખમરામાંથી બહાર નીકળી શકે. ભારત તમામ પક્ષો સાથે મળીને કામ કરવા તૈયાર છે જેથી અફઘાનિસ્તાનમાં શાંતિ, સ્થિરતા અને ખુશહાલી આવે.’

આ પણ વાંચો : બહાના બંધ કરો, પુરાવા આપો: વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચના 'ફેક્ટ ચેક' પર રાહુલ ગાંધીનો જવાબ

Tags :