એશિયા ક્રિકેટ કપ 2025 : UAEમાં મેચો રમાડવા BCCI સહમત, ભારત-પાકિસ્તાનની મેચ અને સ્થળ અંગે પણ ખુલાસો
Asia Cricket Cup 2025 : સપ્ટેમ્બરમાં એશિયા ક્રિકેટ કપ-2025ની શરૂઆત થવાની છે, જેને લઈને બાંગ્લાદેશના ઢાકામાં આજે (24 જુલાઈ) એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ વર્ચુઅલી ભાગ લીધો હતો. આ દરમિયાન ભારત-પાકિસ્તાનની મેચો અંગે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.
ભારત દુબઈ-અબુ ધાબીમાં મેચો રમાડવા સહમત
સૂત્રોના જણાવ્યા મુજબ એશિયા ક્રિકેટ કપ-2025નું યજમાન ભારત સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈ અને અબુ ધાબીમાં મેચો રમાડવા માટે સહમત થઈ ગયું છે. બીસીસીઆઈના વાઈસ પ્રેસિડેન્ટ શુક્લા અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન મોહસિન નક્વી આગામી કેટલાક દિવસોમાં ટુર્નામેન્ટની ફાઈનલ તારીખ પર નિર્ણય કરશે. માર્કેટિંગ પ્લાન બનાવવા માટે વધુ સમયની જરૂર પડતી હોવાના કારણે સ્પોન્સર્સ સાથે પણ વાતચીત કરવામાં આવશે.
BCCI-ECB વચ્ચે ત્રણ સ્થળ માટે કરાર
ટુર્નામેન્ટ સાતમી સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે, જ્યારે ત્રીજા અથવા ચોથા અઠવાડિયામાં સમાપ્ત થઈ શકે છે. બીસીસીઆઈએ એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ (ECB) સાથે ત્રણ સ્થળ માટે કરાર કર્યા છે, પરંતુ એશિયા કપ માટે માત્ર બે સ્ટેડિયમનો ઉપયોગ થશે. બીસીસીઆઈ ટુર્નામેન્ટ યોજવા માટે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. શરૂઆતમાં ભારતને એશિયા કપ 2025 નો યજમાન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે પાકિસ્તાન ભારતમાં રમવાનો ઇનકાર કરી રહ્યું છે. ત્યારબાદ સંયુક્ત આરબ અમીરાત (UAE)ને ટૂર્નામેન્ટના આયોજન માટે પસંદ કરવામાં આવ્યું છે, જોકે ભારત જ તેનો સત્તાવાર યજમાન રહેશે. UAEના દુબઈ, અબુ ધાબી અને શારજાહના આઇકોનિક સ્ટેડિયમમાં મેચો રમાઈ શકે છે.
આ પણ વાંચો : હવે ખેલાડી ઈજાગ્રસ્ત થશે તો... ક્રિકેટમાં નવો રિપ્લેસમેન્ટ નિયમ, જાણો ક્યારે થશે લાગુ
ભારત-પાકિસ્તાન એક જ ગ્રૂપમાં
ટૂર્નામેન્ટ માટે સંભવિત સ્થળોમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ અને અબુ ધાબીનું જાયદ ક્રિકેટ સ્ટેડિયમનો સમાવેશ કરાયો છે. સુત્રો મુજબ, ભારત-પાકિસ્તાનને ટુર્નામેન્ટમાં એક જ ગ્રૂપમાં રાખવામાં આવશે. એટલે કે બંને વચ્ચે ગ્રૂપ સ્ટેજમાં મુકાબલો થઈ શકે છે. આ વખતે એશિયા કપ T20I (ટ્વેન્ટી20 ઇન્ટરનેશનલ) ફોર્મેટમાં રમાશે. આ ટૂર્નામેન્ટ 2026માં ભારતમાં યોજાનાર ICC ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે મહત્વપૂર્ણ ગણાશે.
એશિયા કપમાં કુલ 8 ટીમો ભાગ લેશે
આ વખતે એશિયા કપમાં કુલ 8 ટીમો ભાગ લેશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન - આપોઆપ ક્વોલિફાય થયા છે. જ્યારે ACC મેન્સ પ્રીમિયર કપ-2024માં જીત મેળવનાર UAE, ઓમાન અને હોંગકોંગ પણ ટુર્નામેન્ટમાં જોડાશે. 8 ટીમોને ચાર-ચાર ટીમના બે ગ્રુપમાં વિભાજીત કરવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર ફોર સ્ટેજમાં પ્રવેશ કરશે. સુપર ફોર સ્ટેજમાંથી ટોચની બે ટીમો ફાઇનલમાં ટાઇટલ માટે ટકરાશે. ભારત, પાકિસ્તાન, યુએઈ અને હોંગકોંગને ગ્રુપ-Aમાં મૂકી શકાય છે. જ્યારે અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઓમાનને ગ્રુપ-Bમાં સ્થાન મળી શકે છે.