IPL ફાઈનલ અગાઉ બેંગ્લુરુ-અમદાવાદનું વન-વે વિમાન ભાડું 26000 રૂપિયાને પાર

IPL 2025 Match: ઈન્ડિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે. આજે રવિવારે અમદાવાદમાં એલિમિનેટર અને મંગળવારે ફાઈનલનો મુકાબલો ખેલાવાનો છે ત્યારે ચાહકોનો ઉત્સાહ ચરમ સીમાએ પહોંચ્યો છે. બેંગ્લુરુની ટીમ પહેલાં જ ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. જેના પગલે બેંગ્લુરુ-અમદાવાદનું વન-વે એરફેર રૂ. 26 હજારે પહોંચ્યું છે.
વન-વે હવાઈ ભાડું પાંચ ગણું વધ્યું
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટીમ વચ્ચે સેમિફાઈનલ રમાશે. જેમાં જીતનારી ટીમ મંગળવારે ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. RCBની ટીમ ફાઈનલમાં પ્રવેશી ચૂકી હોવાથી તેના ચાહકો મોટી સંખ્યામાં 3 જૂને અમદાવાદ આવશે. જેના પગલે 3 જૂને બેંગ્લુરૂ-અમદાવાદનું વન-વે હવાઈ ભાડું સામાન્ય દિવસ કરતાં પાંચ ગણું વધી રૂ. 26 હજારે પહોંચ્યું છે. સામાન્ય દિવસોમાં બેંગ્લુરૂ-અમદાવાદનું હવાઈ ભાડું રૂ. 4500-5000ની આસપાસ હોય છે. આવતીકાલની સેમિફાઈનલ માટે મુંબઈથી પણ મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડે તેવી સંભાવના છે.
આ પણ વાંચોઃ આજે અમદાવાદમાં ક્વૉલિફાયર-2, મુંબઈ ઈન્ડિયન્સ 11 વર્ષથી અહીં જીતી નથી, પંજાબે પણ કમર કસી
ફાઈનલની ટિકિટનું બ્લેક માર્કેટિંગ
આઈપીએલ 2025માં નવ વર્ષ બાદ આરસીબી ફાઈનલમાં પહોંચી છે. જેથી આ 18મી સિરિઝની ફાઈનલનો ઉત્સાહ જ અનેરો છે. સોશિયલ મીડિયા પર આઈપીએલની ક્વાર્ટર 2 અને ફાઈનલના મુકાબલા માટે ટિકિટનું ધૂમ બ્લેક માર્કેટિંગ શરૂ થઈ ચૂક્યું છે. ફાઈનલ મેચની ટિકિટની કિંમત ઓછામાં ઓછી રૂ. 1500 છે. જેના બ્લેકમાં ભાવ રૂ. 10,000 સુધી પહોંચ્યા છે.
જો મુંબઈ ફાઈનલમાં ગઈ તો...
આઈપીએલમાં પાંચ વખત વિજેતા રહેલી મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં પહોંચે તેવી તીવ્ર શક્યતા જોવા મળી છે. પરંતુ જે સ્ટેડિયમમાં સેમિફાઈનલ મેચ રમાવાની છે. ત્યાં છેલ્લા 11 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સ જીતી નથી. બીજી તરફ એક પણ વખત વિજેતા ન રહેતી પંજાબ કિંગ્સ પણ આ વખતે ફૂલ ફોર્મમાં છે. જો મુંબઈ ફાઈનલમાં પહોંચે તો ફાઈનલ મેચની ટિકિટના બ્લેકમાં ભાવ આસમાને પહોંચી શકે છે. ફાઈનલમાં મોટી સંખ્યામાં સેલિબ્રિટી અમદાવાદ આવી શકે છે. જેના પગલે અમદાવાદ એરપોર્ટમાં ચાર્ટર્ડ મુવમેન્ટ વધશે.

