Sports

50ના બદલે 40 ઓવર, WTCમાં 9 નહીં 12 ટીમોનો પ્રસ્તાવ ! જાણો ICC એન્યુઅલ મીટિંગના 4 મોટા અપડેટ

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
સ્કોટલેન્ડના એડિનબર્ગમાં ICCની વાર્ષિક બેઠક 8 થી 11 જુલાઈ દરમિયાન યોજાઈ હતી. આ બેઠકમાં વનડે ક્રિકેટમાં ઓવરોની સંખ્યા 50 થી ઘટાડીને 40 કરવા અને WTC માં ટીમો વધારવા જેવા પ્રસ્તાવો પર ચર્ચા થઈ, પરંતુ કોઈ અંતિમ સહમતિ ન સધાતા બંને ફોર્મેટ હાલ યથાવત રહેશે. USA અને કેનેડાના બોર્ડ પરનો પ્રતિબંધ પણ ચાલુ રહેશે. જોકે, મોરિશિયસ ICCનું 111મું એસોસિએટ સભ્ય બન્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

50ના બદલે 40 ઓવર, WTCમાં 9 નહીં 12 ટીમોનો પ્રસ્તાવ ! જાણો ICC એન્યુઅલ મીટિંગના 4 મોટા અપડેટ

ICC Annual Meeting Edinburgh 2026 : સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગમાં 8 જુલાઈથી 11 જુલાઈ સુધી ચાલેલી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની વાર્ષિક બેઠક પૂર્ણ થઈ ગઈ છે. 4 દિવસ સુધી ચાલેલી આ હાઈ-લેવલ મીટિંગમાં વૈશ્વિક ક્રિકેટના ભવિષ્ય અને નિયમોને લઈને કેટલાય મહત્વના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાંથી ક્રિકેટ જગતને ચોંકાવે તેવા કેટલાક પ્રસ્તાવો સામે આવ્યા હતા. જેમાં વનડે ક્રિકેટમાં ઓવરોની સંખ્યા 50 થી ઘટાડીને 40 કરવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં ટીમોની સંખ્યા વધારવાનો સમાવેશ થાય છે. જોકે, આ મોટા સુધારા પર કોઈ આખરી સહમતિ બની શકી નથી.

50 ઓવરનો જ રહેશે ODI ફોર્મેટ

છેલ્લા કેટલાક સમયથી વનડે ક્રિકેટના અસ્તિત્વ અને તેની લોકપ્રિયતાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ બેઠકમાં વનડે મેચોમાં ઓવરોની સંખ્યા 50 થી ઘટાડીને 40 કરવા પર ગંભીર વિચારણા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1987 ના વર્લ્ડ કપ પહેલાં વનડે મેચોમાં દરેક ઇનિંગ્સ 60 ઓવરની થતી હતી. હવે તેના 39 વર્ષ બાદ ફરી એકવાર ઓવરો ઘટાડવાનો પ્રસ્તાવ મુકાયો હતો, પરંતુ સભ્યો વચ્ચે સહમતિ ન બનવાના કારણે હાલ પૂરતો વનડે ફોર્મેટ 50 ઓવરનો જ રાખવાનો નિર્ણય લેવાયો છે.

WTCમાં ટીમોની સંખ્યામાં કોઈ વધારો નહીં

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની આગામી સાયકલમાં ટીમોની સંખ્યા વધારીને 12 કરવાની દરખાસ્ત હતી, જેમાં અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડને સામેલ કરવાની યોજના હતી. પરંતુ, આ પ્રસ્તાવ પર કોઈ સકારાત્મક નિષ્કર્ષ નીકળી શક્યો નથી. પરિણામે, WTC માં હાલની જેમ માત્ર 9 ટીમો જ ભાગ લેવાનું ચાલુ રાખશે. આ 9 દેશોમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને ઇંગ્લેન્ડનો સમાવેશ થાય છે.

USA અને કેનેડા ક્રિકેટ બોર્ડને કોઈ રાહત નહીં

યુએસએ (USA) ક્રિકેટ બોર્ડને આઈસીસી દ્વારા સપ્ટેમ્બર 2025 માં સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. બેઠકમાં સ્વીકારવામાં આવ્યું હતું કે 2028 માં લોસ એન્જલસ ખાતે યોજાનારા ઓલિમ્પિક્સ પહેલાં અમેરિકા પરથી પ્રતિબંધ હટવો જરૂરી છે, છતાં પણ હાલ પૂરતું તેમનું સસ્પેન્શન યથાવત રાખવામાં આવ્યું છે. બીજી તરફ, જૂન 2026 માં જ સસ્પેન્ડ કરાયેલા કેનેડા ક્રિકેટ બોર્ડને પણ કોઈ રાહત મળી નથી અને તેઓ પણ હાલ પ્રતિબંધિત જ રહેશે.

મોરિશિયસ બન્યું ICCનું 111મું એસોસિએટ સભ્ય

વિશ્વભરમાં ક્રિકેટની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. આઈસીસીએ મોરિશિયસને સત્તાવાર સભ્યપદ એનાયત કર્યું છે. આ સાથે જ મોરિશિયસ આઈસીસીનું સભ્યપદ મેળવનારો વિશ્વનો 111મું દેશ બની ગયો છે. મોરિશિયસને હાલ પૂરતું એસોસિએટ મેમ્બર તરીકે સામેલ કરવામાં આવ્યું છે.