For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતે ન્યુઝીલેન્ડ સાત વિકેટથી હરાવીને ટ્વેન્ટી-૨૦ શ્રેણી ૨-૦થી જીતી લીધી

- રાહુલ (૬૫) અને રોહિત (૫૫) વચ્ચે ૧૧૭ રનની ભાગીદારી

- ૧૫૪ના ટાર્ગેટને ભારતે ૧૭.૨ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો

Updated: Nov 19th, 2021

Article Content Imageરાંચી, તા.૧૯

રાહુલ (૬૫) અને કેપ્ટન રોહિત શર્મા (૫૫) વચ્ચેની ૧૧૭ રનની ભાગીદારીની મદદથી ભારતે ન્યુઝીલેન્ડને બીજી ટી-૨૦માં ૧૬ બોલ બાકી હતા, ત્યારે સાત વિકેટથી હરાવીને શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. જીતવા માટેના ૧૫૪ના ટાર્ગેટને ભારતે ૧૭.૨ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. આ સાથે ભારતે ત્રણ ટી-૨૦ની શ્રેણીમાં ૨-૦થી અજેય સરસાઈ મેળવી લીધી હતી. કારકિર્દીની પ્રથમ મેચમાં બે વિકેટ ઝડપનારા હર્ષલ પટેલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હવે રવિવારે રમાનારી શ્રેણીની ત્રીજી અને આખરી ટી-૨૦ ઔપચારિક બની રહેશે.

ભારતીય ઓપનરોએ ટી-૨૦માં સૌથી વધુ પાંચ વખત શતકીય ભાગીદારીના બાબર-રિઝવાનના રેકોર્ડની બરોબરી કરતાં ટીમને જીતને આરે પહોંચાડી હતી. જે પછી વેંકટેશ ઐયર અને રિષભ પંતની જોડીએ ટીમને જીત અપાવી હતી. પ્રથમ ટી-૨૦માં ચોગ્ગો ફટકારીને જીત અપાવનારા પંતે ૧૮મી ઓવરમાં નીશમની બોલિંગમાં સળંગ બે છગ્ગા ફટકારીને ટીમને ધમાકેદાર જીત અપાવી હતી.

Article Content Imageઅગાઉ  ગ્લેન ફિલિપ્સે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા સાથે ૨૧ બોલમાં ૩૪ રન તેમજ ઓપનર ગપ્ટિલ-મિશેલના ૩૧-૩૧ રનની મદદથી ન્યુઝીલેન્ડે ભારત સામેની બીજી ટી-૨૦માં છ વિકેટે ૧૫૩ રનનો સ્કોર કર્યો હતો.ન્યુઝીલેન્ડના બેટસમેનોએ આક્રમક શરૃઆત કરતાં એક તબક્કે તેઓ ૧૮૦ કે ૨૦૦નો સ્કોર ખડકશે તેવું લાગતુ હતું. જોકે ભારતીય બોલરોએ ક્રમશઃ ન્યુઝીલેન્ડના બેટ્સમેનો પર નિયંત્રણ મેળવ્યું હતુ અને આખરે તેમને છ વિકેટે ૧૫૩ના સ્કોર સુધી જ પહોંચવા દીધા હતા.

આખરી પાંચ ઓવરમાં ભારતીય બોલરોએ પ્રભાવ પાડયો હતો અને ન્યુઝીલેન્ડ  માત્ર ૨૮ રન જ કરી શક્યુ હતુ. કારકિર્દીની સૌપ્રથમ વન ડે રમી રહેલા હર્ષલ પટેલે બે વિકેટ ઝડપી હતી. મિચેલ તેની કારકિર્દીની સૌપ્રથમ વિકેટ બન્યો હતો. જે પછી તેણે ફિલિપ્સને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. જેનો કેચ સબસ્ટીટયૂટ ફિલ્ડર ગાયકવાડે ઝડપ્યો હતો.

અશ્વિને કમાલની બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં માત્ર ૧૯ જ રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી.

રાંચીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. ગપ્ટિલ અને મિચેલે માત્ર ૨૬ જ બોલમાં ૪૮ રનની ભાગીદારી કરતાં સનસનાટી મચાવી હતી. ગપ્ટિલ ૧૫ બોલમાં ૩૧ રને દીપક ચાહરની બોલિંગમાં આઉટ થયો હતો. જે પછી મિચેલ અને ચેપમેનની જોડીએ ૩૧ રન જોડયા હતા.

ફિલિપ્સે એક છેડો સાચવતા લડાયક બેટીંગ કરી હતી. ન્યુઝીલેન્ડે શરૃઆતની ૧૦ ઓવરમાં બે વિકેટે ૮૪ રન કર્યા હતા. જોકે તેઓ આખરી ૧૦ ઓવરમાં ૬૯ રન ઉમેરી શક્યા હતા અને તેમણે ચાર વિકેટ ગુમાવી હતી. હર્ષલે બે અને બી.કુમાર, ડી. ચાહર, અક્ષર પટેલ અને અશ્વિને ૧-૧ વિકેટ ઝડપી હતી.

Gujarat