મહિલા પહેલવાન મનીષા ભાનવાલાએ દિવંગત પિતાનું સ્વપ્ન સાકાર કર્યું

- ભારતની સૌપ્રથમ વર્લ્ડ ચેમ્પિયન મહિલા પહેલવાનની સંઘર્ષમય સફર
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- કુસ્તી તરફ આકર્ષાયેલી મનીષાને પ્રેક્ટિસ માટે જોડીદાર ન મળતાં માતા મીના દેવી કુસ્તી શીખ્યા અને પુત્રીની તાલીમને આગળ ધપાવી
સ ખત મહેનત અને લગન સાથે કરેલી મહેનત ખેલાડીને અણધારી સફળતા અને સિદ્ધિના શિખર સુધી પહોંચવાનો રાજમાર્ગ બની રહે છે. પરિસ્થિતિ અને દુનિયાએ ફેંકેલા પડકારોની વચ્ચે પણ એકધારી ગતિથી આગળ વધતા રહેવું જરુરી છે. પ્રયાસ ગમેે તેટલો મોટો હોય કે નાનો પણ સાતત્યની સાથે કરવામાં આવે તો ગમે તેવા પડકારોનો સામનો કરીને આગળ વધવાની કુશળતા કેળવી શકાય છે. જેમ નદીના વહેણની અસરના કારણે પથ્થરો પણ લીસ્સા અને ગોળાકાર બની જતા હોય છે, તેવી જ રીતે સતત સ્વાધ્યાય થકી પ્રતિભાને વૈશ્વિક સ્તર સુધી વિસ્તારી શકાય છેે.
હરિયાણાની ૨૯ વર્ષની મહિલા પહેલવાન મનીષા ભાનવાલાએ પણ અડગ મનોબળ અને સખત મહેનત થકી ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં વિશ્વવિજેતાનો ખિતાબ હાંસલ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. મનીષાનું નામ એકાદ મહિના પહેેલા ભાગ્યે જ કોઈને ખબર હશે, પણ કઝાકિસ્તાનની રાજધાની અસ્થાનામાં ઓક્ટોબર-૨૦૨૬ના ઉત્તરાર્ધમાં યોજાયેલી કુસ્તીની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના ભાગ્યનો જાણે ઉદય થયો હતો. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૫૯ કિગ્રાની નોન-ઓલિમ્પિક કેટેગરીની ઈવેન્ટની ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં ભાગ લીધો હતો અને તેમાં સુવર્ણ ચંદ્રક જીતવાની સાથે ભારતીય રમત ઈતિહાસમાં આગવું સ્થાન મેળવી લીધું હતુ.
મનીષા ભારતીય રમત ઈતિહાસની સૌપ્રથમ મહિલા વર્લ્ડ ચેમ્પિયન પહેલવાન બની હતી, જ્યારે ઓવરઓલ તેને પુરુષ પહેલવાન સુશીલ કુમાર પછી બીજો ક્રમ મળ્યો હતો. સુશીલે ૨૦૧૦માં રશિયામાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપની ફ્રિસ્ટાઈલ કુસ્તીની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તે ભારતીય કુસ્તી ઈતિહાસમાં વિશ્વવિજેતા બનનારો સૌપ્રથમ પહેલવાન બન્યો હતો. સુશીલ કુમાર તો વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવા અગાઉ ઓલિમ્પિક ચંદ્રક મેળવી ચૂક્યો હતો. જ્યારે મનીષાએ તો તેની તમામ હરિફોને આંચકો આપતાં ઐતિહાસિક સુવર્ણ સિદ્ધિ થકી પોતાની આગવી ઓળખ ઉભી
કરી છે.
વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક માટેનો મુકાબલો ભારે રોમાંચક અને દિલધડક રહ્યો હતો. અમેરિકાની પહેલવાન એબિગેલ નેટ્ટેએ ફાઈનલમાં આક્રમક શરુઆત કરતાં ભારતીય પહેલવાનને હાર તરફ ધકેલી હતી. એક તબક્કે એબિગેલેે ૬-૧થી સરસાઈ મેળવી લીધી હતી. જોકે બ્રેેક બાદ કોચ વિરેન્દ્ર દહિયાના માર્ગદર્શનની સાથે મનીષા બાજી પલ્ટી નાંખવાના ઈરાદા સાથેે ઉતરી હતી અને તેણે આખરી ત્રણ જ મિનિટમાં પાસું પલ્ટી નાંખ્યું હતુ અને હરિફ ખેલાડીને ૮-૬થી ધોબી પછાડ આપતાં સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો હતો.
ભારતે તેની પોતિકી કહેવાય તેવી કુસ્તીની સાથે હોકી તેમજ કબડ્ડી જેવી રમતોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સફળતા મેળવવા માંડી છે. તેની સાથે ભૂતકાળની ગૌરવપ્રદ વિરાસતને પુનઃજિવીત કરવાની આશા પણ જગાવી છે અને આ સિલસિલામાં મનીષાની સિદ્ધિ અત્યંત મહત્વની કહી શકાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા કુસ્તી ચેમ્પિયનશિપનું આયોજન ૧૯૮૭થી થતું આવ્યું છે. જોકે ભારતને આટલા વર્ષોમાં આ પહેલી વખત મહિલા કુસ્તીમાં સુવર્ણ સિદ્ધિ મળી છે.
અગાઉ ૨૦૨૧માં નોર્વેના ઓસ્લોમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની મહિલા પહેલવાન અંશુ મલિક ૫૭ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં પ્રવેશી હતી, પણ તેને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. આ પછી ૨૦૨૬માં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની મહિલા પહેલવાનોએ શાનદાર દેખાવ કર્યો હતો અને ત્રણ પહેલવાન ફાઈનલમાં પ્રવેશી હતી. જોકે નીલમ સિરોહી અને કાજલ ઢોચકને ફાઈનલમાં હાર મળતાં રજત સફળતા પ્રાપ્ત થઈ હતી. જ્યારે મનીષાએ સુવર્ણચંદ્રક જીતવાની સાથે ભારતની સૌપ્રથમ મહિલા વર્લ્ડ ચેમ્પિયન પહેલવાન તરીકેના ખાલી રહેલા સિંહાસનના ઈંતજારનો અંત આણી દીધો હતો.
મનીષાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આ ત્રીજો સુવર્ણ અને ઓવરઓલ નવમો ચંદ્રક હતો. તેણે કારકિર્દીની ત્રીજી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેેતા પહેેલીવાર ચંદ્રક જીતવામાં સફળતા મેળવી હતી. ભારતીય રમત જગતમાં રાતોરાત છવાઈ ગયેલી મનીષાની પહેલવાન તરીકેની કારકિર્દીનો પ્રારંભ માત્ર ફિટનેસ સુધારવાના ઈરાદાથી થયો હતો. કુસ્તી અને બોક્સિંગની રમત માટે જાણીતા હરિયાણાના રોહતકમાં જન્મેલી મનીષાનું બાળપણ જિન્દમાં પસાર થયું. તેના પિતા સુરેશની ખુબ જ ઈચ્છા હતી કે, મનીષાની ફિટનેસમાં સુધારો થાય આ કારણે તેમણે તેને મોટા પુત્ર રિન્કુની સાથે કબડ્ડીના કોચિંગમાં મુકી. ભાઈ-બહેન ગામની નજીક આવેલી નિદાની સ્પોર્ટ્સ એકેડમીમાં તાલીમ મેળવતા. આ દરમિયાન જ મનીષા કબડ્ડીના બદલે કુસ્તીમાં રસ
લેવા માંડી.
પિતા સુરેશ ભાનવાલાએ પુત્રીનો રસ જોઈને તેને તે જ એકેડમીમાં કુસ્તીની તાલીમ માટે મુકી. જ્યાં પ્રાથમિક તાલીમ પુરી થઈ. ઘણી વખત મનીષાની સાથે પ્રેક્ટિસ કરવા માટે અન્ય કોઈ મહિલા ઉપલબ્ધ ન બનતી. પુત્રીની ખાતર તેની માતા મીનાએ કુસ્તીના દાવ શીખ્યા અને પુત્રીને પ્રેક્ટિસ કરાવી. સ્થાનિક સ્તરની સફળતા બાદ તેને વધુ તાલીમ માટેે સમર ગોપાલપુર ગામમાં આવેલી સ્વ. દેવીલાલની એકેડમીમાં પ્રવેશ મેળવી લીધો અને ત્યારથી તેની કુસ્તીની પદ્ધતિસરની તાલીમ શરુ થઈ ગઈ. ધીરે-ધીરે મનીષાની પ્રતિભામાં નિખાર આવતો ગયો તેમ તેમ તેની તાલીમ વધુ પડકારજનક બનતી ગઈ. આ પછી તેને રોહતકમાં છોટુ રામ સ્ટેડિયમમાં મનદીપ સૈની પાસે વધુ તાલીમ મળી. મનીષાને સતત તેના પિતા વધુને વધુ આગળ વધવાની પ્રેરણા આપતાં રહેતા.
વર્ષ ૨૦૧૩માં શરૂ થયેલી મનીષાની તાલીમની સફરે તેને આંતરરરાષ્ટ્રીય ફલક પર પહોંચાડી. ત્રણ જ વર્ષની તાલીમ બાદ તેણે ૨૦૧૬માં ગુવાહાટીમાં યોજાયેલી સાઉથ એશિયન ગેમ્સમાં ૬૦ કિગ્રામાં સુવર્ણ ચંદ્રક જીતવામાં સફળતા મેળવી હતી. જોકે ઈજાના કારણે તેની કારકિર્દીમાં ચડાવઉતાર આવતા રહ્યા. પરિવારે પોતેે આર્થિક સંઘર્ષ વેઠીને પણ મનીષાની કારકિર્દીને સતત આગળ ધપાવી. કોરોના કાળ પછી વર્ષ ૨૦૨૨માં તેેની પસંદગી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ માટે થઈ હતી.
મોંગોલિયામાં મનીષાનો મુકાબલો હતો, તે અગાઉ જ તેના પિતા સુરેશનું અવસાન થયું. પિતાના અવસાનના સમાચાર મનીષા માટે વજ્રાઘાત સમાન હતા. તેની પાસે સ્વદેેશ પરત ફરવાનો પણ વિકલ્પ હતો. જોકે, તેણે પિતાનું સ્વપ્ન સાકાર કરવાના ઈરાદાથી સ્પર્ધામાં ઉતરવાનું નક્કી કર્યું. તેને મોટાભાઈ રિન્કુએ આ નિર્ણય લેવામાં મદદ કરી અને એશિયન ચેમ્પિયનશિપમાં તેણે કાસ્યચંદ્રક જીતવામાં સફળતા મેળવી. તેણે આ ચંદ્રક તેના પિતાને અર્પણ કર્યો. જોકે વધુ મહેનત કરીને વિશ્વવિજેતા બનવાનું પિતાનું સ્વપ્ન સાકાર કરવા માટે કમર કસી.
એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ૨૦૨૨ થી લઈને ૨૦૨૪ એમ ત્રણ વર્ષ સુધી સતત કાંસ્ય ચંદ્રક જીતનારી મનીષા માટે ૨૦૨૫નું વર્ષ ભાગ્યશાળી રહ્યું અને તેણે એશિયન ચેમ્પિયનશિપમાં પહેલીવાર સુવર્ણ ચંદ્રક જીતવામાં સફળતા મેળવી હતી. આ જ વર્ષે તેણે બેે ગ્રાં પ્રિ ઈવેન્ટમાં પણ સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક મેળવ્યા હતા. તેની આ ચંદ્રકોની સફર ૨૦૨૬માં પણ જારી રહેવા પામી અને તેણેે ઝગ્રેેબ ગ્રાં પ્રિ બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સુવર્ણચંદ્રક જીતવાની સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. અલબત્ત તેનો સુવર્ણચંદ્રક નોન-ઓલિમ્પિક વજનવર્ગનો છે અને આ કારણે તેણે ઓલિમ્પિક- ૨૦૨૮માં ક્વોલિફાય થવા માટે ૬૦ કે વધુ કિગ્રા વજનવર્ગની સ્પર્ધા પર પસંદગી ઉતારવી પડશે. જોકે આ સફળતાના પગલે તેના આત્મવિશ્વાસમાં ચોક્કસપણે વધારો થયો છે.




