Spectrometer

વાલ્મીકિ રામાયણમાં રામે ભરતને અને શૂર્પણખાએ રાવણને કહેલું આજે પણ સાચું એવું અદ્ભુત રાજનીતિશાસ્ત્ર!

By GS Team
22 Nov 202612 mins read
વાલ્મીકિ રામાયણમાં રામે ભરતને અને શૂર્પણખાએ રાવણને કહેલું આજે પણ સાચું એવું અદ્ભુત રાજનીતિશાસ્ત્ર!
  • સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
  • રામે અણહકનું કોઈનું કશું, અરે લંકા પણ છીનવી ના લીધી. સર્વસમાવેશક બનીને અંગત સુખ છોડીને બીજાઓનું માન રાખ્યું. રાવણે અંગત સુખ માટે બીજાઓનું અપમાન કર્યું

'રામો વિગ્રહવાન્ ધર્મ:'
વાલ્મીકિ રામાયણના અરણ્યકાંડનો આ વિખ્યાત શ્લોક છે જેમાં મામા મારીચ ભાણેજ રાવણને રામના વખાણ કરતા આ શ્લોક કહે છે. આખા શ્લોકનો ભાવાનુવાદ કરવો હોય તો આવો થાય 'રામ સાક્ષાત્ ધર્મનું સ્વરૂપ છે. એ પરમ સજ્જન અને સત્યનિષ્ઠ પરાક્રમી છે. જેમ દેવતાઓના રાજા ઇન્દ્ર છે, તેમ રામ બધા લોકોના (મનુષ્યોમાં શ્રેષ્ઠ) રાજા છે.'
રામરાજ્ય તો ગાંધીજીના સમયથી ભારતની ફેન્ટેસી છે. આજે તો ચોમેર આરામરાજ્ય છે આપણા દેશમાં પણ રામરાજ્ય હવે તો કલ્પના કે કવિતામાં પણ કોઈ ચર્ચાતું નથી. રામરાજ્ય કેવું હોય એનું મનોહર વર્ણન મહષ વાલ્મીકિ અને ગોસ્વામી તુલસીદાસજીએ કર્યું છે. એ અલગ વિષય થઇ ગયો. પણ આજકાલ સરખું વાંચ્યા વગર જ એક બ્લોકબસ્ટર અને બેસ્ટ એવી નવી રામાયણ ફિલ્મને માત્ર ઉતારી પાડવા જેને હવનમાં હાડકા નાખતા 'વિષવમનાસુરો' યાદ કરે છે, એ વાલ્મીકિ રામાયણની જ કસોટી કરીએ તો એમનું અજ્ઞાન અનાવૃત થઇ જાય ! જેમકે, ઈજાગ્રસ્ત શૂર્પણખા રામ, લક્ષ્મણ, સીતાના સમાચાર સીધા રાવણને નથી આપતી. એ તો ખરદૂષણની ૧૪,૦૦૦ની સેનાનો રામ કચ્ચરઘાણ કાઢે છે એમાંથી બચેલો જનસ્થાન (આજના નાસિક પાસેનો વનવિસ્તાર, જ્યાં મહાકાવ્યના વર્ણન મુજબ શૂર્પણખા રહેતી હતી)નો એક રાક્ષસ અકંપન રાવણને આપે છે.
અને પછી રામનું પરાક્રમ લાઈવ અનુભવીને આવેલો અકંપન જ રાવણને રામના પ્રચંડ યુદ્ધકૌશલ અને મહાપ્રભાવી વ્યક્તિત્વનું લાંબુ વર્ણન કરીને કહે છે : 'દશગ્રીવ! તમે કે સમગ્ર રાક્ષસ સેના યુદ્ધમાં રામને જીતી શકવા અસમર્થ છો. તેની પત્નીનું નામ સીતા છે, જે સંસારની સર્વશ્રેષ્ઠ, સુંદર કમરવાળી અને સ્ત્રીઓમાં રત્ન સમાન છે. એકબીજા માટે સીતારામને અનન્ય આકર્ષણ છે. તમે એની પત્નીનું હરણ કરી લો. સીતાના વિયોગમાં પ્રેમી રામ આપમેળે જ પોતાના પ્રાણ ત્યાગી દેશે.' બરાબર નોંધજો, અહીં સલાહ સીતાને રાવણની પત્ની બનાવવા માટે ઉપાડી જવાની વાત નથી. સ્ટ્રેટેજીક સલાહ છે કે સીતા રામ એકમેકની એવી જુગલજોડી છે કે રામ આમ તો સામી છાતીએ યુધ્ધમાં હારે એમ નથી તો એમને માનસિક રીતે નબળા પાડવા એમની પ્રાણપ્રિયા પત્નીનું અપહરણ કરવું ! પછી કપાયેલા નાક-કાનને કારણે કુરૂપ દેખાતી, લોહીથી લથપથ તે રાક્ષસી શૂર્પણખા મોટા અવાજે રડતી-કકળતી રાવણ પાસે પહોંચે છે. પણ બાદમાં એ રાવણને ભરી સભામાં જે સંભળાવે છે એમાં મહર્ષિ વાલ્મીકિએ ચાણક્યથી યુગો પહેલા રાજનીતિનો અદ્ભુત બોધ ગૂંથી લીધો છે ! વાંચો અરણ્યકાંડના એ સર્ગ ૩૪નો શૂપર્ણખા વાણીનો સાર :
'તું કામનાઓ અને વિષયભોગોમાં પ્રમત્ત થઈને સ્વચ્છંદી અને નિરંકુશ બની ગયો છે. રાજ્ય પર આવી પડેલા આ ભયંકર સંકટને, જે તારે જાણવું જોઈએ, તે તું જાણી શક્યો નથી. હે રાવણ! તું કામભોગોમાં મદમસ્ત, સ્વચ્છંદી અને નિરંકુશ બની ગયો છે. જે રાજા વિલાસોમાં આસક્ત, મનમાની કરનાર અને લોભી થઇ જાય એને પ્રજા સ્મશાનની અગ્નિની જેમ તિરસ્કૃત માને છે. જે રાજા યોગ્ય સમયે પોતાના કર્તવ્યોનું પાલન કરતો નથી, તે પોતાના રાજ્ય અને કાર્યો સહિત નષ્ટ થઈ જાય છે.
જે રાજા કુશળ ગુપ્તચરો રાખતો નથી, પ્રજાને દેખાતો (અને એમની વાત સાંભળતો) નથી અને પોતાને ઇન્દ્રિયોને વશમાં રાખતો નથી, તેને લોકો નદીના કાદવથી દૂર ભાગતા હાથીની જેમ ત્યજી દે છે. જે રાજા પોતાના રાજ્યની રક્ષા કરતો નથી, તે સમુદ્રમાં ડૂબેલા પર્વતની જેમ ક્યારેય શોભતો નથી. તે દેવો, ગંધર્વો અને દાનવો સાથે વેર બાંધ્યું છે, છતાં તું (બેદરકાર રહીને) ચંચળ અને આસપાસ શું ચાલે છે એની સાચી માહિતી વગરનો છે; તો તું લાંબો સમય રાજા કેવી રીતે રહી શકીશ? તારો સ્વભાવ બાળક જેવો બુદ્ધિહીન છે. જે રાજાના ગુપ્તચર (કેવળ જાસૂસી નહિ પણ ખુશામતખોરોને બદલે સાચી ઇન્ફોર્મેશન સીસ્ટમ), ખજાનો અને નીતિ એના પોતાના વશમાં નથી, તે સામાન્ય માણસ જેવો જ છે.
રાજાઓ ગુપ્તચરોની સત્ય વિગતો દ્વારા દૂરની ઘટનાઓ જોઈ શકે છે, તેથી જ તેમને 'દીર્ઘચક્ષુ' કહેવામાં આવે છે. તારા મંત્રીઓ મૂર્ખ છે અને તું તને સાચું કહી શકતા સાથીઓ વિનાનો છો, એટલે જ તને ખબર નથી કે જનસ્થાનમાં તારા સ્વજનો માર્યા ગયા છે. એકલા રામે ભયંકર ૧૪,૦૦૦ રાક્ષસો, ખર અને દૂષણનો સંહાર કરી નાખ્યો છે. રામે ઋષિઓને અભયદાન આપ્યું છે અને દંડકારણ્યને સુરક્ષિત કરી દીધું છે, છતાં તને તારા જ રાજ્યમાં આવેલા આ ભયની જાણ નથી!
ભાઈ મારા રાવણ, કઠોર, કંજૂસ, અભિમાની અને કપટી રાજા પર સંકટ આવે ત્યારે કોઈ તેની મદદે આવતું નથી. અતિ અભિમાની અને ક્રોધી રાજાને સંકટ સમયે પોતાના સ્વજનો પણ લાગ જોઇને મારી નાખે છે. જે રાજા ભયથી સાવધ રહેતો નથી, તે ઝડપથી રાજ્ય ગુમાવી તણખલા સમાન તુચ્છ બની જાય છે. સૂકા લાકડા કે માટીના ઢેફાં પણ કામમાં આવે છે, પરંતુ પદભ્રષ્ટ થયેલો રાજા વપરાયેલા વસ્ત્ર કે કરમાયેલી માળાની જેમ નિરર્થક બની જાય છે.
પણ સફળ રાજા ઇન્દ્રિયોને જીતનારો (વિજિતેન્દ્રિય) હોવો જોઈએ. તે આંખો બંધ કરીને સૂતો હોય ત્યારે પણ તેના નીતિરૂપીનેત્રો (નયચક્ષુ) હંમેશા જાગતા રહેવા જોઈએ, એવો રાજા જ લાંબા સમય સુધી રાજ્ય કરે છે. હે દુર્બુદ્ધિ રાવણ! તારામાં આમાંથી એક પણ ગુણ નથી. તું દેશ અને કાળને ઓળખતો નથી, તેથી તારું રાજ્ય જલ્દી જ નષ્ટ થઈ જશે.'
ક્યા બાત ! વાલ્મીકિની ઉપમાઓનો અલંકારિક વૈભવ તો જુઓ પોલિટીકલ મેનેજમેન્ટના પાઠની સાથે ! અને આગળ કથાસાર વાંચો. શૂર્પણખાએ પોતાના દોષો ગણાવ્યા બાદ, ધન અને બળના અભિમાનમાં ચૂર રાવણ પહેલા વિચાર કરતો રહ્યો. પછી એણે ક્રોધિત થઈને બહેન શૂર્પણખાને વર્ણન પૂછયું રામનું. શૂર્પણખાનું રામનું સાચું વર્ણન પણ સ્તુતિ જેવું છે : 'દશરથપુત્ર રામ લાંબા હાથવાળા, વિશાળ નેત્રોવાળા, વલ્કલ અને મૃગચર્મ ધારણ કરનારા તથા કામદેવ સમાન સુંદર છે. તેઓ ઇન્દ્રધનુષ જેવું સુવર્ણમંડિત ધનુષ્ય ખેંચીને મહાઝેરી સાપ જેવા તેજસ્વી બાણો છોડે છે. યુદ્ધમાં તેઓ ક્યારે બાણ ઉપાડે છે, ક્યારે ધનુષ્ય ખેંચે છે અને ક્યારે છોડે છે, તે હું જોઈ જ ન શકી! જેવી રીતે ઇન્દ્ર કરા વરસાવીને પાકનો નાશ કરે, તેમ રામે બાણોની વર્ષાથી આખી સેનાનો નાશ કરી નાખ્યો. કોઈ રથ વિના માત્ર પગપાળા ઊભેલા તે એકલા રામે દોઢ મુહૂર્ત (આશરે ૭૨ મિનિટ)માં ૧૪,૦૦૦ રાક્ષસો, ખર અને દૂષણને મારી નાખ્યા. સ્ત્રીવધના ભયથી તે મહાત્મા રામે મને માત્ર અપમાનિત કરીને જીવતી છોડી દીધી. તેમનો લક્ષ્મણ નામનો એક મહાતેજસ્વી ભાઈ છે, જે ગુણ અને પરાક્રમમાં તેમના જેવો જ છે. તે અત્યંત બુદ્ધિમાન, અજેય અને રામનો જમણો હાથ તથા બહાર ફરતો પ્રાણ છે.'
આટલું કહ્યા પછી શૂપર્ણખા સીતાસૌંદર્યના વર્ણન તરફ વળે છે. 'રામની વિશાળ નેત્રોવાળી અને પૂનમના ચંદ્ર જેવા મુખવાળી એક પ્રિય ધર્મપત્ની છે, જેનું નામ સીતા છે. સુંદર કેશ અને દિવ્ય કાંતિ ધરાવતી તે વિદેહરાજકુમારી વનની દેવી અને બીજી લક્ષ્મી જેવી શોભે છે. મેં પૃથ્વી પર કોઈ દેવી, ગંધર્વી યક્ષી કે કિન્નરીમાં પણ આવી સુંદર સ્ત્રી ક્યારેય જોઈ નથી. સીતા જેની પત્ની બને, તે સમગ્ર લોકમાં ભાગ્યશાળી ગણાય. હે રાવણ! તે તારા યોગ્ય પત્ની છે અને તું તેના યોગ્ય પતિ છે.' રાવણના મનમાં વધુ ઉશ્કેરણી જગાવવા આગળ મૈથિલી માટે વિસ્તીર્ણજઘનાં પીનશ્રોણિપયોધરામ્… તપ્તકાંચનવર્ણાભા રક્તતુંગનખી શુભા.. સીતા નામ વરારોહા વૈદેહી તનુમધ્યમા! શૃંગારિક વર્ણનોમાં વાલ્મીકિ કાલિદાસના પણ પૂર્વજ છે. વિગતે વૈદેહીનું દેહવર્ણન કરીને 'હું તો તારા માટે એને લાવવા ગઈ તો ક્રૂરતાથી મને વિરૂપ કરી' એવું કહીને સીતાહરણની ચાવી શૂપર્ણખા ચડાવે છે.
શૂર્પણખાના ઉશ્કેરવાથી રાવણ રથશાળામાં ગયો અને ગધેડાઓ જોડેલા જાદૂઈ રથમાં બેસીને આકાશમાર્ગે સમુદ્ર પાર નીકળી પડયો. રસ્તામાં તેણે સમુદ્ર કિનારાના સુંદર વનો, પર્વતો અને નદીઓ જોઈ. તેણે જટા અને વલ્કલ ધારણ કરેલા તપસ્યામાં લીન થયેલા મારીચને જોયો. રામની બધી વાત કરી મારીચનો સાથ માંગ્યો પણ મારીચ રામનું નામ સાંભળતા જ છળી મર્યો ! ને બોલ્યો એ પણ રામની સ્તુતિ છે, જેનું એક વાક્ય લેખના આરંભે મુક્યું. બાકીનાનો સાર :
'હે રાવણ! તને આ વિનાશકારી સલાહ કોણે આપી? જેણે તને સીતાહરણ કરવા કહ્યું છે, તે તારો સૌથી મોટો શત્રુ છે. તું જાણે સૂતેલા ભયંકર સાપને જગાડી રહ્યો છે. રામ સામાન્ય મનુષ્ય નથી, તું સીતાનું હરણ કરીને જીવતો બચી શકીશ નહીં. હે લંકાપતિ! તું તારા રાક્ષસકુળ, રાજ્ય અને જીવનની રક્ષા કર અને સીતાહરણનો વિચાર છોડી પાછો જા. અગાઉ જ્યારે હું હજાર હાથીઓ જેટલું બળ ધરાવતો હતો, ત્યારે હું વિશ્વામિત્ર મુનિના યજ્ઞાનો નાશ કરવા ગયો હતો. તે સમયે માત્ર બાર વર્ષના બાળક રામે એક જ બાણ મારીને મને સો યોજન દૂર સમુદ્રમાં ફેંકી દીધો હતો. ત્યાર બાદ દંડકારણ્યમાં ફરી મારો સામનો રામ સાથે થયો. રામના બાણથી મારા બંને સાથીઓ માર્યા ગયા અને હું માંડ બચીને ભાગી છૂટયો. ત્યારથી તપસ્વી બની ગયો છું. મને દરેક વૃક્ષમાં રામ દેખાય છે. 'ર' કારથી શરૂ થતા રત્ન કે રથ જેવા શબ્દો સાંભળીને પણ હું ફફડી ઉઠું છું. રામના બાણોથી સમગ્ર લંકા ભસ્મ થઈ જશે. પારકી સ્ત્રી પર કુદ્રષ્ટિ રાખવી એ મહાપાપ છે અને તેનાથી અપયશ તથા નાશ થાય છે. તું તારી પોતાની પત્નીઓ સાથે સંતુષ્ટ રહે.'
પણ રાવણે ગુમાનમાં રામને પિતાએ વનમાં કાઢી મુકેલા રઝળતા મનુષ્ય તરીકે ગણાવી મદદ ના કરે તો મારીચને મારવાની ધમકી આપી ત્યારે મારીચને થયું કે જે રાજાની આસપાસ ખોટા સલાહકારો હોય એ સત્ય નહિ સમજે, ને એના હાથે મરવા કરતા રામના પવિત્ર હાથે મરવું સારું ! પણ એ પહેલા એણે કહ્યું એ પણ રાજનીતિનું વાસ્તવદર્શન છે:
'તને આ સલાહ આપનાર તારો હિતેચ્છુ નથી. કયા પાપીએ તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી? મિત્રના વેશમાં છુપાયેલ એ તારો શત્રુ છે. સુલભાથ પુરુષા રાજન્ સતતં પ્રિયવાદિન: । અપ્રિયસ્ય તુ પથ્યસ્ય વક્તા શ્રોતા ચ દુર્લભ: (વાલ્મીકિ રામાયણ, અરણ્યકાંડ ૩૭.૨) હે રાજન્, હંમેશા મીઠું અને પ્રિય (ખુશામતભર્યું) બોલનારા માણસો તો સહેલાઈથી મળી રહે છે, પરંતુ અપ્રિય (કડવું) હોવા છતાં હિતકારી વચન બોલનાર અને તેને સાંભળનાર બંને દુર્લભ હોય છે.'
જેબ્બાત. આખા આ કથાનકમાં રાજનીતિશાસ્ત્રના નિયમો વાર્તારસમાં ઝબકોળીને મહર્ષિએ લખ્યા છે ! અગાઉની સમરી નોટ કરીએ તો શૂર્પણખા પ્રજાનો તિરસ્કાર ના કરે એવા એક શ્રેષ્ઠ શાસકના ૬ લક્ષણો ગણાવે છે, જેનાથી તે લાંબા સમય સુધી રાજ્ય કરી શકે છે : (૧)અપ્રમત્ત : હંમેશા સાવધાન અને સતર્ક રહેનાર. (૨) સર્વજ્ઞા : રાજ્યની દરેક ગતિવિધિની જાણકારી રાખનાર. (૩) વિજિતેન્દ્રિય : પોતાની ઇન્દ્રિયો અને કામનાઓ પર કાબૂ રાખનાર. (૪) કૃતજ્ઞા : યોગ્ય વ્યક્તિઓના ઉપકાર અને સેવાને યાદ રાખી તેમનું સન્માન કરનાર
(૫) ધર્મશીલ : નીતિ, ન્યાય, સદાચારના માર્ગે ચાલનાર. (૬) વ્યક્તક્રોધ પ્રસાદ : યોગ્ય સમયે દંડ (ક્રોધ) અને યોગ્ય સમયે પુરસ્કાર (પ્રસાદ/કૃપા) આપનાર. બધા શબ્દો પર વિચાર કરો તો હજુ વધુ સમજણ આવશે. બાકી આટલું પણ ઈલેકશન હોય ત્યારે ઉમેદવારોને માપવા જેવું ધારધોરણ છે ને રામભક્તિમાં લીન ભારતવર્ષમાં !


આ પહેલા વાલ્મીકિ રામાયણના અયોધ્યા કાંડનો ૧૦૦મો સર્ગ આવે છે, જે 'કચ્ચિત્ સર્ગ' તરીકે ઓળખાય છે. આ સર્ગમાં રામ પાદૂકા રાખી રાજ કરનારા ભરતને 'કચ્ચિત્…' યાને 'શું તું આમ કરે છે ને?' એવા પ્રશ્નો પૂછીને આદર્શ રાજ્યવ્યવસ્થા અને રાજનીતિના ૭૦થી વધુ સૂત્રો સમજાવે છે. આપણે હાઈલાઈટ્સ પૂરતા પરિવારની ફરજો બાદ કરીને બાકીના પર નજર નાખીએ. રામ કહે છે કે…
'હે રાજવી ભરત, જે કાર્યમાં ઓછો ખર્ચ કે ઓછી મહેનત લાગતી હોય પરંતુ તેનું પરિણામ ઘણું મોટું અને કલ્યાણકારી હોય, તેવા કાર્યનો ત્વરિત નિર્ણય કરીને તું તેને તરત જ શરૂ કરી દે છે ને? તેમાં વિલંબ તો નથી કરતો ને? શું તેં તારા જેવા જ શૂરવીર(નિર્ભય), શાસ્ત્રોના જ્ઞાતા(વિદ્વાન), જિતેન્દ્રિય (ઈન્દ્રિયો / કામનાઓ પર કાબૂ રાખનાર), ઉચ્ચ કુળના (સંસ્કારી) અને મનની વાત સમજી જનારા ચતુર લોકોને તારા મંત્રી બનાવ્યા છે? રાજાઓના વિજયનું મૂળ 'ગુપ્ત મંત્રણા' (બીજાને ખબર ના પડે એવી ખાનગી રણનીતિ) હોય છે. જાણકાર અને વિશ્વાસુ મંત્રીઓ દ્વારા જે યોજનાને ગુપ્ત રાખવામાં આવે છે, તે જ સફળ થાય છે. શું તું હજાર મૂર્ખ લોકોને રાખવાને બદલે એક જ બુદ્ધિમાન અને વિદ્વાન વ્યક્તિને રાખવાનું પસંદ કરે છે? કારણ કે મુશ્કેલીના સમયમાં માત્ર એક જ બુદ્ધિમાન રાજ્યનું મોટું કલ્યાણ કરી શકે છે.
શું તું તારી સેનાને સમયસર યોગ્ય ભોજન (રાશન) અને વેતન (પગાર) આપી દે છે ને? તેમાં કોઈ વિલંબ તો નથી કરતો ને? જો કરેલા કામના સમયસર પગાર ન મળે તો લોકો રાજા પ્રત્યે રોષે ભરાય છે અને તે મોટો અનર્થ સર્જે છે. શું તું વૃદ્ધો ( સિનીયર સિટીઝન કેર), બાળકો(ચાઈલ્ડકેર) અને શ્રેષ્ઠ વૈદ્યો (હેલ્થકેર) નું દાન, મન અને મધુર વાણી- આ ત્રણેય દ્વારા સન્માન અને પાલનપોષણ કરે છે ને? શું તારા રાજ્યના ખેડૂતો માત્ર વરસાદના પાણી (દેવમાતૃક) પર જ નિર્ભર નથી ને? તારા રાજ્યમાં મોટા તળાવો અને જળાશયો હંમેશા પાણીથી ભરેલા રહે છે ને? (જળસંચય અને સિંચાઈ યોજના) તું એ ધ્યાન રાખે છે ને કે રાજ્યને આવક વધારે અને ખર્ચ ઓછો હોવો જોઈએ, તથા પ્રજા પર અસહ્ય કર(ટેક્સ)નો બોજ ના હોવો જોઈએ? તારો ન્યાય એવો છે ને જેમાં નિર્દોષને સજા ન થાય અને ગુનેગાર ધનને લીધે દંડમાંથી આપીને છૂટી ન જાય ?
પ્રિય બંધુ, યુદ્ધમાં પરાક્રમ બતાવનાર યોદ્ધાઓનું શું તું યોગ્ય સન્માન અને પુરસ્કાર દ્વારા ગૌરવ કરે છે? શું તેં પવિત્ર, ચતુર અને નિડર વ્યક્તિઓને રાજદૂત બનાવ્યા છે? શું તું તારા રાજ્યના મુખ્ય અધિકારીઓ અને શત્રુ રાજ્યના અધિકારીઓ પર ગુપ્તચરો દ્વારા નજર રાખે છે? ( એન્ટીકરપ્શન વીજીલન્સ એન્ડ બોર્ડર સિક્યોરિટી) શું તું નબળા સમજીને કોઈ શત્રુની અવગણના તો નથી કરતો ને? યુદ્ધમાં જીતેલા કે હારેલા શત્રુ પર પણ ક્યારેય આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. શું ખેડૂતો અને પશુપાલકો સુખી છે ને ? શું વેપારીઓને રાજ્યમાં યોગ્ય સુરક્ષા મળે છે ને?શું તારો ખજાનો (કોશ) અયોગ્ય પાત્રો કે વ્યસનો પાછળ તો નથી વપરાતો ને?
શું તારા ન્યાયાધીશો લાલચમાં આવીને નિર્દોષને સજા કે ગુનેગારને મુક્ત તો નથી કરતા ને? નિર્દોષના આંસુ રાજાના કુળનો નાશ કરે છે. શું તારા રાજ્યમાં સ્ત્રીઓ, વૃદ્ધો, બાળકો અને અનાથો સુરક્ષિત છે? શું તું પ્રજાને ચોર, લૂંટારા અને લોભી અધિકારીઓના ત્રાસથી બચાવે છે? શું તું રાત્રિના અંતિમ પ્રહરમાં જાગીને રાજ્યના કાર્યોનું ચિંતન કરે છે? શું તું યોગ્ય વસ્ત્રો પહેરીને દરબારમાં પ્રજાને નિયમિત દર્શન આપે છે? (પબ્લિક કોમ્યુનિકેશન).
શું તું અશ્રદ્ધા, અસત્ય, ક્રોધ, શાસનના કર્તવ્ય તરફ બેદરકારી, દીર્ઘસૂત્રતા (કામ ટાળવાની વૃત્તિ), જ્ઞાનીઓનો અનાદર, કેવળ ઇન્દ્રિયોની ગુલામીવાળી વિલાસી વૃત્તિ,અહંકારમાં એકલા જ રાજ્યનીતિ વિચારવી, અયોગ્ય વ્યક્તિઓની સલાહ લેવી, નક્કી કરેલા કામ શરૂ ન કરવા, મંત્રણા ગુપ્ત ન રાખવી, મંગળ કાર્યો ન કરવા (ઉત્સવનો અભાવ) અને બધા શત્રુઓ પર એકસાથે ચઢાઈ કરવી - આ ૧૪ રાજદોષોથી દૂર રહે છે ને? જે રાજા ધર્મ, અર્થ અને કામ - આ ત્રણેય પુરુષાર્થોનું યોગ્ય સમયે સેવન કરે છે, તે પૃથ્વી પર વિજય મેળવીને અંતે સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે.'
છે ને લાજવાબ ! સંસ્કૃત સાહિત્ય વાંચો ને ને સ્થળકાળ મુજબની ધાર્મિક કે ચમત્કારિક વાતો ગાળીચાળી નાખો તો કેટલી સદીઓ પહેલા આપણી પાસે આવી આચારસંહિતા હતી આદર્શ નેતાઓ કે શાસકો માટે ! રામ રામ બોલનારા ઘણાને આ રામ તો ખબર જ નથી. જે માત્ર ભક્તિપૂર્ણ ભગવાન નથી. એક સુપર લીડર છે ! રાવણરાજમાં સુખાકારી સોનાની લંકામાં હતી. પણ અહંકારને લીધે માલ્યવાન કે વિભીષણ કે કુંભકર્ણ કે મારીચની સાચી સલાહ એણે ના સાંભળી. રામ બધાનો વિશ્વાસ જીતીને લોકશાહી ઢબે બીજાની સાચી સલાહો પણ સ્વીકારતા અને ભયને બદલે પ્રેમનું રાજય કરવામાં માનતા તો જ્યાં ગયા ત્યાં ટીમ ઉભી કરી શક્યા. એમનો ન્યાય પોતાના માટે પક્ષપાતી નહોતો. રાવણની બીજા સાથે કામ લેવાની ( આજની ભાષામાં વિદેશ નીતિ કે વિપક્ષ નીતિ) આક્રમક અને સામ્રાજ્યવાદી હતી. રામની ધીરજથી શાંતિપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંવાદની જેમાં યુદ્ધ પહેલા પણ સમાધાન માટે દૂત મોકલવામાં આવે એવી.
રામે શક્તિ પણ જરૂર વિના પ્રદર્શન માટે બતાવી નહિ. હરીફને ઉતરતો આંક્યા યુદ્ધની બરાબર તૈયારી કરી. સર્વસમાવેશક અભિગમથી બીજાનો સાથ પહેલા લીધો. સામા પક્ષની કુશળતા ને નબળાઈઓ જાણીને. રાવણ પાસે મહાબલી યોધ્ધાઓ હોવા છતાં ગુમાનમાં ટોક્સિક કલ્ચરથી એકલે હાથે ઉતાવળે યુદ્ધ બધા પર લાદવામાં પરાજય ભોગવ્યો ! રામે અણહકનું કોઈનું કશું, અરે લંકા પણ છીનવી ના લીધી. સર્વસમાવેશક બનીને અંગત સુખ છોડીને બીજાઓનું માન રાખ્યું. રાવણે અંગત સુખ માટે બીજાઓનું અપમાન કર્યું.
ફાસ્ટ ફોરવર્ડ
સ્વમર્મં ન પ્રકાશયેત્ કસ્યચિદપિ બુધ:
ભાવાર્થ : બુદ્ધિશાળી માણસે પોતાનો અતિ ગુપ્તમર્મ (નબળાઈ/રહસ્ય/ શક્તિ કે સંપત્તિનું મૂળ) કોઈને ન કહેવો, ભલે તે વ્યક્તિ સાવ નજીકની કે અતિ વિશ્વાસુ કેમ ન હોય. શ્લોક વાલ્મીકિ રામાયણમાં નથી પણ રાવણે દંતકથાઓ મુજબ લક્ષ્મણને જે રાજનીતિ સમજાવી એમાં છે. એનો સંદર્ભ એ કે રાવણની નાભિમાં અમૃત છે તે રહસ્ય તેનો ભાઈ વિભીષણ જાણતો હતો ને એનો વધ શક્ય બન્યો !