Shatdal

યુધિષ્ઠિરની હત્યા પાંડવોની આત્મહત્યા!

By GS Team
13 Oct 20262 mins read
યુધિષ્ઠિરની હત્યા પાંડવોની આત્મહત્યા!
  • ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

મ હાભારતના યુદ્ધમાં અભિમન્યુ હણાયો અને પાંચે પાંડવો વ્યાકુળ થઇ ગયા. સત્ય અને ધૈર્યના સાગર સમા સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરનો ગુસ્સો મર્યાદાને ઉલ્લંઘી ગયો અને એમણે કોપ સાથે કહ્યું કે, ધિક્કાર છે અર્જુન તને, કે તું અભિમન્યુની રક્ષા કરી શક્યો નહીં. ધિક્કાર છે તારા ગાંડીવ ધનુષ્યને, કે જે ધનુષ્ય યુવાન અભિમન્યુના પ્રાણ બચાવી શક્યું નહીં.
ગાંડીવની ટીકા સાંભળતાં અર્જુન સમસમી ઊઠયો. એની પ્રતિજ્ઞા હતી કે જે કોઈ ગાંડીવ ધનુષ્યની નિંદા કરશે એની એ હત્યા કરશે. જ્યાં સુધી હત્યા ન કરી શકે, ત્યાં સુધી જલ પણ ગ્રહણ કરશે નહીં. આથી અર્જુને ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું, 'જ્યેષ્ઠ બંધુ ! મારી પ્રતિજ્ઞા તો આપ જાણો છો. ગાંડીવની નિંદા કરનારને આ ધરતી પર જીવવાનો અધિકાર નથી. મારે આપની હત્યા કરવી પડે. એ પછી જ હું પાણીનું ટીપું મોંમાં મૂકી શકીશ.'
વાતાવરણ ગંભીર બની ગયું. ચોપાસ સન્નાટો છવાઈ ગયો. ધર્મરાજનાં વચનો સૌએ સાંભળ્યાં હતાં અને અર્જુનની પ્રતિજ્ઞાનો સૌને ખ્યાલ હતો. બધાની નજર શ્રીકૃષ્ણ તરફ ગઈ.
શ્રીકૃષ્ણે અર્જુનનો પક્ષ લેતા હોય તેમ કહ્યું, 'અર્જુન, તારા જેવા વીર ક્ષત્રિયે પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઇએ. પ્રતિજ્ઞા માટે ક્ષત્રિય પ્રાણ આપતાં પણ અચકાતો નથી, માટે ધર્મરાજ, તમે અહીંયાં બેસો અને અર્જુનને એની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની તક આપો.'
ચોપાસ ગમગીની ફેલાઈ ગઈ. હવે શું થશે ? આવું થાય તો કેવું થાય ? શું અર્જુન પોતાના જ્યેષ્ઠ બંધુ પર પ્રહાર કરી શકશે ખરો ?
એવામાં શ્રીકૃષ્ણે કહ્યું 'અર્જુન તારી પ્રતિજ્ઞા હત્યા કરવાની છે. શિરચ્છેદ કરવાની નથી. શાસ્ત્રોમાં તો કહ્યું છે કે કોઈની પણ સામે કોઈ સજ્જનની ટીકા કરવી એ પણ એની હત્યા છે. આ રીતે ધર્મરાજની ટીકા કરીને તમે તમારી પ્રતિજ્ઞાનું પાલન કરી શકો છો.'
નીતિશિરોમણિ શ્રીકૃષ્ણએ માર્ગ બતાવ્યો. સૌનાં મન પરની ઉદાસીનતા ઓછી થઈ, પરંતુ એવામાં ભીમે નવો તર્ક આપ્યો. ભીમે કહ્યું, 'જો આ રીતે નિંદા વચનો દ્વારા ધર્મરાજની હત્યા કરવામાં આવે તો અમને પણ જીવવાનો કોઈ અધિકાર નથી. આનું કારણ એ છે કે અમે પાંચે ભાઈઓએ પ્રતિજ્ઞા કરી છે કે અમારા પાંચમાંથી એક ભાઈ પણ મૃત્યુ પામે, તો બાકીના બધા આત્મહત્યા કરશે. હવે જો ધર્મરાજની આ રીતે હત્યા થઇ હોય તો અમારે સૌએ ચિતા પર ચડવું જોઇએ.'
ફરી પાછું વાતાવરણ ગંભીર બની ગયું. ફરી એ જ રીતે શ્રીકૃષ્ણએ કહ્યું, 'એક ક્ષત્રિય તરીકે તમારે પણ તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવી જોઇએ, પણ તમારી પ્રતિજ્ઞા જીવનનો અંત આણવાની નથી, બલ્કે આત્મહત્યા કરવાની છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈ પોતાની પ્રશંસા સ્વયં કરે તો તે આત્મઘાત સમાન છે. આથી તમે સ્વગુણોનું કથન કરીને પ્રતિજ્ઞાનું પાલન કરી શકો છો.'
શ્રીકૃષ્ણની આ ચતુરાઈ પર ખુશ થયેલા પાંડવોએ એમની પ્રશંસા કરી.