કળિયુગને કેમ દુષ્ટની યાદીમાં મૂકી દેવામાં આવ્યો છે?

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- કળિયુગ જાતે આવતો નથી, માણસ પોતે જ તેને નોતરે છે. ઇશ્વર સક્ષમ છે એવું તો માણસ જાણે જ છે, પણ તે જે શ્રદ્ધા રાખે છે તે પોતાના સ્વાર્થ માટે રાખે છે. કળિયુગ તો આપણામાં પ્રવેશ્યો છે. ઇશ્વર તો એનો એ જ છે.
પ્રશ્ન : કળિયુગમાં ઇશ્વર પરની શ્રદ્ધા કેવી રીતે સાચવવી ?
પ્રશ્નકર્તા : યોગેશ બી. ત્રિવેદી, કે. કે. નગર, અમદાવાદ
કોઈપણ યુગ બીજા યુગના પ્રભાવથી સાવ મુક્ત નથી હોતો. મતલબ કે સતયુગમાં દ્વાપરયુગ કે કળિયુગનો પ્રભાવ પણ જોવા મળી શકે અને દ્વાપરયુગમાં સતયુગ કે કળિયુગનો પ્રભાવ પણ દ્રષ્ટિમાન થઈ શકે. કળિયુગ કે જેને દુષ્ટની યાદીમાં મૂકી દેવામાં આવ્યો છે, તેમાં સત્ય, અહિંસા અને જનકલ્યાણની ભાવનાને વરેલા લોકો પણ હોય છે.
કળિકાળના પ્રભાવનું સંત તુલસીદાસે 'રામચરિત માનસ' માં યથાર્થ વર્ણન કર્યું છે. 'મન, વચન અને કર્મમાં લબાડપણું એનું નામ કળિયુગ. આશ્ચર્યની વાત તો એ છે કે જેઓ મિથ્યા દંભમાં રચ્યા-પચ્યા રહેતા હશે, તેઓ પણ સંતમાં ગણતરી પામશે. મતિભ્રષ્ટ, ગતિભ્રષ્ટ અને નીતિભ્રષ્ટ લોકોની બોલબાલા એનું નામ કળિયુગ.'
કળિયુગમાં ભોગવિલાસ પ્રત્યે લોકોનું આકર્ષણ વધી ગયું છે. લોકો ભૌતિક સુખને જ સર્વસ્વ માને છે. અને ધર્મને ગૌણ તથા ધનને મહત્વનું સ્થાન આપે છે. લોકો મિથ્યાવાદી થઈ ગયા છે. લોકો નીચ લોકોનો સંગ કરવા લાગ્યા છે અને શાસકોમાં પણ દુષ્ટતા પ્રવેશી છે. આ બધો કળિયુગનો પ્રભાવ છે !
અહીં સ્વામી ગણેશાનંદજીએ વર્ણવેલું એક દ્રષ્ટાંત યાદ આવે છે. જેનું શીર્ષક છે 'કળિયુગ આવ્યો છે !'
એક વખત શ્રીકૃષ્ણે પાંડવોને કહ્યું : 'હવે કળિયુગ આવવાનો છે, તેથી તમારે તપ કરવું પડશે. તમે પાંચે ભાઈઓ જંગલમાં જઈ આવો, અને ત્યાં જે દેખો તેનું વર્ણન મારી પાસે આવીને કરો.'
બધા ભાઈઓ જંગલમાં ગયા અને ત્યાં જે જોયું, તેનું પાછા ફરીને શ્રીકૃષ્ણ પાસે વર્ણન કરવા લાગ્યા.
યુધિષ્ઠિરે કહ્યું : 'મેં જંગલમાં બે સૂંઢવાળો હાથી દીઠો.'
શ્રીકૃષ્ણ બોલ્યા : 'બે સૂંઢવાળો હાથી એ કળિયુગના અધિકારીઓ છે, તે બે મુખવાળા થશે. વાદી તથા પ્રતિવાદી બેઉની પાસેથી લાંચ લેશે.'
ભીમસેને કહ્યું : 'મેં એક ગાય દેખી, તે પોતાની વાછરડીને ધાવતી હતી.'
શ્રીકૃષ્ણે કહ્યું : 'તેનો મતલબ એ થયો કે ગાય જેમ વાછરડીને ધાવતી નજરે પડી, તેમ કળિયુગના માણસો પોતાના છોકરી-છોકરાના પૈસા લઈ આજીવિકા ચલાવશે.
અર્જુને કહ્યું : 'મેં એક પક્ષી જોયું. તેના મોઢામાં વેદ હતા, પણ તે મડદા પર બેઠું હતું.'
શ્રીકૃષ્ણ બોલ્યા : 'તે એમ સમજવાનું કે કળિયુગના કહેવાતા પંડિતો વેદ વગેરે ભણીને પણ મરેલાનું તથા નીચનું દાન લઈને ખાશે.'
નકુલે કહ્યું : 'મેં ત્રણ કૂવા દેખ્યા, તેમાં વચ્ચેનો કૂવો ખાલી હતો, બાજુના બન્ને કૂવા ભરેલા હતા.'
શ્રીકૃષ્ણ બોલ્યા : 'કળિયુગમાં પોતાનો કુટુંબી ખાલી રહેશે અને બીજા ધનાઢ્ય જોડે લોકો સંબંધ બાંધવાની કોશિશ કરશે.'
સહદેવે કહ્યું : 'મેં એક પહાડ પરથી પથરો પડતો દેખ્યો, તે મોટા વૃક્ષો તોડતો નીચે આવ્યો. નીચે આવતા એક તૃણથી અટકી ગયો.'
શ્રીકૃષ્ણ બોલ્યા : 'તેનો મતલબ એ છે કે જે પથ્થર પડયો તે ધર્મ હતો. તે સંસારરૂપી પહાડથી ખસ્યો અને તપ-યોગરૂપી મોટા વૃક્ષને ભાંગતો, સત્યરૂપી તૃણ સરખા પરમાત્માના નામને આશરે ટકી રહેશે.'
આવું રહસ્ય સાંભળીને થોડાં વર્ષ રાજ્ય કરી ધર્મરાજા વૈરાગ્યશીલ બની ગયા અને તપ કરવા ચાલ્યા ગયા.
કળિયુગ જાતે આવતો નથી, આપણે જ તેને હરખભેર લઈ આવીએ છીએ. કારણ કે આપણને 'રામનગરી' કરતાં રાવણની 'સુવર્ણનગરી'માં વધુ રસ છે.
કળિયુગમાં ભોગવિલાસ પ્રત્યે લોકોનું આકર્ષણ વધી ગયું છે. લોકો ભૌતિક સુખને જ સર્વસ્વ માને છે. ધર્મને ગૌણ તથા ધનને મહત્વનું સ્થાન આપે છે. કળિયુગનું વર્ણન તો આપણે આગળ જાણી લીધું.
હવે કરીએ શ્રદ્ધાની વાત. ઇશ્વર પર શ્રદ્ધા કળિયુગમાં કેવી રીતે ટકાવવી ? માણસ તો સ્વાર્થનું પૂતળું છે. જરૂર પડે ત્યારે ઇશ્વરને સર્વસ્વ ગણાવા તૈયાર હોય છે. ઇશ્વર સમર્થ છે એમ માનવાને કારણે જ માણસનો ઇશ્વર પ્રત્યે શ્રદ્ધાભાવ પ્રગટે છે. ચાણક્યનીતિમાં કહેવામાં આવ્યું છે કે દેવતા ન તો કાષ્ઠમાં વિદ્યમાન છે, ન તો પથ્થરમાં, ન તો માટીની મૂર્તિમાં, દેવતા તો ભાવ એટલે કે શ્રદ્ધામાં
રહે છે.
શ્રદ્ધા એ શક્તિ છે. કારણ કે તે માણસને આશાવંતો રાખીને તેના આત્મબળને વધારે છે. શ્રદ્ધા મનુષ્યને પ્રસન્ન રાખે છે. કપરા સંજોગોમાં પણ
'હરિને ભજતાં હજી કોઈની
લાજ જતા નથી જાણી રે'
- નું આશ્વાસન આપી અણીના સમયે ઇશ્વરની મદદ પ્રાપ્ત થશે એવું બળ પ્રગટે છે. શ્રદ્ધા જ માણસમાં સાચી જીવનદ્રષ્ટિ પ્રગટાવે છે. એટલે માણસે સાચા અર્થમાં શ્રદ્ધા રાખવી જોઈએ. પોતાને ભાવતું અને ફાવતું જ ઇશ્વર આપે એવી શ્રદ્ધા ઉચિત નથી. વ્યક્તિ ઇચ્છે એવું નહીં પણ વ્યક્તિનું ખરેખર હિત જેમાં સમાયું હોય તેવું જ થાઓ એ જ સાચી શ્રદ્ધા છે. તમે અંત:કરણપૂર્વક શ્રદ્ધા રાખો, બાકી બધું ઇશ્વર પર છોડી દો. શ્રદ્ધા એ કાર્યની ઇમારતની બુનિયાદ છે. શ્રદ્ધા વિહોણો માણસ સંશયી, બેમનવાળો, વિક્ષુબ્ધ અને ઉત્સાહરહિત હોય છે. માણસની શ્રદ્ધા સાત્વિક કામોમાં પણ હોઈ શકે અને અસાત્વિક કામોમાં પણ ! એટલે જ માણસે વિધાયક, માંગલ્યપૂર્ણ, વિવેકયુક્ત અને હિતલક્ષી શ્રદ્ધાનું સેવન કરી પોતાના ભવ્ય ઉદ્દેશો પાર પાડવા જોઈએ. એટલે જ શ્રદ્ધાને સત્સંકલ્પથી વંચિત રાખવી જોઈએ નહીં.'
દેવી-દેવતાઓ, અવતારી મહાપુરુષો કે ધર્મ અથવા સંપ્રદાયના વડાઓમાં રહેલી વિશિષ્ટ શક્તિ, સામર્થ્ય અને પવિત્ર આચાર-વિચાર તેમના પ્રત્યે પૂજ્યભાવ જન્માવે છે. અને તેમાંથી તેમના પ્રત્યેની શ્રદ્ધા જન્મે છે. શ્રદ્ધેય વ્યક્તિમાં સામર્થ્ય હોવું જરૂરી છે, એ સામર્થ્ય વીરતાનું હોય, પવિત્રતાનું હોય, પરાક્રમનું હોય, પ્રેમ અને સેવાનું હોય કે રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ અને વિશ્વબંધુત્વની નિર્મળ ભાવનાનું.
કળિયુગ જાતે આવતો નથી, માણસ પોતે જ તેને નોતરે છે. માણસમાં રહેલો લોભ, મોહ, સ્વાર્થ અને ધનલિપ્સા કળિયુગને જન્મવાની ભૂમિકા પ્રદાન કરે છે. ઇશ્વરે પોતાને ધાર્યું સુખ અને સફળતા આપવી જ જોઈએ એવો ઇશ્વર કે દૈવી તત્વો સાથે સ્વાર્થી ગણતરીપૂર્વકનો દ્રષ્ટિકોણ માણસ ધરાવે, ત્યારે ઇશ્વર જીવનનું લક્ષ્ય ન રહેતાં તેની અપેક્ષાઓ સંતોષવાનું સાધન ગણવા માંડે છે.
આજે માણસને બધું તાત્કાલિક અને ત્વરિત જોઈએ છે. ઇશ્વરની આરાધના માટે તપવાની કે ખપવાની તેનામાં નવરાશ નથી. એની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા પણ નિષ્કામ નથી હોતી. સકામ હોય છે. ઇશ્વર સક્ષમ છે એવું તો માણસ સમજે જ છે, પણ તે જે શ્રદ્ધા રાખે છે તે પોતાના સ્વાર્થ માટે રાખે છે. અને જો પોતાનું ધાર્યું કામ ન થાય તો ઇશ્વરને દોષ દે છે. કળિયુગ તો આપણામાં પ્રવેશ્યો છે, ઇશ્વર તો એનો એ જ છે.




