Shatdal
હિન્દુ લગ્નવિધિ નિષ્પ્રાણ બની રહી હોય એવું કેમ લાગે છે ?
By GS Team
11 Aug 20265 mins read

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- ખરેખર તો લગ્ન કરતા પહેલાં વર-કન્યાના લગ્નનું મહત્ત્વ અને તેની આચારસંહિતાનું જ્ઞાન આપવું બહુ જરૂરી છે પરંતુ વિવેકહીન પ્રદર્શનપ્રિયતાએ લગ્ન- સંસ્કારનું ગૌરવ છીનવી લીધું છે! પ્રશ્ન : શું હિન્દુ લગ્નવિધિ નિષ્પ્રાણ બની રહી છે ?
પ્રશ્નકર્તા : ભાવના મનીષ જોષી.
કનકકલા-૨, આનંદનગર રોડ, અમદાવાદ
પ્રત્યેક ધાર્મિક વિધિનું એક આગવું માંગલ્ય, આગવું મહત્ત્વ અને આગવી પાવનતા હોય છે. વિધિ એટલે જ વિશેષ ધીરજપૂર્વક સમ્પન્ન કરવાનો ધાર્મિક અવસર. એ રીતે જોઈએ તો લગ્નવિધિ હવે નામની જ રહી છે. અને એ વિધિ પણ હૃદયપૂર્વક સમ્પન્ન થતી નથી. લગ્નોમાં બધું જ કૃત્રિમ અને પ્રાણહીન બનતું જાય છે.
એક જ દિવસે ઢગલાબંધ લગ્નવિધિઓ કરાવવાનો કોન્ટ્રાક્ટ બ્રાહ્મણ દેવતાઓ રાખે છે અને મોકાના સમયે ઉંમરમાં મોટા બ્રાહ્મણ દેવતા પોતાની ક્ષણિક હાજરી દ્વારા ઝડપભેર લગ્નવિધિ પતાવી બીજી એપોઇન્ટમેન્ટ સાચવવા દોડધામ કરે છે.
મંડપમુહૂર્ત, કન્યા વિદાય જેવી અલ્પ મહત્ત્વની વિધિઓ માટે 'એપ્રેન્ટીસ' કે બાળ ગોરમહારાજની નિમણૂક કરવામાં આવે છે. પિતાએ પહેરાવી આપેલી પોતડી પહેરી ચોવીસ કલાક માટે પેન્ટને વેકેશન આપી આવા 'બાળ પુરોહિતો' ગૌણ વિધિઓ પતાવી લેતા હોય છે અને હસ્તમેળાપ જેવા મહત્ત્વના સમયે 'હેડ ગોરમહારાજ' ગમે ત્યાંથી નાટકીય એન્ટ્રી લગાવતાહોય છે. મુખ્ય મહારાજ આવી પહોંચતા સૌના મનમાં હાશ અને નિરાંતનો અનુભવ થાય છે. અને એ મુખ્ય મહારાજ યુદ્ધના ધોરણે લગ્નવિધિ પતાવી નાખે છે. નથી વિધિ કરનારને રસ કે નથી વિધિ કરાવનારને રસ 'હસ્તમેળાપ' જેવી મહત્ત્વની વિધિ યાંત્રિક બની ગઈ છે. આ વિધિમાં વર- કન્યાને પણ જરાય રસ હોતો નથી. કારણ કે અગાઉ તેમને હસ્તમેળાપના ઘણા અવસર પ્રાપ્ત થઈ ગયેલા જ હોય છે. એમને ફેરા ફરવામાં પણ રસ પડતો નથી, કારણ કે, એકબીજા પાછળ અગાઉ જ ખાસ્સા આંટાફેરા માર્યા હોય છે. વર કન્યાને ઉતાવળ હોય છે વહેલી તકે લગ્નવિધિ પતાવી દેવામાં.
સિનેમાના ગીતોના ઢાળમાં પરાણે બેસાડેલા ગીતો મોટે મોટેથી વાગતા હોય, મહેમાનો- જાનૈયાઓને જમવામાં રસ હોય, યજમાનને પોતે ડેકોરેશન કેવું કર્યું છે, જમવામાં કેટલી વાનગીઓ રાખી છે તેના પ્રદર્શનમાં રસ હોય છે, બહેનોને એકબીજાના ઘરેણા અને સાડીઓ જોવામાં રસ હોય છે. અને વર-કન્યાને જલ્દીથી લગ્નવિધિ કેમ પતી જાય તેમાં રસ હોય છે. તેમને સપ્તપદીના સાત વચનો કયા કયા છે તે જાણવામાં જરા પણ રસ હોતો નથી.
આમ લગ્ની વગરના લગ્ન એ આપણા સમાજની સૌથી મોટી કરુણતા છે. આપણી પ્રાચીન વિધિઓને એનું હાર્દ સમજ્યા વગર માત્ર દેખાવ ખાતર અપનાવવાનો કશો અર્થ ખરો ? વિધિ વિધિસર ન કરીને આપણે આપણા શાસ્ત્રોનું હડહડતું અપમાન કરી રહ્યા છીએ.
લગ્ન એ જિંદગીનું એક મહત્ત્વનું પ્રસ્થાન છે. હિન્દુ લગ્નવિધિ તેની પવિત્રતા અને ગંભીરતાનું સમર્થન કરે છે. પાણિગ્રહણ, છેડાગાંઠણ, અગ્નિ પ્રદક્ષિણા, સપ્તપદીની પ્રતિજ્ઞા જેવી લગ્ન વિધિઓનું આગવું મહત્ત્વ છે. આ બધી વિધિઓ પાછળ પ્રતીકાત્મક સંદેશ છુપાયેલો છે.
આજે નથી રહી લગ્નવિધિની ગંભીરતા કે નથી સચવાતું લગ્નોત્સવનું સાચું ગૌરવ. આ સ્થિતિ સાચે જ કોઈપણ દ્રષ્ટિએ ઉચિત નથી. પણ દંભ એ જ આધુનિક જીવનનો પર્યાય બની ગયો હોય ત્યાં કોણ કોને રોકે ? કોણ કોને ટોકે ?
લગ્ન વિધિમાં ગોર મહારાજ, વર-કન્યા જાનૈયાઓ વગેરેને બિલકુલ રસ હોતો નથી, તેમ આમંત્રિત મહેમાનો પણ માત્ર સત્કાર સમારંભમાં હાજરી આપીને સંબંધ સાચવ્યાનો સંતોષ અનુભવતાં હોય છે.
યજમાન વ્યક્તિ પોતે પોતાનું મહત્ત્વ અને મહાનતાની પારાશીશી પોતાને પ્રસંગમાં કેટકેટલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, તેમની સંખ્યા ઉપરથી કાઢે છે. એટલું જ નહીં પણ વર-કન્યાને આશીર્વાદ આપવા પધારેલ વ્યક્તિ- વિશેષમાંથી વિશેષ વ્યક્તિ સાથેનો ફોટો અખબારમાં આપીને પોતે કંઈ 'કમ' નથી એની જાહેરાત કરવાનું ચૂકતા નથી.
મોંઘીદાટ કંકોત્રીઓ, ભોજન સમારંભ, લગ્ન મંડપ, સંગીત - આ બધા દ્વારા જાહોજલાલી જણાવવાની કે ખમતીધર હોવાની ખાતરી કરાવવાની તે લોકો તક ઝડપી લેતા હોય છે.
દેખાદેખીમાં લગ્ન કરનાર પુત્ર કે પુત્રીના દબાણને વશ થઈને મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમવર્ગના લોકો પણ ખર્ચ કરવામાં પાછું વાળીને જોતા નથી. આમ, લગ્નના ગૌરવનું સ્થાન પ્રદર્શનપ્રિયતાએ લઈ લીધું છે.
કોઈ કદાચ કહી શકે કે, લગ્ન એ વર-કન્યાના જીવનનો ધન્ય અવસર છે અને તેથી તેઓ કેટલાક વિશેષાધિકારો ભોગવે છે તો મા-બાપોએ સહન કરી લેવું જોઈએ. પરંતુ સવાલ પૈસાનો નથી, ઉડાઉ ખર્ચાનો છે, મિથ્યા પ્રદર્શન અને બાહ્ય ચળકાટનો છે.
એક કન્યા માટે સાચું આભૂષણ સ્વજનોની લાગણી હોઈ શકે, એમની પાસે માગવા જેવી કોઈ વસ્તુ હોય તો તે ઉત્તમ સંસ્કાર જ હોઈ શકે. વૈભવ પ્રદર્શન ખાતર અથવા દેખાદેખી રૂપિયાનો દુર્વ્યય કરતા માબાપને એ મોહજાળથી મુક્ત રાખવા અથવા દેવું કરીને ય વટ પાડવા લલચાતા રોકવા એ પણ લગ્ન કરનાર શિક્ષિત પુત્ર કે પુત્રીનું કર્તવ્ય છે.
મધ્યમ વર્ગીય માતાપિતા કે શ્વસુર પક્ષે દહેજની અપેક્ષા રાખવી એ એક અક્ષમ્ય અપરાધ છે. જેવું સુવર્ણ કે હીરાનું છે તેવું જ મોંઘાદાટ વસ્ત્રોનું છે. પોતાના લગ્ન પ્રસંગે એક જ વાર પહેરવાના કામમાં આવતી સાડી કે શેરવાની માટે બહુ જ ખર્ચો કરવાની પ્રબળ અભિલાષાઓનો સહજ રીતે જ પરિત્યાગ કરવાની આદત વર-કન્યાએ કેળવવી જોઈએ.
જે સમાજમાં શીલને બદલે શણગાર, સમજણને બદલે કેવળ શોખ, સહિષ્ણુતાને બદલે વટ અને સાદગીને બદલે ચળકાટનું મહત્ત્વ વધે છે એ સમાજ ધીરે ધીરે પોતાની સુખ-શાંતિ ગુમાવી બેસે છે. કારણ કે સમાજનો પાયો આંધળી દોટ પર નહીં પણ ઊંડી સમજ, ઉદાર વલણ અને ત્યાગની ભાવના પર અવલંબિત છે એટલે દંભ તરફ ઢળી રહેલા લગ્નને એક સંસ્કારના રૂપથી વિભૂષિત રાખવા માટેના પ્રયત્નોની આવશ્યકતા છે.
પ્રદર્શનપ્રિયતા અંતે તો માણસના મનની કમજોરી છે, આંતરિક ખાલીપો છે બીજાની નજરમાં 'ઊંચા' અને મોટા ઠરવાના ધમપછાડા છે. ઊંચુ ખાનદાન કે પરદેશમાં વસતો મૂરતીયો મેળવવા માટેના મા-બાપના તુક્કા ઘણીવાર વિવેક શૂન્ય અને ખતરનાક પુરવાર થતા હોય છે.
ખરેખર તો લગ્ન કરતા પહેલાં વર-કન્યાને લગ્નનું મહત્ત્વ અને તેની આચારસંહિતાનું જ્ઞાન આપવું બહુ જરૂરી છે. જેમ સોળ વર્ષની પુત્રી માતા માટે સખી સમાન બની જાય છે, તેમ પુત્ર સોળ વર્ષનો થાય એટલે તેને મિત્ર માનવો જોઈએ.
પુત્રી માટે માતા વત્સલ ગુરુ બને, તો પુત્રી એની પાસેથી જરૂરી જ્ઞાન અને તાલીમ મેળવવા તત્પર જ હોય છે. ઘાટ તો લુહાર પણ આપે છે
અને સોની પણ. દીકરીના ઘડતર માટે લુહાર બનવાની જરૂર નથી, સોની બનવાની જરૂર છે. હળવે હાથે હેતથી નાની શી હથોડીથી દીકરીને ઓપ અપાય, સંસ્કાર અપાય અને શીલ અને સંસ્કારનું ભાથું લઈને દીકરી સાસરે જાય.
એ જ રીતે યુવાન પુત્ર સાથે પણ લગ્ન જીવનના આદર્શોની ચર્ચા કરવી જોઈએ સ્ત્રી પુરુષ કરતા કોઈ પણ રીતે હીણી કે ઉતરતી કક્ષાની નથી. એ વાતનું દ્રઢીકરણ પરિવાર દ્વારા થવું જોઈએ. લગ્ન બાદ માતા પિતા તથા વધૂના પરિવારનું સન્માન જાળવવાની એટલી જ જવાબદારી વર-રાજાની પણ છે એવું જ્ઞાન આપવું આવશ્યક છે. સપ્તપદીના સાત વચનો જે વર-કન્યાએ જાણ્યા, માણ્યા અને નીભાવ્યા તેમનો બેડો પાર !
ટુંકમાં હિન્દુ લગ્નવિધિનું આગવું મહત્ત્વ છે. જે સમજવાની અને આચરણમાં મૂકવાની તાતી જરૂર છે.




