નવું વિક્રમ સંવત કેમ આવ્યું? કારણ કે ભારતે અણમોલ અજોડ વિશ્વવિક્રમી પંચાંગ આપ્યું !

- અનાવૃત-જય વસાવડા
- સ્વદેશી કેલેન્ડર અપનાવતી વખતે ભારત સરકારે વિક્રમ સંવતને બદલે સૌર માસ આધારિત 'શક સંવત'ને ભારતનું અધિકૃત કેલેન્ડર બનાવ્યું. એનું ઓપનિંગ કારતકને બદલે ચૈત્રથી તથા ક્લોઝિંગ આસોને બદલે ફાગણથી થાય છે
ફ ટાકડા, દીવડા, રંગોળીના રંગો. મીઠાઈ. રોશની. બધું જ ઓગળી ગયા પછી, નવા કપડાં પણ કબાટમાં બંધ થઈ ગયા પછી, નવા વરસની સાફસૂફીમાં રાબેતા મુજબની અવ્યવસ્થા- અંધાઘૂંધી શરૂ થઈ ગયા પછી પણ દિવાળીની એક ખરીદી આપણી સામે આવતી દિવાળી સુધી મોજૂદ રહેવાની છે. ગેસ વોટ?
કેલેન્ડર! ડટ્ટા! તારીખિયાં! હજુ પણ ઔપચારિકતા ખાતર તેમાં તિથિઓ લખાય છે. ન લખાઈ હોય તો ય 'તિથિ' મુજબની જાહેર રજાઓમાં અંગ્રેજી તારીખોને લાલ અક્ષરે નોંધાયેલી લોકો ગણી લે છે! બસ, મુહૂર્તની ઔપચારિકતા સિવાય જગતભરમાં બેજોડ, નંબર વન એવા ભારતીય પંચાંગ સાથે આપણો આટલો જ નાતો રહી ગયો છે?કેલેન્ડરના મૂળિયાં જેવા ભારતીય પંચાંગનો ઈતિહાસ દર દિવાળીએ કોઇને કોઇ ચર્ચે છે. આપણે પણ અગાઉ ચર્ચી લીધો છે, રીડરબિરાદરોની એક આખી જનરેશન એ પછી તો ઉમેરાઈ ગઈ !
કેલેન્ડરનું ચિત્ર સ્થિર રહી શકે છે, પણ એનાં દિવસો દોડતાં રહે છે. જુઓ, જોતજોતામાં વધુ એક વિક્રમ સંવત પસાર થઇ ગયું! દિવાળી સિવાય આપણને વિક્રમ સંવંત યાદ નથી રહેતું. આપણા પંચાંગ ઉપર ૧૪મી સદીમાં શોધાયેલું ગ્રેગેરિયન કેલેન્ડર છવાઇ ગયું છે. અરે, જગતભરમાં એ સુપરપાવર દેશોનું કેલેન્ડર હોઇને તેની આણ વર્તાય છે. પણ આપણે દિવસોને હજુ પણ તારીખ કરતાં વઘુ ઝડપથી વારના નામથી ઓળખીએ છીએ. તારીખો ઘડિયાળમાં જોવી પડે છે. વાર મોંઢે યાદ રહી જાય છે!
કોઈ પણ કેલેન્ડર એટલે કાળની સડસડાટ વહેતી નદીમાંથી માણસે ભરેલો ખોબો! કેલેન્ડર બનાવવા માટે દિવસ, માસ, વર્ષ એ ત્રણ બાબતોનો તાલમેલ ઝીલવો પડે. કાળગણના જગતભરમાં પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ગતિની સાપેક્ષે થતી આવી છે. દિવસની ગણત્રી સહેલી છે, કારણ કે બરાબર ૨૪ કલાકે સૂર્ય માથા પર (મઘ્યાહ્નકાળ) આવે છે. પણ મહિના અને વર્ષની ગણત્રી જરા અટપટી છે, જેમાં 'અપૂર્ણાંક' સંખ્યાઓ આવે છે! ચંદ્ર પૃથ્વી ફરતેની પ્રદક્ષિણા ૨૯.૫૩૦૫૮૮૮૩ દિવસે પૂરી કરે છે. પૃથ્વી સૂર્ય ફરતેનો ચકરાવો ૩૬૫.૨૪૨૧૯૯ દિવસે પૂરો કરે છે. આ સંખ્યાઓ પૂર્ણાંક ન હોઈને એનો રોજીંદા જીવનમાં સરળ હિસાબ બેસાડવા સદીઓથી માથાકૂટ કરી અવનવા કેલેન્ડર્સ શોધવામાં આવે છે.
ભારતીય પંચાંગ અલબત્, કેલેન્ડર એ 'થોડા ઓર જ્યાદા'વાળી વિશેષ રચના છે. કેલેન્ડરમાં તારીખ-વારના બે જ અંગ હોય, જ્યારે પંચાંગમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ- એમ 'પાંચ અંગ' હોઈને પંચાંગ! મૂળ જ્યોતિષના અભ્યાસ માટે શોધાયું હોવાનું મનાતા પંચાંગમાં માન્યતા, દંતકથા, ક્રિયાકાંડોની ભેળસેળ છતાં રોમાંચક ખગોળવિજ્ઞાાન છે!
જેમ કે, વિક્રમ સંવત. બંધારણસભાએ ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ અપનાવ્યું ત્યારે વિક્રમ સંવત (મિતિ માર્ગશીર્ષ શુક્લ સપ્તમી, સંવત બે હજાર છ) નો ઉલ્લેખ કર્યો હતો ! પણ પછી ભારત સરકારે ૨૨ માર્ચ ૧૯૫૭ (૧ ચૈત્ર ૧૮૭૯ શક યુગ) ના રોજ શક સંવતને દેશના સત્તાવાર નેશનલ કેલેન્ડર તરીકે સ્વીકાર્યુંં હતું. સ્વતંત્રતા બાદ ભારતમાં અલગ-અલગ પ્રદેશોમાં લગભગ ૩૦ જેટલાં વિવિધ સ્થાનિક કેલેન્ડરો ચલણમાં હતાં, જેના કારણે સરકારી અને નાગરિક કામકાજમાં મોટી મૂંઝવણ ઊભી થતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પ્રખ્યાત વૈજ્ઞાાનિક અને ખગોળશાસ્ત્રી પ્રો. મેઘનાદ સાહાની અધ્યક્ષતામાં 'કેલેન્ડર સુધાર સમિતિ'ની રચના કરી હતી. પછી ઇસ્વીસનમાં ૭૮ વર્ષ પ્લસ કરતુ ૩૬૫ દિવસનું સોલાર કેલેન્ડર શક સંવંત સ્વીકારવામાં આવ્યું જેનું બેસતું વર્ષ ચૈત્રમાં આવે.
પણ હજુ ધાર્મિક બાબતોમાં વિક્રમ સંવત ચાલે છે. શાલિવાહનનું શક સંવંત માત્ર સરકારી ઔપચારિકતા છે. વર્તમાન પ્રચલિત ઈસ્વીસનમાં ૫૬.૭ (૫૭) વર્ષ ઉમેરો એટલે વિક્રમ સંવતનું વર્ષ મળતું જાય. એવું મનાય છે કે ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યે શકો પરના વિજય મેળવવાની યાદમાં આ વર્ષ શરૂ કર્યું હતું. નેપાળમાં આજે એ સત્તાવાર કેલેન્ડર છે. એના ઉદ્ભવ સાથે શલાકાચાર્ય નામના જૈન સાઘુની કથા જોડાયેલી છે. એક કથા વળી કાલિદાસ અને વરરૂચિ જેવા નવરત્નોથી શોભતા વિક્રમાદિત્યના દરબારના એક રત્ન ખગોળશાસ્ત્રી વરાહમિહિરની છે. વિક્રમ સંવત ગુજરાતમાં અને ઉત્તર ભારતમાં ખાસ્સું જાણીતું છે. પણ બાકીના ભારતમાં એટલું પ્રચલિત નથી!
દુનિયામાં ૧૫ પ્રકારના મુખ્ય કેલેન્ડર જાણીતા છે. પરંતુ આપણા જીવનનો હિસ્સો હવે અંગ્રેજી તારીખવાળું 'ગ્રેગેરિયન કેલેન્ડર' બની ગયું છે. ઈ.સ. ૧૫૮૨માં ખ્રિસ્તી પોપ ગ્રેગરીએ એ તૈયાર કરાવ્યું હતું. યુરોપિયન દેશોએ જૂના જુલિયન કેલેન્ડરને પડતું મૂકી એ અપનાવ્યું હતું. ગ્લોબલાઈઝેશનના જમાનામાં જાપાની, યહૂદી, ઈથિઓપિયન, જરથોસ્તી, ઈસ્લામી, બૌદ્ધ, કોપ્ટિક, શાલિવાહન (શાકે) તથા વિક્રમ સંવત જેવા કેલેન્ડર્સ ભૂલાતા જાય છે અને સાથોસાથ ભારતીય કાળગણનાની અટપટી લાગતી છતાં બેનમૂન એવી ખૂબીઓ પણ! જેમ કે,પશ્ચિમી કલેન્ડરમાં સમયની ગણતરી સેકન્ડથી શરૂ થાય છે, જ્યારે ભારતીય પંચાંગમાં સમયને 'ત્રુટિ' (સેકન્ડનો લાખમો ભાગ) જેવા અત્યંત સૂક્ષ્મ એકમથી લઈને 'મહાયુગ' અને 'કલ્પ' (અબજો વર્ષો) જેવા વિશાળ એકમોમાં માપવામાં આવ્યો છે.
જો કે, આવા પંચાંગ આધારિત કેલેન્ડરની અદ્ભુત કમાલ છે. તિથિ! અંગ્રેજી (ગ્રેગેરિયન) કેલેન્ડરની તારીખોની માફક આપણે ત્યાં તિથિઓ માસમાં સળંગ ગણાતી નથી. દર પંદર દિવસે એટલે કે પખવાડિયે ગણાય છે. શુક્લ પક્ષ ઉર્ફે સુદ ઉર્ફે અજવાળિયાના પંદર દિવસ અને કૃષ્ણ પક્ષ ઉર્ફે વદ ઉર્ફે અંધારિયાના પંદર દિવસ, એમ મહિનો પૂરો થાય છે. આ ગણત્રી ચંદ્ર પર આધારિત હોઈને ભારતીય પંચાંગ ચંદ્રમાસ પર આધારિત 'લ્યુનાર કેલેન્ડર' બને છે. તિથિ દિવાલ પરના તારીખિયામાં જોઈને આપણે 'દિવસ'થી ઓળખીએ છીએ, પણ વાસ્તવમાં તિથિ એ જે તે 'દિવસ' નથી ! જુદો એકમ છે.
વૈજ્ઞાાનિક રીતે કહીએ તો સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર બતાવતી સંજ્ઞાા એટલે તિથિ! પૃથ્વી સૂર્ય ફરતે ચકરાવો લે છે, પણ પૃથ્વી પરથી તો સૂર્ય જ ફરતો હોય એવું લાગે છે. પ્રાચીન વિદ્વાનોએ એના આધારે સૂર્યનો પ્રવાસમાર્ગ નક્કી કરી, એને 'ક્રાંતિવૃત્ત' નામ આપ્યું. એને ફરતેના તારામંડળોના આધારે એના ૧૨ ભાગ કરવામાં આવ્યા. એ બાર ભાગ એટલે બાર રાશિઓ! સંપૂર્ણ વર્તુળ ૩૬૦ ડિગ્રીનું હોય, એટલે દરેક રાશિનો વ્યાપ ૩૦ ડિગ્રીનો થાય. ઘડિયાળના ડાયલ જેવું પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ગતિનું કાલ્પનિક ડાયલ બનાવીને ગાણિતિક સમીકરણો કામે લગાડી તિથિનું માપ કાઢવામાં આવે છે. એની ડકવર્થ લુઈસની યાદ દેવડાવતી ફોર્મ્યુલા છેઃ (પૃથ્વી સંદર્ભે) ચંદ્રના અક્ષાંશમાંથી સૂર્યના અક્ષાંશ (અક્ષાંશ એટલે લેટિટયુડ) બાદ કરી એને ૧૨ ડિગ્રીથી ભાગવામાં આવે પછી મળતો આંકડો ૧૫થી વધુ હોય તો તિથિ સુદની અને ઓછો હોય તો તિથિ વદની ગણાય છે.
ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ મધરાતના બાર વાગે કે દિવસ બદલાય એવું તિથિમાં શક્ય નથી. ખરેખર એનો સંબંધ નજરે દેખાતા સૂર્યોદય કે સૂર્યાસ્ત સાથે પણ નથી. એટલે તો ઘણીવાર કાળીચૌદશ સવારે ચાલુ હતી પણ બપોર પછી દિવાળી થઇ ગઈ એવું ધોકાનું પાથરણું આવે છે ! તિથિ તો સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એ ત્રણેયની પરસ્પર સાપેક્ષ ગતિ પર આધારિત છે. માટે ઘણીવાર એક દિવસમાં બે તિથિ આવે છે કે, તિથિનો ક્ષય થતો હોય છે. તિથિનો ગાળો ૧૯ કલાકથી લઈને ૧૬ કલાક સુધીનો હોય છે. જેમ અંગ્રેજી કેલેન્ડરમાં પૃથ્વીને સૂર્ય ફરતી પ્રદક્ષિણાના સાચા સમય અને સગવડતા માટે ગોઠવેલા ૩૬૫ દિવસ વચ્ચેનો હિસાબ પૂરવા દર ચાર વર્ષે 'લિપ ઈયર' આવે છે, અને ૨૯ ફેબુ્રઆરીનો એક વધારાનો દિવસ 'એડજસ્ટ' થાય છે, તેમ ભારતીય પંચાંગમાં લગભગ દર અઢી વર્ષે 'અધિક માસ' ઉમેરાય છે.
ચંદ્રમાસ (ચંદ્રને પૃથ્વી ફરતે ૧ પ્રદક્ષિણાનો સમય) ૨૯ દિવસ, ૧૨ કલાક, ૪૪ મિનિટ અને ૩ સેકન્ડનો છે. આવા ૧૨ મહિનાનો સરવાળો કરો તો વર્ષ ૩૫૪ દિવસ, ૮ કલાક, ૪૮ મિનિટ અને ૩૬ સેકન્ડનું બને! જ્યારે સૂર્ય વર્ષ૩૬૫ દિવસ, ૫ કલાક, ૪૮ મિનિટ અને ૪૬ સેકન્ડનું છે. ઋતુઓ સૂર્યવર્ષ મુજબ બદલાતી રહે છે. ભારતીય પંચાંગકારોએ સૂર્ય-ચંદ્ર બંનેનું કોમ્બિનેશન વિચાર્યું હોઈને બે વચ્ચેનું એડજસ્ટમેન્ટ સાદા ગણિત મુજબ ૬૦ સૂર્યમાસ = ૬૨ ચંદ્રમાસ એવું થાય. એટલે દર ૩૦-૩૨ મહિને ભારતીય પંચાંગમાં એક મહિનો ઉમેરવામાં આવે છે!
આ અધિક માસ ક્યારે આવે તેની વેધશાળાના નિષ્ણાતો ગણતરી ફરી તિથિ મુજબ જ કરે છે. ૩૨ માસ, ૧૬ દિવસ, ૧ કલાક અને ૪૬મી મિનિટે એવો માસ આવે છે, જ્યાં સૂર્ય ૩૦ દિવસ સુધી બીજી રાશિમાં પ્રવેશ કરતો નથી. લાંબા ગાળે આવી રીતે કેટલાક દિવસોનું બેલેન્સ જરૂર કરતાં વઘુ જમા પણ રહે છે. એટલે સ્તો, કેટલાક તજજ્ઞાોના મતે દર ૧૪૧ વર્ષે અને એ પછીના ૧૯ વર્ષે 'ક્ષયમાસ' પણ આવે છે. એની ગણત્રી અંગે જો કે મતભેદ છે. (છેલ્લો ક્ષયમાસ ૧૯૮૩માં આવ્યો હતો) જો કે, કેલેન્ડરના ડટ્ટામાં તિથિનો ક્ષય પણ આ ગણિત અને ખગોળના વિજ્ઞાાનને લીધે જ થાય છે. ક્ષયમાસમાં જો કે સૂર્ય જમ્પ લગાવી બે રાશિને એકસાથે 'કવરઅપ' કરે છે.
ધાર્મિક કથાઓમાં પોતાનું કોઈ નામ ન રહેતા ઉદાસ બનેલા અધિક માસને વિષ્ણુએ પોતાનું નામ 'પુરૂષોત્તમ' આપ્યું એવું કહેવાય છે. પરંતુ, ભારતીય કાળગણનામાં દરેક માસના નામો નક્ષત્ર પરથી આવ્યા છે. કારતક કૃતિકા પરથી તો માગશર મૃગશીર્ષ પરથી. વિશાખા પરથી વૈશાખ અને ચિત્રા પરથી ચૈત્ર. જયેષ્ઠા પરથી જેઠ અને ભાદ્રપદા પરથી ભાદરવો. પુષ્ય પરથી પોષ અને માઘ પરથી મહા. ફાલ્ગુની પરથી ફાગણ અને અશ્વિની પરથી આસો! શ્રવણ પરથી શ્રાવણ અને અષાઢા પરથી અષાઢ!
નક્ષત્ર ચંદ્રના પરિક્રમાપથના તારાઓની સાપેક્ષે થતા કુલ ૨૭ વિભાગો છે. વર્તુળની ગાણિતિક ભાષામાં વાત કરીએ તો ચંદ્રે કાપેલું ૧૩.૨૦ ડિગ્રીનું અંતર! વર્તુળનો સત્તાવીસમો ભાગ એ નક્ષત્ર. એવી જ રીતે સૂર્ય અને ચંદ્રના અક્ષાંશોના સરવાળાનો ૨૭મો ભાગ તે યોગ. બાબા રામદેવવાળો (મૂળ તો ઋષિ પતંજલિવાળો!) યોગ નહિ, પણ જ્યોતિષ શાસ્ત્રવાળો યોગ. (ધનયોગ, હાનિયોગ વગેરે!) એવું જ એકમ છે કરણ. પણ યોગ, કરણ કે નક્ષત્રને કેલેન્ડરની કાળગણના સાથે ખાસ લેવાદેવા નથી.
એક વાત વિચારવા જેવી છે. આપણા પ્રાચીનતમ ગ્રંથોમાં તિથિ કે માસના ઉલ્લેખો હશે, પણ વારના ઉલ્લેખો જોવા મળતા નથી. 'સાત'નો આંકડો તો જરા અટપટો છે. સપ્તાહ પણ વરસમાં કુલ એને લીધે '૫૨' જેવા 'ઓક્વર્ડ ફિગર' પર પહોંચે છે. પૃથ્વીને ફરતે ચંદ્રના પરિભ્રમણને પણ કંઇ ૭ વડે ભાગી શકાય (ડિવાઇડેબલ) એવા ૨૧ દિવસ થતા નથી. સાડી ઓગણત્રીસ દિવસથી વઘુ સમય લાગે છે, એટલે તો કેલેન્ડરમાં થોડા દિવસો કે અધિક માસ 'મેનેજ' કરવો પડે છે! સાત સૂર ને મેઘ્ધાનુંશના સાત રંગથી આપણે ત્યાં સાતનો મહિમા ખરો.
બ્રહ્મવૈર્વત પુરાણ અનુસાર બ્રહ્માની પત્ની સાવિત્રી બાળકને જન્મ દેવા તૈયાર થઇ, ત્યારે સપ્તાહના સાત દિવસો તેની સેવામાં રહ્યા. વધુ જાણીતી વાત બાઇબલના 'નોઆહઝ આર્ક' જેવી જ મત્સ્યાવતારની પુરાતન કથા છે, જેમાં પ્રલયમાંથી બચેલા સપ્તર્ષિઓનો ઉલ્લેખ છે. એક વાયકા મુજબ સાત ઋષિઓના તારા બનાવીને આપણે એમની પત્નીઓના નામ નક્ષત્રોને આપ્યા છે.
રસપ્રદ વાત વળી 'વાસર' તરીકે ઓળખાતા વારના નામકરણ છે. બધા વાર કોઈ ને કોઈ ગ્રહોના નામ પર છે, એ તો દેખીતું છે. પણ કઈ રીતે? પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રીઓએ દિવસને ચોવીસ કલાકમાં વહેંચ્યા પછી વધુ જાણીતા (નરી આંખે દેખાતા અને સૂર્યમાળાના) સાત અવકાશી ગોળા પસંદ કર્યાં. (ઘણી સંસ્કૃતિઓએ અજબ સામ્ય દેખાય તેમ આવું કર્યું છે, જેમ કે 'સન'ડે જ રવિવાર છે. 'મૂન' ડે ઉર્ફે મન્ડે જ સોમવાર!) પણ ભારતીય પંચાંગમાં એનો ક્રમ કેવી રીતે નક્કી થયો?
વેરી ઈન્ટરેસ્ટિંગ. કોઈ ગેમ શોના રાઉન્ડ જેવું! ડિસેન્ડિંગ ઓર્ડર યાને ઉતરતા ક્રમમાં શનિ-ગુરૂ- મંગળ-સૂર્ય- શુક્ર- બુધ-ચંદ્ર એવો ક્રમ નક્કી થયો. કયા આધારે? વેલ, દરેક ગ્રહની ભ્રમણકક્ષાના આધારે! સૌથી મોટી ભ્રમણકક્ષા ધરાવતો શનિ નંબર વન, અને સૌથી ટચૂકડી ભ્રમણ કક્ષા ધરાવતો ચંદ્ર લાસ્ટ! હવે સવાલ થવો જોઈએ કે તો સૂર્ય વચ્ચે કેમ? એ એમ કે સૂર્ય પૃથ્વીના પ્રતિનિધિ રૂપે છે. પૃથ્વી પરના માનવને તો સૂર્ય જ ફરતો દેખાય ને? એટલે પૃથ્વીની ભ્રમણકક્ષાના પ્રતીક રૂપે સૂર્ય!
બસ, હવે ભારતના ઋષિઓએ આ ક્રમમાં દરેક ગોળાને દિવસના એક-એક કલાકનો સ્વામી બનાવ્યો, અને પહેલા કલાકનો જે સ્વામી હોય, તેના પરથી એ દિવસનું નામ પાડયું! 'અક્કડ બક્કડ બમ્બે બો' જેવી આ ગોઠવણીમાં નેચરલી શનિથી શરૂઆત થાય એટલે પહેલા શનિવાર આવે. શનિથી ચંદ્ર સુધીના નામો વન બાય વન ચોવીસ ખાનાઓમાં ગોઠવતા જાવ, તો ૨૫માં કલાકમાં પહેલો વારો સૂર્યનો આવે, એટલે શનિ પછી રવિ! ફરી એ જ ચક્ર ચાલુ રાખો તો ૨૫મો કલાક ચંદ્રને સમપત થાય, માટે રવિ પછી સોમ! ક્યા બાત હે! ટેલિસ્કોપ અગાઉના સમયમાં ભ્રમણકક્ષાની સચોટ ગણતરી અને આવું મેજીકલ લોજીક!
દુનિયામાં અવનવા કેલેન્ડર્સ છે. બધાને આગવી વિશેષતાઓ છે. ઇન ફેક્ટ સપ્તાહ યાને વીકની વાતોનો ગ્લોબલ પાઠ પણ ફરી ક્યારેક શીખવા સમજવા જેવો છે. સાઠ મિનિટ ને એ રીતે બારનો એકમ દશાંશને બદલે છ અંકોમાં માનતી સુમેરિયન સંસ્કૃતિની ભેટ છે.જે ૧૨ મહિના ને ત્રીસ દિવસ સાથે ભાગાકારના મેળમાં બેસી જાય છે. પણ ભારતીય કાળગણના જેવી અને જેટલી બારીક ગણત્રી શોધવી દુર્લભ છે. એમાં વળી ખગોળનું વિજ્ઞાાન છે, તો સંસ્કૃતનું સાહિત્ય પણ છે.
સેમ ટુ યુ ટાઈપ કરી દિવાળીમાં આંગળા ઠરડાઈ હોય એવા દેશપ્રેમી થનગનભૂષણોને જરા પંદર તિથિના નામો બોલવાનું તો કહો! એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દશમ, અગિયારસ, બારસ, તેરસ, ચૌદસ, પૂનમ, અમાસ. બરાબર? હા. પણ આ તો લોકબોલીના શબ્દો છે મૂળ શબ્દો છે. પ્રતિપદા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી, અષ્ટમી, નવમી, દશમી, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી, પૂણમા, અમાવસ્યા!
સંસ્કૃતિનું ગાંડાતૂર થઈને ગૌરવ લેવાથી એ સચવાતી નથી. એ માટે એનો અભ્યાસ કરવો પડે. આજે સૌર માસવાળા ગ્રેેગેરિયન કેલેન્ડરની બોલબાલા સર્વવ્યાપી છે. એ અધૂરું હોવા છતાં 'સગવડિયું' છે. એટલે તો સ્વદેશી કેલેન્ડર અપનાવતી વખતે ભારત સરકારે પણ વિક્રમ સંવતને બદલે સૌર માસ આધારિત 'શક સંવત'ને ૨૨મી માર્ચ ૧૯૫૭ના દિવસે ભારતનું અધિકૃત કેલેન્ડર બનાવ્યું. શાલિવાહન રાજાના કાળનું આ કેલેન્ડર ઈસ્વીસનથી ૭૮ વર્ષ પાછળ છે, અને એનું ઓપનિંગ કારતકને બદલે ચૈત્રથી તથા ક્લોઝિંગ આસોને બદલે ફાલ્ગુન (ફાગણ)થી થાય છે. ચંદ્ર માસવાળી ગણત્રી સચોટ છે, પણ અટપટી છે. પણ જો કુંડળી જેટલો ય રસ તેમાં પડે તો ચટપટી પણ છે!
હવે સમજાયું દિવાળી પછી ક્યારેક 'ધોકો' કેમ આવે? વિશ્વના પ્રાચીનતમ ગ્રંથ ગણી શકાય એવા ઋગ્વેદમાં ખગોળશાસ્ત્રના સંદર્ભો છે. 'સૂર્યસિધ્ધાંત' ગ્રંંથમાં પંચાંગની વિશદ છણાવટ છે. પણ મા-બાપે ચોકઠાં ગોઠવેલા લગ્નો સિવાય કે હિન્દુ વિધિમાં અંતિમ સંસ્કાર પછીના ક્રિયાકાંડો સિવાય અને તહેવારોની રજાઓ સિવાય તિથિઓ યાદ પણ કોને રહે છે?
ઋષિઓને બ્રહ્માંડ જોઈને વિસ્મય થયું, અને એમણે અન્વેષણ કર્યું. બધું આપણી પાસે જ હોય એવી સર્વજ્ઞાતાનો ફાંકો લઈને ફરતા અને ઋષિઓના નામમાત્રથી ભીનાભીના થઈ જતા ભારતીયોને આ જીજ્ઞાાસા મોક્ષપ્રાપ્તિ સિવાય કેળવવી નથી. શહેરની ચકાચૌંધ લાઈટસથી દૂર ચૂપચાપ કલાકો સુધી તારામઢ્યું આકાશ પણ છેલ્લે ક્યારે નિહાળ્યું હતું?
આપણે ખગોળશાસ્ત્ર અને ગણિતનો પાયો નાખ્યો, પણ એના પર અદ્ભુત મહેલ પશ્ચિમમાં ચણાયો. પંચાંગની ગમે તેટલી ગણતરી પછી વગર જ્યોતિષે પણ કહી શકાય કે જ્ઞાાનવિજ્ઞાાનની જીજ્ઞાાસાના મામલે નવા વિક્રમ સંવતમાં પણ આપણું ભાવિ અંધકારમય છે! અહોભાવમાંથી મુક્ત થઈ આપણા વારસાની ઉત્તમ બાબતોના અભ્યાસ વિના નવા વિક્રમો કેમ સર્જાશે? નવી પેન્ટન્ટ છોડો, નવી ટેલન્ટ પણ બંધિયાર વાતાવરણથી ગૂંગળાઈ ચૂપચાપ વિક્રમ સંવંતનું પ્યારું વતન છોડી બાર વાગે ડેટ બદલાવતા કેલેન્ડરના દેશોમાં સ્થાયી થઈ જાય છે,અને ટોચ પર પહોંચી ય જાય છે !
તો દુનિયાના કોઈ પણ ખૂણે, જેણે પણ આ પંચાગપુરાણ વાંચ્યું એમને નૂતન વર્ષાભિનંદન.
ઝિંગ થિંગ
ન કાલો દંડમુદ્યમ્ય શિરઃ કૃતન્તિ કસ્યચિત્? કાલસ્ય બલમેતાવદ્વિપરીતાર્થદર્શનમ્?
(મહાભારત)
ભાવાર્થઃ કાળ કંઈ દંડ ઉગામીને કોઈનું માથું ફોડતો નથી, પણ આવું માનીને કાળને ન અનુસરવું, (એટલે બહુ ગુમાનમાં રહી બદલતા સમયને ન પારખીને પાછળ પડી જવું ) એ જ કાળનું બળ છે!




