ભારતમાં ભાષાનું સ્તર નીચું કેમ જવા લાગ્યું?

- અનાવૃત-જય વસાવડા
- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ને પૂર્વ પ્રધાનમંત્રી નેહરુ જેવા ગુજરી ગયેલા વડીલ વરિષ્ઠોને અત્યંત ગંદી ભાષામાં અપમાનિત ભારતમાં જે રીતે કરવાનું શરૂ થયું, એવું ભાગ્યે જ કોઈ સભ્ય દેશ પોતાના આદરપાત્ર પૂર્વજો માટે કરે !
મે ગા બ્લોક્બસ્ટર ધુરંધર ફિલ્મમાં વારંવાર આવતી ગંદી ગાળો વિના પણ ચાલી જાત. હિંસા તો હતી જ ને મજબૂત સ્ટોરીટેલિંગની સકસેસ પણ હતી. પણ ફિલ્મમાં સંગીત હેરસ્ટાઈલ ઘણું જેન ઝી ને અપીલ કરે એવું કૂલ રાખવામાં આવેલું તો કોમેડીમાં પણ ટ્રેન્ડ કરતી ગાળો પણ ભરપૂર હતી. વારંવાર ધુરંધર જોઇને ગલોટિયા ખાતા કોઈને એની સામાજિક અસર કે ભાષાવિવેકની દુહાઈઓ યાદ નહોતી આવી ! પણ જંતર મંતર પર બધા નહિ પણ થોડા જેન ઝીએ એમને માટે બોલચાલમાં નોર્મલ ગાળો ટોપ પાવર સ્ટ્રક્ચરને નિશાન બનાવી આપી તો અચાનક અમુક ફોલ્ડર લોકોને દેશની નવી પેઢી ગટર લાગવા લાગી. ભલું થાજો મોહન ભાગવતજીનું કે સમયસર એમણે એજ્યુકેશન બાબતે અકળાયેલી જેન ઝીને દેશદ્રોહી ગણવાને બદલે બે મોઢે વખાણ કર્યા ને ચા કરતા વધુ ગરમ કિટલીઓને ભોંઠી પાડી.
એટલે શું જાહેરમાં ગમે તેમ ગમે તેને ગાળો બોલવી જસ્ટીફાઈ ગણવાની ? બિલકુલ નહિ. ભાષા વિવેક ચૂકવાથી વાતનો મુદ્દો ફેરવવાનું મોકળું મેદાન મળી જાય એ તો ઠીક, આપણી જેન્ડર બાયસ ગાળો આધુનિક સંવેદનાઓમાં શોભે નહિ. વ્યક્તિગત એનો ઉપયોગ એટલે ક્યારેય કર્યો નથી. ખરી ક્રિએટીવિટી તો ફેમિલી સાથે મસ્તીથી માણી શકાય એવા કટાક્ષમય વેજ શબ્દો કોઈન કરવામાં છે. ક્રાંતિમાં કોઈ સામા છેડે બેઠેલી આદરપાત્ર વરિષ્ઠ વડીલ વ્યક્તિ જેમ કે વડાપ્રધાનને ગંદી ગાળો આપવી એ કોઈ કળા નહિ પણ કળિયુગી કાળ કહેવાય. આવું વર્તન કરનારા ભ્રાંતિમાં જીવે છે કે એમણે મોટી તોપ ફોડી નાખી. નરેન્દ્ર મોદીએે માફ કર્યા મોટું મન રાખીને પણ આવી અભદ્રતા ને અસભ્ય આચરણ જ શિક્ષણ અને શિસ્તનો સામાજિક અભાવ છે.
કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચકી ઇન્દ્ર સામે ક્રાંતિ કરી એવા સંદર્ભોને કથાવાર્તા કહી દો તો આ દેશમાં ઇતિહાસની નજરે વિશાળ જન આંદોલનોનો પાયો કોંગ્રેસ અને ગાંધીજીના સમયમાં નખાયો. પહેલા ૧૮૫૭ની ક્રાંતિ થઈ, જેમાં રાજાઓ, મુગલ બાદશાહ, સ્થાનિક શાસકો જોડાયેલા. સામાન્ય જનતા તો સાઈડ કેરેક્ટર હતી. ક્ષેત્રીય સ્તર પર ઘણા આંદોલનો થયા, જેમાં સંન્યાસી-ફકીર વિદ્રોહ (૧૭૬૩-૧૮૦૦), પાઇકા વિદ્રોહ (૧૮૧૭) અને વહાબી આંદોલન (૧૮૩૦-૧૮૬૦) જેવા ઘણા આંદોલનો થયા હતા. પરંતુ આ દેશના કેટલાક હિસ્સાઓમાં મર્યાદિત હતા. વ્યાપક વિશાળ નહોતા.
પણ બંગાળ વિભાજન સામે ઉમટેલા આક્રોશે ત્યારે કોંગ્રેસને આખા દેશમાં એક મજબૂત સંગઠન સિદ્ધ કર્યું. આંદોલનના તીવ્ર અને સાતત્યપૂર્ણ દબાણના કારણે બ્રિટીશ સરકારે અંતે બંગ ભંગ બંગાળ વિભાજન રદ્દ કરવું પડયું અને આ આંદોલનની સફળતા હતી. એણે આખા દેશમાં જનતાને પહેલીવાર એની તાકાતનો અહેસાસ કરાવ્યો.
પણ જેમને યાદ નથી, તેમણે યાદ રાખવું જોઈએ કે આઝાદીના આંદોલનોમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની ભાષા અંગ્રેજો પ્રત્યે ક્યારેય પણ ગાળાગાળીવાળી કે અમર્યાદિત નહોતી. ગાંધીજી જેવા દૂરંદેશી નેતૃત્વથી આકષત નેતાઓ ઉચ્ચ કક્ષાના પરિવારોમાંથી આવેલા ભણેલા લોકો વધુ હતા. એ સ્વાતત્ર્યસેનાનીઓ જાણતા હતા કે ગાળાગાળી કરવાથી તેમનો નૈતિક પક્ષ નબળો પડશે. તેઓ દુનિયા સામે એ સાબિત કરવા માંગતા હતા કે ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ અંગ્રેજોની તુલનામાં વધુ સભ્ય અને ન્યાયપ્રિય છે.
ભગત સિંહ, ચંદ્રશેખરઆઝાદ અને બટુકેશ્વર દત્ત જેવા યુવા ક્રાંતિકારીઓએ જ્યારે અદાલતોમાં નિવેદનો આપ્યા, ત્યારે તેમની ભાષા અત્યંત દાર્શનિક, તાર્કિક અને ગંભીર હતી ! ક્રાંતિકારીઓના લેખોમાં તીખી રાજકીય આલોચના અને બ્રિટિશ નીતિઓને ઉખેડી ફેંકવાની વાતો તો હતી, પરંતુ કોઈપણ પ્રકારની અભદ્ર ભાષાનો પ્રયોગ નહોતો. જલદ વાત કરવા માટે કટાક્ષ પૂરતો છે, અશ્લીલ ગાળોની જરૂર નથી.
સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન હજારો મુકદ્દમાઓ (જેમ કે અલીપુર બોમ્બ કેસ, મેરઠ કોન્સ્પિરસી કેસ)ના અદાલતી રેકોર્ડ્સ આજે પણ મોજૂદ છે. આ દસ્તાવેજોમાં કોઈપણ સ્વાતંર્ત્ય સેનાની દ્વારા બ્રિટિશ અધિકારીઓ કે ન્યાયાધીશો માટે અપશબ્દો કે ગાળાગાળીના ઇસ્તેમાલનો કોઈ ઉલ્લેખ નથી મળતો. બ્રિટિશ શાસનને 'ક્રૂર', 'શોષક', 'અત્યાચારી', 'રક્તપિપાસુ' કે 'શૈતાની' જણાવવામાં આવ્યું, પરંતુ આ શબ્દો વ્યક્તિગત કે ગંદી ગાળાગાળી ના ગણાય. હા, અંગ્રેજોની ભાષામાં સામંતી ક્રૂરતા અને નસ્લીય અહંકાર સાફ ઝલકતો. જેમ ચર્ચિલે કે ગાંધીને અધનંગા ફકીર કહ્યા હતા. પણ મોટે ભાગે એમાં ધુત્કાર હતો. ગાળો ખાનગીમાં બોલાતી હશે. જાહેરમાં નહિ. આમે પશ્ચિમી ગાલિપ્રદાનમાં આપણે જે દેશી જોખાવીએ એટલું વજન નથી હોતું.
સવાલ એ પણ છે જ કે નવી પેઢીની ભાષા હવે ક્રાંતિના નામે આટલી કેવી રીતે ગગડી ને બગડી ગઈ ?
અસલમાં યુવાઓની ભાષાને બરબાદ કરવાનું કામ એક દાયકા કરતાં વધુ સમયથી ચાલુ છે. ધાર્મિકતા કે એના નામે રમાતા રાજકારણની આલોચના કરનારાઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવા અને તેમની સાથે ગાળાગાળીથી શરૂ થયેલો આ સિલસિલો જ ટપોરીટ્રોલિંગ ! જેને જાણે સમાજનું મૌન સમર્થન હતું. અનેક વાર ચીંધેલી એની આડઅસરો ગંભીરતાથી હજુ કોઈ લેતું નથી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ને પૂર્વ પ્રધાનમંત્રી નેહરુ જેવા ગુજરી ગયેલા વડીલ વરિષ્ઠોને અત્યંત ગંદી ભાષામાં અપમાનિત ભારતમાં જે રીતે કરવાનું શરૂ થયું, એવું ભાગ્યે જ કોઈ સભ્ય દેશ પોતાના આદરપાત્ર પૂર્વજો માટે કરે !
પણ આની સામે ખાસ અવાજો ઉઠયા નહીં. ફરિયાદો પર કોઈ નકકર એકશન ન તંત્રે લીધા. ના સોશ્યલ મીડિયા સંચાલકોએ. ધીરે ધીરે ના ગમતા કલાકારો હોય કે કથાકારો. અલગ ધર્મની વાત હોય કે વિરોધી પક્ષની. આમ જ એમને કૉમેન્ટમાં ઝેખના ટોળાની જેમ તૂટી પડીને હલકી ગંદી વિકૃત અને જૂઠી ભાષામાં ચોપડાવી દેવાને બહાદૂરી ને દેશભક્તિ ગણવામાં આવી. એના માટે જાણે એ પ્રશંસાપાત્ર પરાક્રમ હોય એમ એવું લખતા બોલતા લોકોને બિરદાવતી પ્રજાતિ ભેગી થઈ. રાની પશુઓ જેમ આગની ભાષા સમજે, એમ એમના પ્રતિકારમાં વ્યંગ કે સાહિત્ય ન ચાલતું. ઇંટ કા જવાબ પથ્થર જ એકમાત્ર રક્ષણ હતું.
બાકીનું વાસ્તવવાદી રૂપમાં આવતું મનોરંજન અને સ્ટેન્ડ અપ કોમેડિયનોની મોટા ભાગની નવી પેઢીએ પૂરું કર્યું. જે છૂપું હોય એમાં રસ પડે ને હસવું આવે. ઘણા યુગલો પ્રાઈવેટમાં સેક્સ વખતે ગાળો બોલવાની કિક અનુભવે જે હવે જાહેરમાં આવી ગઈ. મોબાઈલમાં વાઈરલ થવાની લાલચે ગાળો પણ 'કૂલ' દેખાવા માટેનું એક્સ ફેક્ટર બની ગઈ! અને નવી પેઢી તો મોબાઈલ સ્ક્રીન પર જ ઉછરે છે. કાવ્યાત્મક ભાષા કે રસિક સાહિત્ય સાથેનો સંપર્ક એમનો ક્યારનો છૂટી ગયો છે મોટા ભાગે. એમાંથી કોઈ કરિયર બનતી નથી કે પેરન્ટ્સને રસ પડે. એમને એમ થયું કે ગાંધીને કે શાહરૂખને કે મોરારિબાપુને કે રાહુલને કે મોદીને કે બરખાને… કોઈ પણ સેલિબ્રિટીને ગમે તે આઇટી ફેક્ટરીનો ફેક પ્રોફાઈલ ભદ્દી ગાળો ભાંડી શકે જસ્ટ લાઈક ધેટ તો એ ન્યુ નોર્મલ છે ! અમુક મોટા ગજાના નેતાઓ પણ એમાં જોડાયા. એટલે એક આમન્યા હોય સામાજિક શરમની એ ખતમ થઈ ગઈ. મતભેદમાં પર્સનલ થઈને તોછડાઈ કરવી એ જાણે દેશપ્રેમ માટે પુણ્યકાર્ય થઈ ગયું !
હિન્દુસ્તાનમાં હવે સોશ્યલ નેટવર્ક પર ગાળ દેવી ખરાબ નથી, રિપોર્ટ કરો તો ભાગ્યે જ એવી પોસ્ટ કોઈ ખસેડે પણ છે. કોઈ રોકટોક નહીં અને ન તો સભ્યતા અને સંસ્કૃતિ પર કોઈ સવાલ ! કોઈ તો આને ગૃહઉદ્યોગ ગણીને કમાણી પણ કરશે ! એ ભૂલી ન જતા કે છેલ્લા દોઢ દાયકાથી ધમકી અને ગાળોની ભાષામાં જ તો રાજકીય કે ધામક અસહમતિ ધરાવતી સ્ત્રીઓ સાથે પરંપરાપૂજક રૂઢિચુસ્ત સંકુચિતો દ્વારા પનારો પાડવામાં આવ્યો હતો. જે ઇસ્લામના નામે કઠમુલ્લા અફઘાનિસ્તાન પાકિસ્તાનમાં કરતા એની કોપી હિન્દુત્વના નામે અભણ ટોળા મારવા લાગ્યા જાણે એ કોઈ અનુકરણીય આચરણ હોય ! ઓનલાઇન અનેક મહિલાઓ તો ચૂપ થઈ ગઈ, લખવાનું છોડી દીધું. ઘણા વિદ્વાન લોકો સાયલન્ટ ઓબ્ઝર્વર થઈ સોશિયલ મીડિયાથી દૂર જતા રહ્યા. અરે, કોઈ પણ બુદ્ધિગમ્ય પણ જડ રાજકીય ધાર્મિક માનસિકતાથી વિરુદ્ધ સત્ય બોલનારને પણ વારંવાર પ્રોફાઇલ ડીએક્ટિવેટ કરવા પડે કે સાગમટે બ્લોક કરવા પડે એવી મજબૂરી વધતી ગઈ.
આધુનિકતા જાણીતા લોકો માટે અભિશ્રાપ બની ગયો ! પ્રોફાઈલ લોક્ડ થવા લાગી. કારણ કે મધપૂડાની જેમ અલગ મત રાખનાર કે બે સાચી ઇન્ટેલીજન્ટ વાત કરી ભ્રષ્ટાચાર નો વિરોધ કરનાર સામે હોરર ઝોમ્બીની મંડળ ગાળો આપનારાઓ તૂટી પડયા હતા. પ્રેસ્ટીટયુટ કે લિબ્રાન્ડુ જેવા સેંકડો અશિષ્ટ શબ્દો શોધાયા અને બુદ્ધિજીવી હોવું એ ગાળની સમકક્ષ ગણી નાખે એવા ટપોરીટ્રોલિયા તૂટી પડતા હતા ટોળું જમાવીને. અરે, અમુક સંતો, ડોક્ટરો કે ટીચરો પણ બાકાત નહોતા આવા ભાષાપ્રયોગથી !
એ માટે ખાસ ટાર્ગેટ કરી કોઈનું ચરિત્રહનન કરવા સોશ્યલ મીડિયા પર સેંકડો ગ્રુપ ચાલતા હતા જેમાં કૂતરાને શિયો કહેવાય એમ કોઈ પોસ્ટ પર ગંદી અભદ્રતા સાથે તૂટી પડવાની હાકલો થતી ને થાય છે. એવા રક્તપિપાસુઓ પેદા થઇ ગયા હતા કે જેમ ઇસ્લામિક જેહાદી ત્રાસવાદીઓ કાફિર સમજે એને મારવાને જન્નતનો વિઝા ગણે, એમ એ વિકૃત વાયડાઓ 'અર્બન નક્સલ દેશદ્રોહી'નું લેબલ માર્યા બાદ ખલનાયકોને ખતમ કરવાનું પુણ્યકાર્ય સમજતા હતા. એમને દેખાવ ખાતર પણ કોઈ ટકોર કરી સભ્યતાની શીખ આપીને વારતું નહોતું. અઢળક નામો છે, જે રમૂજથી નહિ પણ શેતાની તિરસ્કારથી માત્ર ફરિયાદ કે અસહમતી માટે ટોળા દ્વારા ટ્રોલ થયા હોય. ધમકીઓ જેમને મળી હોય ને સામાજિક બહિષ્કારની કોશિશ ખુલ્લેઆમ કરવામાં આવી હોય. પણ ભાષાની મર્યાદા બાબતના સંસ્કારરખેવાળો ત્યારે મોઢામાં સિંદૂર ગળીને ગળું બંધ કરીને બેસી ગયા હતા.
ટોચના નેતાઓ તો ઠીક આપણે જમ્યા બાદ વાસણ સાફ કરવાનું જોવા બેસતા નથી એમ અજાણ જ હશે, એમના કહેવાતા પક્ષભક્તજનો શું એંઠવાડ પીરસી સમજદાર સંવેદનશીલ લોકોને હેરાન કરી રહ્યા છે એ બાબતે. દેશનો પર્યાય જાણે પોલિટીકલ પાર્ટી સમજીને ખુદના પક્ષના પણ સાચું કહેતા હિતેચ્છુઓ કે સારી બાબતો વખાણતા જેન્યુઈન લેખકો પર પણ એમનો ગલીના ગુંડા જેવો ગેંગત્રાસ હતો ને છે.
કોઈ સતાવાર ફરિયાદ પણ કરવા જાવ તો સાંભળે નહિ. વાચન આવા મવાલી માનસિકતાના લોકોનું ખાસ અપવાદો બાદ કરતા હોય નહીં. મોટા નેતાઓને એ અહેસાસ પણ નહિ હોય હજુયે કે એમની બ્રાન્ડ વધારવાને બદલે આવા અપલખણને લીધે બગાડવા આવતી હતી સમજદાર સાત્વિક વર્ગમાં. ગીતાનો ધ્વજ ડીપીમાં લગાવી ફરતા લોકો કર્મનો નિયમ ભૂલી ગયા કે ક્યારેક કાળ સામો હિસાબ અણધાર્યો કરી શકશે !
બાકી, તમે રેગ્યુલર એકસરખા મેસેજીઝના માસ પ્રોડક્શન કરતા બેશુમાર ફોલ્ડરો સામે ગમે તેટલા લોકપ્રિય કે વિચારવંત હો, એકલપંડે કેવી રીતે મુકાબલો કરી શકો ? એટલે અમિતાભ જેવા બોલતા આવડે એવા સ્ટાર્સે વર્ષોથી હૈયું ખોલીને ઈન્ટરવ્યુ આપવાનું જ બંધ કરી દીધું ! આટલા પૈસા ને પ્રસિદ્ધિ છતાં આ તમામ ઝીંક ના ઝીલી શકે સતત ઠલવાતા અંગત દ્વેષ સાથે ગપ્પા ભેળવેલા ઝેરથી તો સામાન્ય માનવીનું શું ગજું ! આ વિષવમન લાંબા સમયથી સોશ્યલ નેટવર્ક પર રૂટિન છે, જેનો ટાંકો છલકાઈ ગયો !
શિક્ષિકા નંદિની વ્યાસે ફેસબુક પર લખ્યું કે 'જેન ઝી દંભી નથી, ગુસ્સામાં, એગ્રેશનમાં એને જે કહેવું છે એ કહી દેશે. જીન્સ પેહરી મંદિર જશે પણ એનું મન હશે તો, નિયમોમાં નહીં માને, સાડી પેહરી, સત્સંગ કરી, માથે ઓઢીને મનમાં કોઈને ગાળો નહીં આપે. પૂજા પાઠ ભલે ન કરે, ધાર્મિક હોવાનો ખોટો દંભ નહીં કરે એટલે પુઅર ઓલ્ડ પીપલ એને સ્વીકારી શકતા નથી. (શિક્ષણ માટે ચિંતીત) જેન ઝી નોલેજેબલ છે, એમનું નોલેજ ફક્ત વોટસએપ યુનિવર્સિટીનું નથી, એ ભગતસિંહ, હેડગેવાર, આંબેડકર, પેરિયાર આ બધાંના ઇતિહાસથી વાકેફ છે. મોબાઇલ હાથમાં હોય તો શક્ય છે એ એમાં પણ કોઈ પુસ્તક વાંચતું હોય, ડિમવિટસ (એટલે મૂઢમતિ,યુ નો !) ને ભલે એ સ્ક્રોલિંગ કરતી, કામ વગરની રીલ્સમાં રમ્યા કરતી બગડેલી જનરેશન લાગે. એવુ લાગતું હોય તો પેહલા આપણે વિચારવું પડશે કે હમારી પરવરિશમેં કહાં કમી હૈ?'
જી. જેન-ઝીની ગાળોને લઈને પ્રબુદ્ધ-સમાજ દ્વારા એવી ચિંતાઓ વ્યક્ત થઇ જાણે કે સમાજમાં આના પહેલાં ગાળો હતી જ નહીં, એ તો જેન-ઝીનો વિકૃત આવિષ્કાર છે ! વાસ્તવમાં ગાળ કોઈ વિચાર નથી, એ એક ભાવાભિવ્યક્તિ છે. ક્યારેક-ક્યારેક એમાં બદદુઆ ('કર્સિંગ') પણ હોય. ઊંચા હોદ્દા પર બેઠેલો કોઈ માણસ છે શ્રેષ્ઠતાબોધના ધુત્કારથી આપે એને માટે દોસ્તોયેવ્સ્કીએ અસહાય 'અંડરગ્રાઉન્ડ-મેન'ની વિભાવના લખેલી એક દિવસ તે નાના માણસનું ધૈર્ય ખૂટી જાય છે અને એ કોઈપણ પરિણામની પરવા કર્યા વગર તે ઊંચા હોદ્દાવાળાને પણ સામી ભદ્દી ગાળ આપે છે. ત્યારે આ ગાળમાં પ્રતિરોધ છે, વિદ્રોહ છે, બગાવત છે.
વિસ્ફોટનો અવાજ સુમધુર અને કર્ણપ્રિય નથી હોતો! એવું નથી કે આ પેઢી વિચારવાન કે મૂલ્યોથી સમૃદ્ધ છે અથવા તો એમની ભાષાનો મુખ્યધારામાં ઉપયોગ કરવો જોઈએ. પરંતુ એમનો બેખોફ અંદાજ ગાળને લિટરલ સેન્સમાં લેવાને બદલે ચિત્કાર ને આક્રોશના રૂપમાં લો તો સમજાશે. હવે એ કોઈ દુષ્યંતકુમાર કે પાશ તો રહ્યા નથી કે કવિતાની ભાષામાં ચીરી નાખે ! એટલું વાચન જ ક્યાં છે એઆઈ યુગમાં? એની ફિકર તો સમાજને નથી જેટલી લવ મેરેજની છે !
જમીની આંદોલનોમાં ધાર હોય, એમાં બહુ તહેઝીબ ન ચાલે. દલિત સાહિત્યમાં તો કચડાયેલી અસ્મિતા બતાવવા ને શુચિતા સામે વિપ્લવ કરવા ભારતની ભાષાઓમાં ગાળ છૂટથી વપરાય છે. મરાઠી સાહિત્યકાર નામદેવ ઢસાળની ૧૯૮૬માં પ્રકાશિત એક પુસ્તકના શીર્ષકમાં જ અપશબ્દ છે. અને ૧૯૯૯માં તેમને પદ્મશ્રી મળેલો !
પણ ચિંતન એ કરવાનું છે કે આમ તો બધું છી છે હાય હાય સેન્સર કરતા સમાજમાં આ અનફિલ્ટર્ડ ભાષા ક્યાંથી ઘુસી ગઈ ? સિનેમામાં પણ પહેલાં ઝૂઠે, ફરેબી, મક્કાર, નાલાયક, કૂત્તે. કમીને, હરામજાદે એવી ગાળો આવતી. પરંતુ આજના ઓટીટીયુગમાં એવી ગાળો આવી જે સમાજમાં તો એ હંમેશાંથી મોજૂદ હતી! સમયની સાથે માત્ર સ્ક્રીન પર અવતરણ કર્યું ! અપશબ્દો ખાસ સંજોગોમાં પ્રતિરોધને કે એન્ગર ફ્રસ્ટ્રેશનના નિકાલને બદલે સાહિજક મનોરંજન થઈ ગઈ !
મામલો વિચિત્ર છે. મેદાનમાં ગાળો બોલતો વિરાટ કોહલી જીવનમાં વિનયી જીવનસાથી છે. પણ જાહેરમાં સંસ્કારી લાગતા ને ડીપીમાં ભગવાન કે ધ્વજ રાખતા અમુક ભેજાંવિહીન પ્રાણીઓ સોશિયલ મીડિયા પર સૌથી વધારે ગંદી ભાષા બકે છે. અરે, અપશબ્દોનો વિરોધ કરવા માટે પણ સવાયા અપશબ્દો વાપરવા સિવાય દસ લીટી લખવા જેટલું પણ ભણ્યા નથી !
સ્ત્રીઓ એમને જ લાગુ પડતી ગાળો બોલે ત્યારે આમ અચરજ થાય. પણ ટૂંકા કપડાંની જેમ છોકરીઓની ભાષા એ તો રીઢા રૂઢીવાદીઓનો હાહાકાર છે. આમે ય સ્ત્રીનો (કે સમર્થ પુરુષનો પણ) અવાજ રોકવાનો સૌથી સસ્તો રસ્તો હંમેશાં તેના ચારિર્ત્યને વચ્ચે લઈ આવવાનો રહ્યો છે, કારણ કે વિચાર પર હુમલો કરવા માટે વાંચવું પડે છે, સમજવું પડે છે, ઉત્તર આપવો પડે છે, જ્યારે તેના ચારિત્ર્ય પર હુમલો કરવા માટે માત્ર એક ગાળ જોઈએ, એક એવો શબ્દ જે તેની આખી વાત પર ગંદો કચરો નાખી દે, પછી ચર્ચા મુદ્દાને બદલે માણસ પર ચાલે.
અસલી સીન ગંદી ગાળની પાછળ ખુલે છે, જ્યાં કેટલાય એના પર સ્માઈલી મૂકે. ઘણા એનું ઉઘાડું સમર્થન કરે. એણે એવી ભાષામાં ગાળો વિના જોખી લો તો પાછા ચિબાવલા ચતુરો ભોગ બનનારને જ સલાહો દે પણ પેલા મવાલીગીરી કરતા દેશભક્તિના લાયસન્સ હોલ્ડર હોવાનો દેખાડો કરતા લુખ્ખાઓને કશું ના કહે ! પછી વિકૃત ભાષાખોર ટ્રોલિયા આસપાસ ભીડ ભેગી થાય છે એની જેમ જ કચરો જ ફેંદયા કરતા ભૂંડાબોલા ભૂંડોની ! આપણે દંભીસ્તાનીઓ ગાળ બોલનારને સમાજમાંથી બહાર નથી કાઢતા, પણ વારંવાર સ્પષ્ટ સત્ય કહેનારનો બહિષ્કાર કરીએ છીએ! આ ડરને માન્યતા આપતો સમાજ પાછો ભોળપણથી પૂછે છે કે ખોટું થાય ત્યારે બધા બૌધ્ધિકો મૌન કેમ હોય છે!
બંદૂકના શોધકોને જ ગોળી ખાવી પડે એ ગમતું નથી. પણ ક્યારેક એવું થાય તો એમને ગનની આડઅસર સમજાય ! ક્યારેક મનુષ્યની ભીતર પીડા, ક્રોધ, અપમાન, અસહાયતા અને ક્ષોભ એકસાથે ઊભરાઈ પડે છે, ત્યારે શબ્દો પોતાનું સંતુલન ખોઈ બેસે છે. ત્યારે મોંમાંથી આશીર્વાદ નથી નીકળતા, શ્રાપ નીકળે છે. ગાળો નહિ, પણ કકળતી આંતરડી. કે નિર્દોષ હોવા છતાં આવો અન્યાય શા માટે?
શ્રવણના માતાપિતાએ દશરથને અને અંબાએ ભીષ્મને ગાળો નહોતી આપી. પણ એમને થયેલી વેદના કટુતામાં પરિણામે ત્યારે નીકળી જતી આહ કોઈનું ભાગ્ય પલટી નાખે. દુ:ખ અને ક્રોધ ગાળનું સ્વરૂપ શબ્દોમાં લે એથી આગળની વાત છે આ. એક બાજુએથી એ ગાળો છે કે વિકૃતિથી કોઈને ટ્રોલ કરવા અપાય છે ને બીજી બાજુ એ આક્રોશ છે જે દબાયેલી વેદનાનો વિસ્ફોટ બનીને જ્વાળામુખીની જેમ ફાટે છે. ગાળો બોલતા રાજકારણીઓ કે હોદ્દેદારો છૂટી જાય, એમને કડક અનુશાસન શીખવો તો મહાજનપંથે નવી પેઢી ચાલે.
ગાળ કોઈ આભૂષણ નથી. દૂષણ છે. પણ એટલું સમજાવવા માટે પણ ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ તો જોઈશે ને ! સુંદર સાચી ભાષા નેક્સ્ટ જનરેશન જોશે, વાંચશે કે સાંભળશે નહીં તો જોડણી ખરાબ થઈ એમ જ અભિવ્યક્તિ ખાડે જશે !
ઝિંગ થિંગ
'ઔરત અગર સિગારેટ (યા શરાબ) પીતી હૈ તો ઉસકા ફેફડા હી ખરાબ હોતા હૈ, ચરિત્ર નહીં !' ( સઆદત હસન મંટો)




